<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

રાજકોટ એસટી બસ પોર્ટ પર રાત્રે ૯ થી સવારે પ સુધી GPS સિસ્‍ટમ ૬ મહિનાથી બંધઃ મુસાફરોમાં દેકારો

બસ કયાં પહોંચી તેની કોઇ વિગતો મળતી નથીઃ વડી કચેરીનો આદેશ પણ કચરા ટોપલીમાં ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિની વિસ્‍તૃત રજૂઆતઃ તમામ ટીવી સ્‍ક્રીનો રાત્રે બંધ કરી દેવાતાના આક્ષેપો

રાજકોટ, તા. ૧૦: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પટેલ જીગ્નેશ બોરડ,જયંતીભાઈ હિરપરા, અહેસાન ચૌહાણ, હબીબભાઇ કટારીયા, જીગ્નેશ પાટડીયા, પ્રવીણભાઈ લાખાણીની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર નિયમિત ૧૨૦૦ થી વધુ બસોની અવરજવર વચ્‍ચે ૭૦ હજાર મુસાફરો આવતા જતા રહે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રાત્રે ૯:૦૦ થી સવારે પઃ૦૦ સુધી એસ.ટી કયાં પહોંચી, લોકેશન કેમ જોવું ? કારણકે અહીં છેલ્લા છ માસથી જીપીએસ સિસ્‍ટમ શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. કોન્‍ટ્રાક્‍ટર અને અધિકારીઓની લડાઈમાં મુસાફરોનો ખો નીકળે છે. જીપીએસ સિસ્‍ટમ બંધ કરી દેવામાં આવતા ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ મુસાફરો નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ બ) તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નંબર ૧૪૩૫૩૬ થી ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આ ફરિયાદ તુમારશાહીનો ભોગ બનતા સિનિયર ડેપો મેનેજર ઘનશ્‍યામ ચગ અંધારામાં છે કે ઊંઘમાં ? હજુ સુધી જવાબ આપવામાં આવેલ નથી અને સિસ્‍ટમ શરૂ કરવામાં આવી નથી. અમારી જાણ મુજબ ટ્રાફિક કંટ્રોલર દ્વારા પણ સિસ્‍ટમ શરૂ કરવા અંગે એસ.ટીના અધિકારીઓ સમક્ષ અવાર નવાર મૌખિક રજૂઆતો કરવા છતાં એ રજૂઆતનો ઉલાળીયો કરી દેવામાં આવ્‍યો છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તારીખ ૧૦/૦૨/૨૦૨૫ આ અંગે રાજ્‍યના મુખ્‍યમંત્રી, વાહન વ્‍યવહાર મંત્રી, એસ.ટીના એમ.ડી., રાજકોટના વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરી હતી તેમાં જણાવ્‍યું હતું કે રાજ્‍ય સરકાર પ્રોજેક્‍ટ દ્વારા પીપીપી ધોરણે ચાલતા સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન રાજકોટ એસ.ટી બસ પોર્ટ માં કોન્‍ટ્રાક્‍ટર ને કારણે મુસાફરોને અનેક દુવિધાઓ ભોગવવી પડે છે. અને રાજકોટના ડેપો મેનેજરના આંખમિચામણા ના પગલે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. છેલ્લા છ માસથી જો સિસ્‍ટમ બંધ રાખવામાં આવતી હોય તો બસ પોર્ટ ના સીસી ફૂટેજ મેળવી અધિકારી અને કોન્‍ટ્રાક્‍ટર ઉપર પેનલ્‍ટી કરી નિયમ મુજબ કાર્યવાહી કરવી.

 ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ ની વડી કચેરી ના પત્ર ક્રમાંક GSRTC/૦૨૦૬/૦૨/૨૦૨૫ તારીખ ૧૭/૦૨/૨૦૨૫ રાજકોટ વિભાગીય નિયામકને સ્‍પષ્ટ જણાવેલ છે કે જીપીએસ સિસ્‍ટમ તાત્‍કાલિક શરૂ કરવી અને મુસાફર હિત રક્ષક સમિતિને અને વડી કચેરીને કરેલ કાર્યવાહીની જાણ કરવી. પરંતુ તેમ છતાં વડી કચેરીનો લેખિત આદેશ કચરાપેટીમાં પધરાવી દેવામાં આવ્‍યો છે. આજની તારીખે પણ રાત્રે ૯:૦૦ થી ૫:૦૦ જીપીએસ સિસ્‍ટમ બંધ રખાતા મુખ્‍યમંત્રી સ્‍વાગત કાર્યક્રમમાં ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્‍યો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

રાજ્‍ય સરકારે ખૂબ જ ટૂંકા ગાળામાં એસ.ટી ને ૩૫% જેવો તોતિંગ ભાડા વધારો કરવાની મંજૂરી એટલા માટે આપવામાં આવી છે કે મુસાફરોને આધુનિક ઈન્‍સ્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાથે સારી સુવિધા મળે અને આ ભાડા વધારાના કારણે એસ.ટી ને અંદાજે વાર્ષિક ૧૫૦૦ કરોડ રૂપિયાની માતબાર રકમ થઈ રહી છે. તમામ ટીવી સ્‍ક્રીનો રાત્રે બંધ કરી દેવામાં આવે છે પ્‍લેટફોર્મ નંબર ૨૨ પર તો ટીવીની સ્‍ક્રીનમાં કાચ છે જ નહીં. પ્‍લેટફોર્મ નંબર ૨૨, ૨૩ પર સુવિધા નો અભાવ બેસવા માટે વ્‍યવસ્‍થા નહીં પંખો પણ નહીં. એસ.ટી અમારી સલામત સવારી પરંતુ જવાબદારી તમારી, એસ.ટી અમારી સલામત સવારી નહીં પરંતુ એસ.ટી અમારી મોંઘી સવારી બની છે.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્‍પલાઇન નંબર ૯૪૨૬૨ ૨૯૩૯૬.(૬.૧૪)

 

રીબડા ગામમાં અનીરૂધ્‍ધસિંહ અને તેમના મળતીયાઓનો ત્રાસ છેઃ કલેકટરને રજુઆત

રીબડાના મનીષ ખૂંટ અને ગ્રામજનોએ કલેકટરને આવેદન પાઠવ્‍યું

અમૂક લોકો દ્વારા મોટા પાયે ખનીજચોરી કરાય છેઃ અનેક આક્ષેપો

રાજકોટ તા.૧૦: રીબડા ગામના મનીષભાઇ ખૂંટ અને અન્‍ય ગ્રામજનોએ કલેકટરને આજે આવેદન પાઠવી જણાવેલ કે, ગોંડલ તાલુકાના રીબડા ગામે અનિરૂદ્ધસિંહ જાડેજા તથા તેમના મળતીયાઓનો ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતાં લોકો પણ ડરતા હોય અને તેમની વિરૂદ્ધ જો કોઇ કાર્યવાહી કરે તો આપે જોયેલું હશે કે અમારા ગામના પાટીદાર યુવાન અમિત ખૂંટના કેવા હાલ કરવામાં આવ્‍યા. આવેદનમાં જણાવેલ કે અમુક ચોક્કસ લોકો દ્વારા રીબડા ગામમાં ગોૈચર તથા ખરાબાની મોટા પાયે ખનીજ ચોરી કરી રીબડા ગામે ઓૈદ્યોગીક વસાહત ડેવલોપ થઇ રહ્યું હોય તેવા ઓૈદ્યોગીક જોનમાં ઉંચા ભાવે રકમ વસૂલી માટી મોરમનું ખનન કરી મસ મોટાપાયે ખનીજ ચોરી કરેલ છે. જે બાબતે આ અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં સામાવાળાઓ માથાભારે અને રાજકીય પહોંચ ધરાવતા હોવાથી કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ લોકો દ્વારા મોટાપાયે સરકારી મિલ્‍કતો કે જે ખરાબાની જગ્‍યાઓ જેમ કે નેશનલ હાઇવેની બંને સાઇડો પર દબાણો કરી ત્‍યાં નશીલા પદાર્થના વેચાણ થતા હોય રીબડા ગામે ગોૈચર તથા ખરાબાની જગ્‍યામાં ગામતળ તથા સિમતળમાં મોટાપાયે દબાણ થયેલું હોય જે તંત્રને ધ્‍યાને આવતુ ન હોય જે આ આવેદનથી અમો આપ સમક્ષ રીબડા ગામની વ્‍યથા રજૂ રાખીએ છીએ. તો આપને અપીલ કરીએ કે રીબડા ગામે ગામતળ તથા સિમતલમાં તથા રોડની બંને સાઇડમાં થયેલા દબાણોની તપાસ કરીને આવા દબાણનું તાત્‍કાલિક ડિમોલિશન કરી દબાણ દૂર કરવા વિનંતી છે.

(3:59 PM IST)