News of Wednesday, 7th May 2025
રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ: 2 વકીલ અને 2 યુવતીની ધરપકડ : પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
ગ્રામ્ય LCBએ રાજકોટના સંજય પંડિત અને દિનેશ પાતર નામના એડવોકેટને ઉઠાવી જઈને બંધ બારણે પૂછપરછ કરતાં સમગ્ર કાંડનો ઘટસ્ફોટ થયો

ગોંડલના રીબડાના યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતુ. જેમાં રાજકોટના બે જાણીતા વકીલની સંડોવણી સામે આવી છે.
આ કેસમાં દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરા અને યુવતીની પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે બાદ ગ્રામ્ય LCBએ રાજકોટના સંજય પંડિત અને દિનેશ પાતર નામના એડવોકેટને ઉઠાવી જઈને બંધ બારણે પૂછપરછ કરતાં સમગ્ર કાંડનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે યુવતી અને બન્ને વકીલો સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે.
ગત 5મી મેના રોજ રીબડા ગામે અમિત ખૂંટ નામના યુવકે પોતાની વાડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મેળવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, એક યુવતી અને સગીરા સહિત ચાર લોકો વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે મૃતકના ભાઈ મનિષ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, એક અજાણ્યા વ્યક્તિએ પૂજાને અમિત ખૂંટ સાથે મિત્રતા કેળવી, સબંધ બાંધીને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતુ. આ કામ માટે તેને પૈસા અને નોકરીની લાલચ આપવામાં આવી હતી. આ કેસમાં સંજય પંડિત અને દિનેશ પાતર નામના બે વકીલો તેને કાયદાકીય મદદ કરવાના હતા. હાલ તો પોલીસે બન્ને વકીલો સહિત યુવતીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:09 PM IST)










