<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

રાજકોટ ડિસ્‍ટ્રીક્‍ટ કો-ઓપરેટીવ બેંકના લોકરમાંથી બિલ્‍ડરના અડધા કરોડના સોના-ચાંદીના દાગીના ‘છૂ': કર્મચારી સકંજામાં

ચૌધરી હાઇસ્‍કૂલ પાસે આવેલી બેંકમાં લોકર ધરાવતાં રેસકોર્ષ રીંગ રોડ શ્રેયશ સોસાયટીના બિલ્‍ડર જયભાઇ તળાવીયા તેના માતા સાથે લોકર ધરાવે છેઃ છેલ્લે ૨૪/૪ના દાગીના મુક્‍યા હતાં: ચાર દિવસ પહેલા ફરી લોકર ખોલ્‍યું ત્‍યારે ખાલી હતું!: એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યોઃ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્‍યો : ૫૧ લાખ ૪૭ હજારના સોનાના દાગીના અને ૨ લાખ ૭૦ હજારના ચાંદીના દાગીના-વાસણો હતાં: લોકરની બીજી ચાવીનો ચોરીમાં ઉપયોગ થયાની શંકા ઉપજતાં તપાસ શરૂ થઇ અને ભેદ ઉકેલાયો

રાજકોટ તા. ૧૦:  શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર રહેતાં બિલ્‍ડર ચોૈધરી હાઇસ્‍કૂલ પાસે આવેલી રાજકોટ ડિસ્‍ટ્રીક્‍ટ કો-ઓપરેટીવ બેંકમાં લોકર ધરાવતાં હોઇ તેમના આ લોકરમાંથી અડધા કરોડથી વધુના સોના ચાંદીના દાગીના, ચાંદીના વાસણો ગાયબ થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. બેંકના લોકરમાંથી ચોરી થઇ હોઇ અંદરના જ કોઇ સામેલ હોવાની શંકાએ એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમોએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે આ ભેદ ઉકેલી ચોરીમાં બેંકનો જ એક કર્મચારી સામેલ હોવાનું શોધી કાઢી તેને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રેસકોર્ષ રીંગ રોડ પર શ્રેયશ સોસાયટી-૧માં શ્રેયશ બંગલોમાં રહેતાં જયભાઇ ભરતભાઇ તળાવીયા (ઉ.વ.૩૦) નામના બિલ્‍ડરની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે.

જયભાઇ તળાવીયાએ જણાવ્‍યું છે કે  હું પરિવાર સાથે રહુ છું અને રેસકોર્ષ રીંગ રોડ પર પ્‍લાઝમા ઓફિસ નં. ૨૦૧ ખાતે ઓફિસ ધરાવુ છું. અહિ હું અને મારા પિતા ભરતભાઇ હીરાભાઇ તળાવીયા બેસીએ છીએ અને કન્‍સ્‍ટ્રકશનનું કામકાજ કરીએ છીએ. ચોૈધરી હાઇસ્‍કૂલ પાસે આવેલી રાજકોટ ડિસ્‍ટ્રીક્‍ટ કો-ઓપરેટીવ બેંકમાં હું પાંચેક વર્ષથી લોકર ધરાવુ છું. જેના લોકર નંબર-૧૬૯૮ છે. આ લોકર મારા તેમજ માતા ગીતાબેન ભરતભાઇ તળાવીયાના નામે સંયુક્‍ત નામે  છે. આ લોકરને ઓપરેટ હું કરુ છું. બેંકના નિયમ મુજબ બેંકમાં કોઇપણ વ્‍યક્‍તિ લોકર માટે બેંકમાં ખાતુ ખોલાવે ત્‍યારે લોકરની એક ચાવી લોકરધારકને આપવામાં આવે છે અને બીજી ચાવી બેંકના જવાબદાર કર્મચારી પાસે હોય છે. બંનેની ચાવીથી જ આ લોકર ખુલે છે. લોકર બંધ કરવાનું હોય ત્‍યારે ફક્‍ત  લોકરધારક પાસે રહેલી ચાવીથી જ લોકર બંધ થઇ કરી શકાય છે, તેમાં બેંક કર્મચારી પાસે રહેલી ચાવીની જરૂરીયાત  રહેતી નથી.

જયભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે મેં લોકર ખોલાવ્‍યું ત્‍યારથી આ લોકરમાં મારા ઘરના સભ્‍યોના સોનાના દાગીના, ચાંદીના તેમજ ચાંદીના વાસણો સહિતની વસ્‍તુ રાખતાં હતાં. લગ્નપ્રસંગે અને અન્‍ય શુભપ્રસંગે દાગીનાની જરૂર પડે ત્‍યારે હું લોકરમાં જઇ દાગીના કાઢી આવતો હતો. ૨૪/૪/૨૫ના રોજ સાંજના સવા સાતેક વાગ્‍યે હું સોનાના દાગીના મુકવ બેંક ખાતે ગયો હતો. ત્‍યારે લોકર ઓપરેટ કરવા માટે બેંકના જવાબદાર કર્મચારીએ રજીસ્‍ટરમાં લોકર નંબર લખી મારી સહીઓ લીધી હતી. એ પછી જવાબદાર કર્મચારી સાથે લોકરમાં દાગીના મુકવા ગયો હતો. કર્મચારી અને મારી પાસે રહેલી બંને ચાવીથી લોકર ખોલવામાં આવ્‍યું હતું. એ પછી મેં મારા સોનાના દાગીના અંદર મુકી દીધા હતાં.

આ લોકરમાં સોનાના સેટ ૯૪૧.૫૧ ગ્રામ વજનના રૂા. ૪,૩૦,૪૯૪ના, અલગ અલગ સોનાના ચેઇન ૫૯.૧૯ ગ્રામ વજનના રૂા. ૧,૧૮,૭૩૬ના, સોનાના ટોપ ૨૯.૫૮૦ ગ્રામના રૂા. ૧,૩૫,૧૬૮ના તથા સોનાની રીંગ ૧૪.૦૨૦ ગ્રામ વજનની રૂા. ૮૪૨૯૫ની મળી કુલ ૧૨૮૭ ગ્રામ દાગીના રૂા. ૫૧,૪૭,૨૧૦ના હતાં. આ ઉપરાંત ચાંદીના દાગીના જેમાં પાયલ, કંદોરો, ચાંદીના વાસણો જેમાં વાટકા, ગ્‍લાસ, નાળીયેર મળી ત્રણેક કિલો ચાંદી જેની અંદાજીત કિમત રૂા. ૨,૭૦,૦૦૦ હતી તે બધુ હતું. આ બધા દાગીના, વાસણો મેં મારા લોકરમાં રાખી ચાવીથી લોકર બંધ કરી દીધુ હતું અને ત્‍યાંથી નીકળી ગયો હતો.

આ પછી અમારે ૬/૫/૨૫ના રોજ પ્રસંગમાં જવાનું હોવાથી હું બપોરે સાડા બારેક વાગ્‍યે સોનાના દાગીનાની જરૂર હોવાથી બેંક ખાતે ગયો ત્‍યારે લોકર ખોલાવતાં અંદરથી રૂા. ૫૪,૧૭,૨૧૦ના દાગીના, વાસણો ગાયબ હતાં. આ બાબતે બેંકના કર્મચારીને જાણ કરતાં કર્મચારી મારી સાથે આવ્‍યો હતો. તેણે  પણ લોકરમાં જોતાં લોકરનું ખાનુ ખાલી હતું. આથી હું અને કર્મચારી બેંક મેનેજર પાસે ગયા હતાં અને વાત કરી હતી. મેં મારા પિતા ભરતભાઇ તળાવીયાને પણ ફોનથી જાણ કરી હતી. એ પછી બેંકના સીઇઓને મળી જાણ કરી હતી. લોકરમાં મુકેલા કુલ ૧૨૮૭.૮૬૫ ગ્રામના રૂા. ૫૧,૪૭,૨૧૦ના  સોનાના દાગીના, ત્રણ કિલો ચાંદીના ૨,૭૦,૦૦૦ના દાગીના-વાસણો મળી કુલ રૂા. ૫૪,૧૭,૨૧૦ના દાગીના-વાસણો ચોરાઇ ગયા હોઇ પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં જયભાઇએ કહેતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ આર. એમ. બરાડીયાએ ગુનો નોંધ્‍યો હતો.

એ-ડિવીઝન પોલીસ, એલસીબી તેમજ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે ભેદ ઉકેલી આ ગુનામાં બેંકના કર્મચારી જેની અટક કોટક છે તેને સકંજામાં લઇ લીધો છે અને પુછપરછ હાથ ધરી છે. દાગીના ક્‍યારે ચોર્યા અને ક્‍યાં છુપાવ્‍યા? કે કોને વેંચ્‍યા? તે સહિતની પુછતાછ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં ત્રણેય પીઆઇ અને તેમની ટીમોએ હાથ ધરી છે. (૧૪.૭)

(3:37 PM IST)