News of Wednesday, 7th May 2025
રાજકોટની પોપટપરા જેલમાંથી હત્યાના ગુનાના પાકા કેદીનો ભાગી જવાનો પ્રયાસ: આદમ ઉર્ફે જાવેદ દીવાલ કૂદી ભાગવા જતાં પટકાયો, ગંભીર ઇજા

રાજકોટઃ શહેરની સેન્ટ્રલ જેલમાં અવાર નવાર કેદીઓ કાચ, ખીલી કે પછી સાબુ અથવા મચ્છર ભગાડવાની ટ્યુબ ખાઈને આપઘાતના પ્રયાસ કરતા હોય છે. દરમિયાન એક કેદીએ કઈ નહિ તો જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે. દિવાલ કૂદી ભાગવાના પ્રયાસમાં તે પડી જતાં ઘાયલ થયો હતો.
જાણવા મળ્યા મુજબ પોપટપરા સેન્ટ્રલ જેલમાંથીનાશી છૂટવાનો પ્રયાસ કરતા કેદીને ઇજા થઇ છે.હત્યાના ગુન્હામાં સજા કાપતો કેદી સિપાહીની નજર ચૂકવી બેરેકની છત ઉપર ચડી જઈ ત્યાંથી દોડી જેલની બહાર કૂદવા જતાં પડી ગયો હતો. પાકા કામનો કેદી આદમ ઉર્ફે જાવેદ સિદ્કીભાઈ સંધી (ઉ.વ.૫૦) હત્યાના કેસમાં સજા સજા ભોગવી રહ્યો છે. ૨૦૧૮થી તે જેલમાં છે.
આ કેદી સાંજે સિપાહીની નજર ચૂકવીને પોતાની બેરકની છત ઉપર ચડી ગયો હતો. જ્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા પટકાતા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. કેદી કૂદી ગયાની જાણ થતાં જેલ સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. તેને ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પ્ર. નગર પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
(8:30 PM IST)










