News of Monday, 12th May 2025
ઇન્સ્ટાગ્રામથી તોૈકિર ભાડુલાએ ૧૪ વર્ષની બાળાને ફસાવી અપહરણ કર્યુઃ મિત્રની ઓફિસમાં લઇ ગયો
રૈયાધાર વિસ્તારનો બનાવઃ પોલીસે શોધખોળ શરૂ કર્યાની જાણ થતાં તોૈકિર સગીરાને પોતાના બહેન-બનેવીને સોંપી ભાગી ગયોઃ મોડી રાતે યુનિવર્સિટી પોલીસે પકડયોઃ એસીપી ચિંતન પટેલે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૨: સોશિયલ મિડીયાના માધ્યમથી સગીરાઓ સાથે મિત્રતા કરી બાદમાં અપહરણ કરવાના બનાવો અવાર-નવાર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાય છે. આવો વધુ એક બનાવ બન્યો છે. રૈયાધાર વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની બાળાને એક મુસ્લિમ શખ્સ અપહરણ કરી ભગાડી ગયા બાદ પોતાના મિત્રની ઓફિસે લઇ ગયો હતો. પોલીસે તપાસ શરૂ કર્યાની જાણ થતાં તે સગીરાને પોતાના બહેન બનેવીને સોંપીને જતો રહ્યો હતો. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે.
આ બનાવ અંગે રૈયાધાર વિસ્તારમાં રહેતાં ૪૨ વર્ષીય મહિલાએ તરીકે તૌકિર રહેમાન ભાડુલા સામે અપહરણ-એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં ૧૪ વર્ષની સગીર દિકરી છે. રવિવારે સવારે ઘરે હતી. એ પછી દસેક વાગ્યે તે બહાર નીકળ્યા પછી બપોરના ત્રણ વાગ્યા સુધી પાછી ન આવતાં અમે શોધખોળ શરૂ કરી હતી. પત્તો ન મળતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચી જાણ કરી હતી. સગીરા ગૂમ થયાની બાબતને પીઆઈ એચ.એન.પટેલ અને ટીમે ગંભીરતાથી લઇ તુરત જ સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે તપાસ શરૂ કરી હોવાની જાણ કોઇપણ રીતે તોૈકિરને થઇ જતાં તે રાતે દસેક વાગ્યે સગીરાને પોતાના બહેન બનેવીના ઘરે મુકીને જતો રહ્યો હતો. આ લોકોએ સગીરાના પરિવારને જાણ કરી હતી કે તોૈકિર તમારી દિકરીને અમારા ઘરે મુકી ગયો છે તેને તમે લઇ જાવ. આથી પોલીસ અને પરિવારજનો તોૈકિરના બહેન બનેવીના ઘરે પહોંચ્યા હતાં અને સગીરાનો કબ્જો સંભાળી પુછતાછ કરી હતી.
સગીરાએ જણાવ્યું હતું કે ચારેક મહિના પહેલા તેનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ મારફતે તોૈકિર સાથે થયો હતો. એ પછી બંને વાતચીત કરતાં હતાં. રવિવારે પોતાને તોૈકિર ભગાડીને દૂષ્કર્મ કરવાના ઇરાદે તેના મિત્રની ઓફિસે લઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તોૈકિરને રાતે સકંજામાં લઇ લીધો હતો. સગીરા સાથે કોઇ બળજબરી થઇ હતી કે કેમ? તે જાણવા તબિબી પરિક્ષણ કરાવાયું છે. આગળની તપાસ એસસીએસટી સેલના એસીપી ચિંતન પટેલ અને ટીમે હાથ ધરી છે. (૧૪.૯)
(2:41 PM IST)










