News of Friday, 9th May 2025
જાગનાથ પ્લોટમાં ગ્રહોના સ્ટોનની દૂકાનમાં મુનુખાન પઠાણની તલવાર સાથે ઘુસી ધમાલઃ વેપારી ભાઇઓને ખૂનની ધમકી
શિવશક્તિ કોલોનીના રાકેશભાઇ ઝાલાવડીયાની દુકાનેથી દલાલીનું કામ કરતાં હનીફખાન રૂબી સ્ટોન શીવલીંગ ગ્રાહકને બતાવવા માટે લઇ ગયા બાદ પાછુ ન દેતાં હોઇ વેપારીએ ઉઘરાણી કરતાં તેના પુત્રએ આવી ખેલ કર્યાઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૯: શહેના ન્યુ જાગનાથ પ્લોટ-૨૦માં રેર જેમ્સ નામે ગ્રહોના સ્ટોનનો વેપાર કરતાં બે ભાઇઓ પાસેથી સ્ટોનની દલાલીનું કામ કરતાં પચ્ચીસ વર્ષ જુના પરિચીત રૂબી સ્ટોન શીવલીંગ ગ્રાહકોને બતાવવાનું કહીને લઇ ગયા બાદ પરત આપતાં ન હોઇ વેપારીએ આ શીવલીંગની ઉઘરાણી કરતાં આ શખ્સના દિકરાએ તલવાર સાથે દૂકાને આવી કેમ મારા પિતાજી પાસેથી શીવલીંગ માંગે છે? કહી ધમાલ મચાવી વેપારી અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપતાં ચકચાર જાગી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે યુનિવર્સિટી રોડ પર બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ પાસે શિવશક્તિ કોલોની-૧૮૩માં રહેતાં રાકેશભાઇ મનસુખભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી મુનુખાન યુસુફખાન પઠાણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રાકેશભાઇ ૨૦-ન્યુ જાગનાથ પ્લોટમાં માધવ બંસરી એપાર્ટમેન્ટમાં શોપ નં. ૧ ગ્રાઉન્ડ ફલોરમાં રેર જેમ્સ નામની દુકાનમાં ગ્રહોના સ્ટોનનું વેંચાણ કરી વેપાર કરે છે. રાકેશભાઇએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે હનીફભાઇ પઠાણ દલાલીનું કામ કરતા હોઇ જેથી હું તેને પચ્ચીસ વર્ષથી ઓળખુ છું. અમારી વચ્ચે વેપાર ધંધા બાબતે વ્યવહાર થતો હોય છે. મેં દોઢેક મહિના પહેલા હનીફભાઇને એક રૂબી સ્ટોન શીવલીંગ ૧૯કેજીવાળુ આપ્યું હતું.
મારી પાસેથી હનીફભાઇ આ રૂબી સ્ટોન શીવલીંગ કોઇ ગ્રાહકને બતાવવું છે તેમ કહીને મારી પાસેથી લઇ ગયા હતાં. પરંતુ ગ્રાહક મળતા ન હોઇ મેં આ શીવલીંગ પાછુ માંગતા તેણે આપ્યુ નહોતું. દરમિયાન તા. ૭/૫ના રોજ સાંજે પોણા પાંચેક વાગ્યે હું અને મારો મોટો ભાઇ દિપકભાઇ તથા મિત્ર પ્રવિણભાઇ અમારી રેર જેમ્સ નામની દૂકાને હતાં ત્યારે હનીફખાનનો દિકરો મુનુખાન પઠાણ હાથમાં તલવાર લઇને દૂકાને આવ્યો હતો.
અમે કંઇ સમજીએ એ પહેલા મુનુખાને મારા મોટા ભાઇ દિપકભાઇ અને મારા મિત્ર પ્રવિણભાઇને તમે બહાર જતા રહો તેમ કહ્યું હતું. બાદમાં તેણે ‘મારા પિતાજી પાસેથી શીવલીંગની ઉઘરાણી કરવાવાળો તું કોણ છો?' તેમ કહી ઝઘડો કરતાં મેં તેને મારે શીવલિંગની જરૂર છે તેમ જણાવી સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કર્યો હતો. મારો ભાઇ વચ્ચે પડતાં તેને પણ મુનુખાને ગાળો દીધી હતી. આથી મારા ભાઇએ દૂકાનની સામેની તરફ જઇ પોલીસને જાણ કરવા ૧૦૦ નંબર ડાયલ કર્યો હતો. મુનુખાનને તેની ખબર પડતાં તે તેની પાછળ દોડયો હતો. હું દૂકાનનું શટર બંધ કરી ત્યાં જતાં માણસો ભેગા થઇ ગયા હતાં. આથી મુનુખાન ‘હવે પછી મારા પિતાને શીવલીંગ બાબતે કઇ કીધુ તો બંને ભાઇને મારી નાંખીશ' તેવી ધમકી આપી ભાગી ગયો હતો. તેમ વધુમાં રાકેશભાઇએ જણાવતાં એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. બારડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:20 PM IST)










