<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પટેલનગરમાં કારખાનાની ઓફિસમાં સાફ સફાઇના કામ માટે આવેલી નવોઢા સાથે શૈલેષ ડાંગરની છેડતી, અડપલા

છ મહિના પહેલા જ પરણેલી યુવતિ એક મહિનાથી પતિ સાથે રાજકોટ રહે છેઃ ગઇકાલે જ નોકરીમાં જોડાઇ અને છેડતીનો ભોગ બનીઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૯: શહેરના કોઠારીયા રોડ સોરઠીયાવાડી સર્કલ પાસે પટેલનગરમાં આવેલા કારખાનાની ઓફિસ ધરાવતાં શખ્‍સે ઓફિસમાં સાફ સફાઇના કામા માટે ગઇકાલે જ નોકરી પર આવેલી નવોઢાને કામ સમજાવવાના બહાને હાથે, હોઠે સ્‍પર્શ કરી તેમજ અડપલા કરી છેડતી કરતાં ફરિયાદ થઇ છે. પરપ્રાંતિય યુવતિના લગ્ન છ મહિના જ થયા છે અને એક મહિના પહેલા જ તે વતનમાંથી પતિ સાથે રહેવા રાજકોટ આવી છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે મુળ ઉત્તરપ્રદેશની અને હાલ રાજકોટ રહેતી ૨૦ વર્ષની પરિણીત યુવતિની ફરિયાદ પરથી કોઠારીયા રોડ પટેલનગર નંદનવન સ્‍પ્રીંગ વર્કસ નામે કારખાનુ-ઓફિસ ધરાવતાં શૈલેષ ડાંગર વિરૂધ્‍ધ બીએનેઅસની કલમ-૭૪ મુજબ યુવતિ નોકરી કરતી હોઇ કામ સમજાવવાના બહાને ઓફિસમાં  આવી હાથે સ્‍પર્શ કરી, હોઠ પર હાથ લગાવી તેમજ અડપલા કરવાનો ગુનો નોંધ્‍યો છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પતિ-પરિવાર સાથે રહુ છું અને મારા લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે. વતનમાંથી હું અહિ પતિ સાથે એકાદ મહિના પહેલા જ આવી છું. મારા પતિ કારખાનામાં મજૂરી કરે છે. મારે પણ નોકરી કરવી હોઇ જેથી ગત તા. ૬ મેના રોજ મેં પતિ અને તેના મિત્રને વાત કરી હતી. પતિના મિત્ર જ્‍યાં કામ કરતાં હોઇ તેની બાજુમાં  નંદનવન સ્‍પ્રીંગ વર્કસ નામે ઓફિસ હોઇ ત્‍યાં અમે મારા માટે નોકરીનું પુછવા જતાં આ ઓફિસવાળા શૈલેષ ડાંગરે મને મહિને રૂપિયા ૮ હજારના પગારથી કામે રાખી હતી અને ઓફિસની ચાવી આપી ગુરૂવારે સવારે નવેક વાગ્‍યે ઓફિસ ખોલી સાફ સફાઇ કરી નાખવાનું કહ્યું હતું.

આ પછી હું  ગુરૂવારે સવારે નવેક વાગ્‍યે ઓફિસે પહોંચી હતી અને સાફ સફાઇ કરતી હતી. આ વખતે સાડા દસેક વાગ્‍યે શૈલેષ ડાંગર ઓફિસે આવેલ અને હું અંદર કામ કરતી હતી ત્‍યારે મને કામ  સમજાવવાના બહાને મારા હાથને અડવા લાગ્‍યા હતાં. તેમજ મારા હોઠ ઉપર પણ હાથ અડાડી દીધો હતો. એટલુ જ નહિ મને અડપલા કરવાનું ચાલુ કરી દીધુ હતું જેથી હું તેનાથી દુર જતી રહી હતી અને ઓફિસમાં કામ કરવા માંડી હતી. ત્‍યારબાદ સાડા અગિયારેક વાગ્‍યે તે ઓફિસેથી જતા રહેલ અને હું ઓફિસે જ હતી. બાદમાં બપોરે મારા પતિ ઓફિસ તરફ આટો મારવા આવતાં મેં તેને ઘટનાની જાણ કરી હતી. તેણે પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરતાં અમે પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. તેમ વધુમાં તેણીએ જણાવતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાની રાહબરીમાં હેડકોન્‍સ. એમ. પી. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:18 PM IST)