News of Friday, 9th May 2025
રાજકોટમાં તમામ આવશ્યક ચીજ વસ્તુના ભાવો જાળવવા-સંઘરાખોરી સામે કડક પગલા લેવા આદેશો
કલેકટર દ્વારા સતત મીટીંગોનો દોરઃ દવા-મેડીકલ સ્ટાફ-રકતદાન કેમ્પો કરવા સૂચના... પેટ્રોલ-ડીઝલ પુરતા છેઃ આજે બપોર બાદ ફુડપેકેટો-વોલીયન્ટર્સ માટે સંસ્થાઓ સાથે મીટીંગ સંઘરાખોર અમુક ઓઇલ મીલરો ભાવોમાં ઉછળકુદ કરાવતા હોય ડીએસઓને તાકિદ

રાજકોટ, તા. ૯: ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ શરૂ થઇ જતા ગુજરાત સરકાર એલર્ટ બની ગઇ છે, એક પછી એક ધડાધડ પગલા લેવાઇ રહયા છે.
દરમિયાન કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે સવારે ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે આપણા શહેર-જિલ્લામાં તકેદારીના તમામ પગલા લેવાઇ રહયા છે, સતત બે દિવસથી મીટીંગો યોજી દવા-મેડીકલ સ્ટાફ-રકતદાન કેમ્પો સહિતની બાબતે સૂચનાઓ અપાઇ છે.
તેમણે જણાવેલ કે તમામ મામલતદાર, ડે. કલેકટરો, પ્રાંત અધિકારીઓ તથા પુરવઠા તંત્રને સૂચના આપી રાજકોટ શહેર-જીલ્લામાં આવશ્યક તમામ ચીજ વસ્તુના ભાવો જળવાઇ રહે, સંઘરાખોરી કોઇ કરે નહિ, અને સંઘરાખોરી થતી હોય તેવુ જણાય તો તુરંત કડક પગલા લેવા, દરરોજ દરેક વસ્તુના ભાવોનું મોનીટરીંગ કરવા સહિતની બાબતે આદેશો કરાયા છે, પુરવઠા તંત્ર ડીએસઓ ને ઓઇલમીલરો દ્વારા કુત્રીમ ભાવો વધારાતા હોઇ તો તાકિદે પગલા લેવા, શાનમાં સમજાવી દેવા સુચના અપાઇ છે.કલેકટરે જણાવેલ કે આપણા શહેર-જીલ્લામાં એવા કોઇ સંવેદનશીલ સ્થળો-વિસ્તારો નથી, આમ છતા તકદારીના તમામ પગલા લેવાયા છે.
તેમણે જણાવેલ કે આજે પણ બપોર બાદ શહેરની તમામ સામાજીક સંસ્થાઓ-ધાર્મિક સંસ્થાઓ સાથે જરૂર પડયે ફુડ પેકેટ, વોલીયર્ન્સ સહિતની બાબતે ખાસ મીટીંગ બોલાવાઇ છે, અમારૂ તંત્ર તમામ લેવલે એલર્ટ છે.(
(4:09 PM IST)










