તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૧ મંગળવાર
News of Wednesday, 7th May 2025
શ્રી કરુણા ફાઉન્ડેશન દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની ગૌશાળાઓ અને જીવદયા પ્રેમીઓનું ભવ્ય સંમેલન
તા. ૯મી મેના રોજ રાજકોટ ખાતે સ્નેહમિલન અને ખાસ મીટીંગનું આયોજન : જીવદયા ક્ષેત્રના પડકારો અને તકો અંગે ચર્ચા થશે

રાજકોટ: ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા અને નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન - રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો, જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ, સેવાકીય સંસ્થાઓના સંચાલકો અને દાતાશ્રીઓ માટે એક સ્નેહમિલન અને ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય સંમેલન તા. ૯મી મે, શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાજકોટના પ્રહલાદ પ્લોટ શેરી નં. ૧૧, કેનાલ રોડ સ્થિત જૈન વિશાશ્રીમાળી સમાજની વાડી ખાતે યોજાશે. આ સંમેલનમાં જીવદયા ક્ષેત્રે આવી રહેલા પડકારો અને તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યના આયોજનો અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવશે.
સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રસંગે પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજય તીર્થભદ્ર સૂરીશ્વરજી મહારાજાના પ્રેરક આશીર્વાદ અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તમામ જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ અને સંસ્થાઓને સમયસર આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સંમેલનના અંતે સૌ સાથે ભોજન પ્રસાદ પણ લેવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વર્ધમાન યુવક ગ્રુપ, રાજકોટ દ્વારા વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. વધુ માહિતી માટે મિત્તલ ખેતાણી (૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતીક સંઘાણી (૯૯૯૮૦ ૩૦૩૯૩), પારસભાઈ મહેતા, રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્ર કાનાબાર (૯૮૨૫૦ ૭૭૩૦૬), ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠક્કર અને કુમારપાળ શાહનો સંપર્ક કરી શકાય છે. તમામ જીવદયા પ્રેમી મિત્રોને આ સંમેલનમાં ખાસ પધારવા માટે ફરીથી આગ્રહ કરવામાં આવે છે.
(8:58 PM IST)










