News of Monday, 12th May 2025
કટારીયા ચોકડીએ નિલેષ પરમારને જયદિપ, રાધેએ ઘુસ્તાવી ઇંટ ફટકારી ખૂનની ધમકી દીધી
અગાઉ કોર્પોરેશને જયદિપનો ચા-પાનનો થડો બંધ કરાવ્યો હોઇ તેમાં નિલેષે ફરિયાદ કર્યાની શંકા હતી : જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કરતાં યુનિવર્સિટી પોલીસે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૨: શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક યુવાનને જુના મનદુઃખને કારણે બે શખ્સોએ ઢીકાપાટુ અને ઇંટથી માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ યુવાન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો.
જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક લક્ષ્મીનારાયણ સોસાયટી-૭માં રહેતાં નિલેષભાઇ શાંતિભાઇ પરમાર (ઉ.વ.૨૮) નામના યુવાનની ફરિયાદ પરથી જયદિપ રાજુભાઇ રાતડીયા અને રાધે ભરતભાઇ વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. નિલેષભાઇ પરમાર રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેમજ કારખાનામાં પણ મજૂરી કરે છે. તે માતા-પિતા અને બહેન સાથે રહે છે. તેણે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા કટારીયા ચોકડી લક્ષ્મીના ઢોળામાં કોસ્મોપ્લેક્સ સિનેમાની ડાબી બાજુ ઢાળ પર ગાત્રાળ ચા પાન નામે જયદિપ રાતડીયા હોટલ ચલાવતો હતો. તે વખતે મારા સગા મોટા ભાઇ રવિભાઇની અલખધણી નામની ચા-પાન-ફાકીની હોટલ-દૂકાન પણ ત્યાં જ હતી. બંનેનો ધંધો બરાબર ચાલતો હતો. એ દરમિયાન મ્યુ. કોર્પોરેશન દ્વારા જયદિપનો થડો ગેરકાયદેસર હોઇ જેથી ખાલી કરાવાયો હતો. આ કારણે જયદિપ રોષે ભરાયો હતો અને મારા ભાઇના થડે હું બેસતો હોઇ મારી સાથે ફોન પર અને રૂબરૂ આવીને માથાકુટ કરતો હતો.
જયદિપને એવી શંકા હતી કે તેનો થડો કોર્પોરેશનમાં ફરિયાદ કરીને અમે બંધ કરાવ્યો છે. આ બાબતે મેં તેની સાથે અનેક વખત સ્પષ્ટતા કરી હતી કે તમારો ધંધો અમે બંધ નથી કરાવ્યો. આમ છતાં તે ખાર રાખતો હતો. દરમિયાન રવિવારે ૧૧/૫ના સાંજે સાડા પાંચેક વાગ્યે જયદિપે હાલ નવો ચા-પાનનો થડો ચાલુ કર્યો હોઇ ત્યાં હું એકલો ફાકી ખાવા ઉભો રહેતાં જયદિપ અને તેના મિત્ર રાધેએ મારી પાસે આવી ઝઘડો કર્યો હતો. જયદિપે મારો કાંઠલો પકડી ગાળો દીધી હતી અને તું અહિ કેમ આવ્યો છો? તારે અહિ આવવું નહિ તેમ કહી રાધેએ મને ઢીકાપાટુનો માર મારી ઉંધો પછાડી દીધો હતો. તેમજ જયદિપે ત્યાં પડેલી ઇંટ ઉપાડી મારા માથામાં ફટકારી દીઇ ઇજા કરતાં હું પડી ગયો હતો.
હું ઉભો થતાં જયદિપે મને જ્ઞાતિ વિશે જેમ તેમ બોલી અપમાનીત કર્યો હતો અને જયદિપ તથા રાધેએ જો હવે પછી અહિ આવ્યો છો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતાં હું મારા ઘરે જતો રહ્યો હતો અને મારા માતા, બહેનને જાણ કરી હતી. તેમણે ૧૦૮ બોલાવી મને સારવાર માટે ખસેડયો હતો. બાદમાં મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં નિલેષભાઇએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ એન. કે. પંડયાએ ગુનો નોંધતા એસસીએસટી સેલના એસીપી સી. એમ. પટેલે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(2:17 PM IST)










