<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાજયના સસ્‍તા અનાજના ૧૭ હજાર દુકાનદારો વડાપ્રધાન લશ્‍કર-રાષ્‍ટ્રની સાથે છે : દેશની સેવા માટે હાકલ કરવા અપીલ

રાજયના મુખ્‍યમંત્રીને પત્ર પાઠવતા આગેવાનો : અમે રાષ્‍ટ્રને અર્પણ છીએ

 

 

રાજકોટ, તા. ૯ :  ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસો.ના આગેવાનોએ મુખ્‍યમંત્રીને તાકિદનો પત્ર પાઠવી જણાવેલ છે કે,

આપણો દેશ જ્‍યારથી આઝાદ થયો ત્‍યારથી આપણે સતત આંતકવાદનો ભોગ બનતા રહ્યા  છીએ અને આતંકવાદ સામે લડતા રહ્યા છીએ. વર્તમાન સમયમાં પણ આપણે ઈર્ષા અને દ્વેષ ભાવથી પીડાતા આપણા શત્રુ પાડોશી રાષ્‍ટ્રના આંતકી હુમલામાં આપણા નિર્દોષ ભાઈઓને આપણે ગુમાવ્‍યા છે. આ જધન્‍ય માનવ હત્‍યા કાંડની વિરુદ્ધમાં આપણા દેશના વડાપ્રધાને ઓપરેશન સિંદૂર નામથી આતંકવાદનો ખાતમો કરવા માટે કમર કસી છે ત્‍યારે ભરપુર દેશદાઝ અને રાષ્‍ટ્ર પ્રથમની પ્રબળ ભાવના ધરાવતા આપણા આદરણીય વડા પ્રધાનશ્રીના આ કદમને મજબુતી આપવા તથા ભારત દેશનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાય એ માટે ભારત દેશના જન જનનુ સમર્થન અને સમર્પણ આપણા વડાપ્રધાન અને રાષ્‍ટ્રની સાથે છે. આપણું ગુજરાત રાજ્‍ય પણ મોટા સરહદી વિસ્‍તારથી જોડાયેલું છે, ત્‍યારે આપણી પણ દેશના સંરક્ષણ માટેની વિશેષ જવાબદારી બને છે.

અમો ગુજરાત રાજ્‍યના સતર હજાર વાજબી ભાવની દુકાનના સંચાલકો આપને આશ્વાસન અને ખાતરી આપવા માંગીએ છીએ કે વર્તમાન યુદ્ધની પરિસ્‍થિતિમાં અમો એફ.પી.એસ. હોલ્‍ડર્સ આપની સાથે આપણા વડાપ્રધાન સાથે અને આપણા દેશ સાથે તન, મન અને ધનથી જોડાયેલા છીએ. દેશની સેવા માટે દેશની રક્ષા માટે અમારી કયાંય પણ જરૂર પડે અમોને હાકલ કરજો અમે આપના આદેશનું પુરી નિષ્ઠાથી પાલન કરીશુ.

વિશ્વના અજોડ, અભૂતપૂર્વ, સર્વજન હિતાયના દ્રષ્ટિકોણ ધરાવતા આ એક માત્ર રાષ્‍ટ્રની સલામતીની જવાબદારી સમગ્ર વિશ્વના લોકોની છે, વિશ્વના સમગ્ર રાષ્‍ટ્રોની છે. ત્‍યારે અમો ભારતમાતાના સંતાન તરીકે અમારા સંપૂર્ણ સમર્થન સાથે અમારી જાતને રાષ્‍ટ્ર માટે અર્પણ કરીએ છીએ,

આ પત્ર આગેવાનો હિતુભા જાડેજા, રાજેન્‍દ્રસિંહ જાડેજા, માવજીભાઇ રાખશીયા વિગેરેએ પાઠવ્‍યો છે.

(3:28 PM IST)