<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે સજ્જ : સંગ્રહખોરી કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

દરરોજ ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવનું સતત નિરીક્ષણ : પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ : અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ

રાજકોટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલ નિર્દેશોના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો સરળતાથી મળી રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે સતત કાર્યરત છે. જિલ્લા પુરવઠા કચેરી દ્વારા આ માટે પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને તેમના ભાવમાં વધારો ન થાય તે માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં દરરોજ ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિક્રેતાઓ, રિટેલર્સ, પ્રોસેસર્સ, મિલર્સ અને ઇમ્પોર્ટર્સને આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન કરવા અને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં, જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલના સ્ટોક અંગે કોઈ સમસ્યા નથી અને ઓઇલ કંપનીઓને પણ પેટ્રોલનો કોઈપણ પ્રકારનો સ્ટોરેજ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા છ વર્ષમાં ખાદ્ય પદાર્થોનો છૂટક ફુગાવો હાલ સૌથી નીચા સ્તરે છે અને તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર પર વિશ્વાસ રાખીને સંપૂર્ણ સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

(10:06 PM IST)