તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Friday, 9th May 2025
રાજકોટ જિલ્લા કલેક્ટરની આપાતકાલીન તૈયારી માટે વિવિધ સંસ્થાઓ સાથે બેઠક : દવાઓ, બ્લડ સ્ટોક, ફૂડ પેકેટ અને મેડિકલ સેવાઓ અંગે સઘન આયોજન
કલેક્ટર પ્રભવ જોશીએ ફેક ન્યૂઝથી સાવધ રહેવા અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો : સંસ્થાઓને અધિકૃત માહિતીને અનુસરવા ભાર મૂક્યો

રાજકોટ: દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લાની વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી મેડિકલ સેવાઓ, ફૂડ પેકેટ, નિવાસ અને અન્ય આવશ્યક બાબતો અંગે સંસ્થાઓની ક્ષમતા અને તૈયારીઓની વિગતવાર ચર્ચા કરવાનો હતો, જેથી પૂર્વ તૈયારીઓનું ઝીણવટપૂર્વક આયોજન કરી શકાય.
કલેક્ટર પ્રભવ જોશીએ દેશ અને સમાજમાં વિવિધ કપરી પરિસ્થિતિઓમાં સ્વૈચ્છિક સંગઠનોની ભૂમિકાને અત્યંત મહત્ત્વની ગણાવી હતી. બેઠકમાં સંભવિત ઈમરજન્સીની સ્થિતિમાં જરૂરી વિવિધ પાસાઓ પર ગંભીરતાથી વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કલેક્ટરે સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લાની વિવિધ બ્લડ બેન્કોમાં બ્લડ સ્ટોકની માહિતી મેળવી હતી અને સ્થાનિક આરોગ્ય તંત્રની જરૂરિયાત અનુસાર બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવવા માટે સંસ્થાઓને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લામાં વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરવા અને રક્તદાતાઓની અપડેટેડ યાદી તૈયાર રાખવા જેવી બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ (ઈલેક્ટ) ડૉ. યજ્ઞેશ પોપટ અને રાજકોટના અન્ય સભ્યોએ કોઈપણ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં IMAની ટીમ સિવિલ હોસ્પિટલ સાથે સંકલનમાં રહીને સતત કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. તેમણે વિવિધ સર્જન, ફિઝિશિયન તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ, વિવિધ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ અને અન્ય સારવારની વ્યવસ્થાઓ તેમજ રક્ત પુરવઠા માટે પણ સંપૂર્ણ તૈયારી હોવાનું જણાવ્યું હતું. જરૂર પડ્યે IMAની ટીમને અન્ય જિલ્લાઓમાં મોકલવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.
વધુમાં, વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ પાસે ઉપલબ્ધ મેડિકલ સાધનો જેવા કે ઓક્સિજન સિલિન્ડર, વ્હીલચેર, આરામ માટેના બેડ, એમ્બ્યુલન્સ અને દવાઓ સહિતની વ્યવસ્થાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. અનેક સંસ્થાઓએ તાત્કાલિક ધોરણે ફૂડ પેકેટ્સ તૈયાર કરવાની તેમજ કોઈપણ પરિસ્થિતિમાં સેવા આપવા માટે પોતાના સ્વયંસેવકો તૈયાર હોવાની તૈયારી પણ દર્શાવી હતી.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સિવિલ ડિફેન્સની વ્યવસ્થા અંગે ઉપસ્થિત સૌને માહિતી આપી હતી અને જરૂર પડ્યે સંસ્થાઓના સ્વયંસેવકોની સેવા સિવિલ ડિફેન્સ હેઠળ લેવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ફેક ન્યૂઝ અને ખોટી માહિતીના પ્રવાહથી સાવધ રહેવા અને સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા માટે તમામ સંસ્થાઓને અનુરોધ કર્યો હતો. તેમણે સંસ્થાઓને અધિકૃત માહિતી માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરવા પર ભાર મૂક્યો હતો. સંસ્થાઓના સ્વયંસેવકોના ગ્રૂપ્સમાં પણ કોઈ ખોટી માહિતી ફોરવર્ડ ન થાય અને માત્ર અધિકૃત માહિતી જ પહોંચે તેની તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. મોનાલી માકડિયા, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફુલમાલી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વિવિધ સભ્યો તેમજ રેડક્રોસ બ્લડ બેન્ક, બોલબાલા ટ્રસ્ટ, સરગમ ક્લબ, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારીઝ, ઈસ્કોન, પ્રોજેક્ટ લાઇફ, ખોડલધામ ટ્રસ્ટ, કાઠિયાવાડ બાલાશ્રમ, સ્વાતંત્ર્ય સેનાની શુભેચ્છક પરિવાર, હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર, રામકૃષ્ણ આશ્રમ, પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, બી.એ.પી.એસ. અને અન્ય શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:43 PM IST)










