<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

જુના માર્કેટ યાર્ડ પાસે ‘હિટ એન્‍ડ રન': પોરબંદર માતાની મૈયતમાં જઇ રહેલા દિકરાનું મોતઃ ત્રણનેઇજા

રાજકોટમાં સવારે છએક વાગ્‍યે બનાવઃ પાછળથી આવેલી સફેદ કારનો ચાલક ઠોકર મારી ભાગી ગયો : અમદાવાદ નોકરી કરતાં યુસુફભાઇ મુકાદમના માતાનું મૃત્‍યુ થતાં તે રાજકોટ આવી ગ્રીનલેન્‍ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડીએ જવા રિક્ષામાં બેઠા હતાં-ઘટના સ્‍થળે જ મોતઃ અન્‍ય ઘાયલોમાં અમદાવાદના જેઠાભાઇ રાજકોટ ભત્રીજાને ત્‍યાં વાસ્‍તુમાં આવતાં હતાં: રામપાર્કના ગોપાલભાઇ જુનાગઢ જવા નીકળ્‍યા'તાઃ ગોંડલના વિવેકને પણ ઇજા

તસ્‍વીરમાં કારની ઠોકરે ગોથા ખાઇ ગયા બાદ બૂકડો થઇ ગયેલી રિક્ષા, પોરબંદરના યુસુફભાઇનો નિષ્‍પ્રાણ દેહ અને અન્‍ય ત્રણ ઘાયલ મુસાફરો જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરના જુના માર્કેટ યાર્ડના પૂલથી આજીડેમ તરફ જતાં રસ્‍તે સવારે હિટ એન્‍ડ રનની ઘટનામાં પોરબંદરના યુવાનનું ઘટના સ્‍થળે જ મોત થયું છે. જ્‍યારે ત્રણ મુસાફરોને ઇજા થઇ હતી. મોતને ભેટેલો યુવાન હાલ અમદાવાદ રહી નોકરી કરતો હતો, તેના માતા ગુજરી જતાં તે મૈયતમાં સામેલ થવા અમદાવાદથી રાજકોટ ગ્રીનલેન્‍ડ ચોકડીએ પહોંચી ત્‍યાંથી ગોંડલ રોડ ચોકડીએ જવા આ રિક્ષામાં બેઠો હતો. પાછળથી આવેલી સફેદ રંગની કારનો ચાલક રિક્ષાને ઉલાળીને ભાગી ગયાનું ઘાયલ થયેલા મુસાફરોએ કહ્યું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી અનુસાર સવારે છએક વાગ્‍યે જીજે૦૩બીયુ-૭૮૩૯ નંબરની રિક્ષાનો ચાલક ગ્રીનલેન્‍ડ ચોકડીએથી મુસાફરોને બેસાડીને ગોંડલ રોડ ચોકડી તરફ જવા રવાના થયો ત્‍યારે માર્કેટ યાર્ડ પૂલથી આજીડેમ ચોકડી તરફ જતાં રસ્‍તે અચાનક પાછળથી બંબાટ ઝડપે એક કાર આવી હતી અને રિક્ષાને ઉલાળીને ભાગી ગઇ હતી. જોરદાર ટક્કર લાગતાં રિક્ષા ગોથા મારી ગઇ હતી. અંદર બેઠેલા મુસાફરો પૈકી એક યુવાનનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્‍યારે ત્રણેક મુસાફરોને ઇજાઓ થઇ હતી.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ની બે ગાડી પહોંચી હતી. અકસ્‍માતમાં ઘવાયેલા કુવાડવા રોડ રામ પાર્કના ગોપાલભાઇ કરસનભાઇ પઢારીયા (ઉ.વ.૪૮), અમદાવાદ સરખેજના જેઠાભાઇ મંગળભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૩) અને ગોંડલના વિવેક ત્રિમોહનભાઇ શુક્‍લા (ઉ.વ.૨૪)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભગીરથસિંહે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ સી. એચ. પઢેરીયા સહિતના સ્‍ટાફે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના સ્‍થળે જ મૃત્‍યુ પામનારનું નામ યુસુફભાઇ અનવરભાઇ મુકાદમ (ઉ.વ.૩૪) હોવાનું ખુલ્‍યું હતું. પંચનામુ કરી પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. વધુ વિગતો મુજબ મૃત્‍યુ પામનાર યુસુફભાઇ હાલ અમદાવાદ રહી નોકરી કરતાં હતા. તે મુળ પોરબંદરના વતની હતાં. તેના માતા ગુજરી ગયા હોઇ જેથી મૈયતમાં સામેલ થવા તે અમદાવાદથી પોરબંદર જવા નીકળ્‍યા હતાં. સવારે છએક વાગ્‍યે ગ્રીનલેન્‍ડ ચોકડીએ પહોંચી ત્‍યાંથી ગોંડલ રોડ ચોકડીએ જવા તે રિક્ષામાં બેઠા હતાં અને યાર્ડ નજીક હિટ એન્‍ડ રનમાં તેનું મૃત્‍યુ થયું હતું.

ઘાયલ થયેલા પૈકીના અમદાવાદના જેઠાભાઇએ કહ્યું હતું કે કાલાવડ રોડ ઇસ્‍કોન પાસે મારા ભત્રીજા મુકેશભાઇના મકાનનું વાસ્‍તુ, કથા હોઇ તેમાં હાજરી આપવા હું આવ્‍યો હતો. ગોંડલ રોડ ચોકડીથી બીજી રિક્ષા પકડવાની હતી. ગોપાલભાઇને જુનાગઢ જવું હોઇ તે ગ્રીનલેન્‍ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડીએ જવા આ રિક્ષામાં બેઠા હતાં. ત્રીજો ઇજાગ્રસ્‍ત વિવેક મુળ યુપીનો વતની છે. આજે જ યુપીથી રાજકોટ આવી ગ્રીનલેન્‍ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી જવા રિક્ષામાં બેઠો હતો. તે ગોંડલ રહી બંગડીના કારખાનામાં કામ કરે છે. પોલીસે જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

(3:41 PM IST)