News of Thursday, 8th May 2025
નારીનું સિંદૂર ભૂંસનાર આતંકવાદી અને તેમના આકાઓને ભારતીય સેના ધરતી પરથી ભૂસી નાખશે-માંધાતાસિંહજી જાડેજા

પહેલગાંમમાં પ્રવાસીઓ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલા પછી અભૂતપૂર્વ ધૈર્ય ધારણ કરીને પુરતી તૈયારી અને યથાયોગ્ય રણનીતિ સાથે બદલો લેવા માટે ભારતીય સેનાને આપેલી સંપૂર્ણ સ્વતંત્રતાએ ઓપરેશન સિંદૂર દ્વારા એકપણ પ્રકારની ચૂક વિના માત્ર પચ્ચીસ મિનિટની સમયાવધિમાં જ આતંકવાદી આકાઓના નવ ઠીકાનાઓને નેસ્તનાબૂદ કરીને પાકિસ્તાની ધરતી પરથી થઇ રહેલી આતંકવાદી ગતિવિધિઓના જન્મદાતાઓ તેમજ પાલનહારોને જબરદસ્ત જવાબ આપ્યો છે.
વિકસિત ભારત, સુરક્ષિત ભારત, નૂત્તન ભારતના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતળત્વમાં ઓપરેશન સિંદૂર દ્વારા થયેલી કાર્યવાહીને બિરદાવતાં રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની ધર્મ પુછીને કરેલી હત્યા બાદ મહિલાઓને છોડીને મોદીને બતાવવાનું કહ્યું હતું,
જેનાં જવાબમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મક્કમતાથી આયોજનબદ્ધ પગલાં ભર્યા પછી તેની જાણકારી આપવા માટે ભારતીય નારી શક્તિનું પ્રતિનિધિત્વ કરતી બે મહિલાઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ દ્વારા ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગ કરાવીને ભારતીય સિંદુરની તાકાતનું દર્શન કરાવ્યું છે. પહેલગામના છવ્વીસ મળતકો સામે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મહોમ્મદ અને હિઝાબુલ મુજાહિદ્દીનના નવ ઠીકાનાઓ અને અસંખ્ય આતંકવાદીઓનો સફાયો કરીને શૌર્ય, સંયમ અને તેજની ધારક ભારતીય સેનાએ આતંકવાદના સફાયા માટેનો સંકલ્પ જાહેર કર્યો છે. ધર્મ પૂછાવીને હત્યા કરનાર આતંકવાદી આકાઓનાં નવ ઠેકાણાંઓને ધ્વસ્ત કર્યા પછી દેશવાસીઓ અને વિશ્વ સમક્ષ ઓપરેશન સિંદૂરની વિગતો રજૂ કરવાનું ઉત્તરદાયિત્વ લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘને સોંપીને સિદ્ધ કર્યું છે કે, ભારતીય સેના કોઇપણ નારીનું સિંદૂર ભૂંસનાર આતંકી તથા આતંકવાદી આકાઓને ધરતી પરથી ભૂસી નાખશે.
(3:12 PM IST)










