<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

જાદુ એટલે ઝડપ, જાદુ એટલે કલ્‍પનાઃ જુનિયર જાદુગર મંગલ

જાદુ નગરી સે આયા હૈ મંગલ જાદુગર : રાજકોટના આંગણે ફરી એકવાર જુનિયર જાદુ સમ્રાટ મંગલ અને જાદુગર યુવરાજ મંગલની જાદુઈ જુગલબંધી :આર્ટ ઇન્‍ડિયાના મહેન્‍દ્રભાઈ શાહ, ધીરેનભાઈ શાહ અને મધુભાઈ બલરનું બેનમૂન આયોજનઃ રુુંવાડા ઉભા થઈ જાય તેવા હેરતઅંગેઝ ખતરનાક પ્રયોગો સાથે ૪૫૦ થી વધુ મેજિક આઈટમની હારમાળા :હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દરરોજ રાત્રે ૯:૩૦ કલાકે અદભુત માણવા જેવા જાદુઈ શો :આફ્રિકન ગોરીલો સ્‍ટેજ પરથી ગાયબ, શરીરમાંથી વીજળી ઉત્‍પન્‍ન કરવા જેવા રોચક મેજિક

 

 

 

અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે જુનિયર જાદુ સમ્રાટ મંગલ, જાદુગર યુવરાજ મંગલ તથા આર્ટ ઇન્‍ડિયાના મહેન્‍દ્રભાઈ શાહ (મો. ૯૮૨૫૧૨૦૫૮૩) અને સંજયભાઈ ગોહિલ તસ્‍વીરમાં નજરે પડે છે. (તસવીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટઃ મેજિક ભલે હાથ ચાલાકીનો ખેલ હોય પરંતુ વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલા માનવીને એમાં અચૂક રસ પડે છે. એક સમય હતો કે જાદુની કળા બહુ સિક્રેટ રાખવામાં આવતી હતી પણ હવે આ કળામાં યંગ મેજીશ્‍યનોને પણ રસ પડવા માંડ્‍યો છે. જાદુનો ખેલ કે કરતબ મતલબ કે જાદુની આખી દુનિયા જ વર્ષોથી ખૂબ જ જિજ્ઞાસા જગાવનારી રહી છે. કઈ રીતે આપણી આંખ સામેથી આખે આખો ગોરિલો ગાયબ થઈ જાય? સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અચાનક સ્‍ટેજ પર પ્રગટ થાય? આવા અનેક એડવાન્‍સ ટેકનોલોજીવાળા જાદુના અકલ્‍પનીય ખેલ રાજકોટમાં હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે પ્રખ્‍યાત જુનિયર જાદુ સમ્રાટ મંગલ અને જાદુગર યુવરાજ દર્શાવી રહ્યા છે. જેનું આયોજન આર્ટ ઇન્‍ડિયાના મહેન્‍દ્રભાઈ શાહ, ધીરેનભાઈ શાહ અને મધુભાઈ બલર દ્વારા કરવામાં આવ્‍યું છે. આ તકે જાદુ સમ્રાટ મંગલ અને યુવરાજ અકિલાના આંગણે મહેમાન બન્‍યા હતા અને જાદુઇ દુનિયાની વાતો પરથી પડદો ઊંચકયો હતો.

જુનિયર જાદુ સમ્રાટ મંગલે જણાવ્‍યું હતું કે, આ વખતે રાજકોટમાં ૮૦ ટકા નવી જાદુની આઈટમ લાવ્‍યા છીએ. ૪૫૦ થી વધુ કુલ મેજિક આઈટમ અલગ અલગ દિવસે શોમાં દર્શાવીએ છીએ. જાદુગર મંગલે રાજકોટમાં જ ૧૭૦૦ જેટલા મેજીક શો કર્યા છે. તેઓ જ્‍યારે પણ કાર્યક્રમ કરે ત્‍યારે રાજકોટને ધ્‍યાને લઈ કંઈક નવું કરતા હોય છે. તેઓ કહે છે, અમે એવી નવી ટેકનોલોજી ડેવલોપ કરી છે કે નજર સામે જ પડદા વિના લાઈવ મેજીક લોકો નિહાળી આヘર્યચકિત થઈ જાય છે. જાદુગર યુવરાજ કેનેડાથી એરોનોટિકલ એન્‍જિનિયર થયેલા છે એટલે એમણે અનેક જાદુની ટ્રીક શોધી છે. જુનિયર જાદુ સમ્રાટ મંગલે જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધીમાં હજારો જાદુની ટ્રીક અમે લાવ્‍યા છીએ અને નવી નવી લાવી રહ્યા છીએ.

આપ જાદુની દુનિયામાં આવ્‍યા કઈ રીતે? આપના જીવનમાં એવો શું જાદુ થયો? જુનિયર જાદુગર મંગલે જણાવ્‍યું હતું કે, મારા જીવનમાં એક ર્ટનિંગ પોઇન્‍ટ આવેલો. મારા કાકા હતા સિનિયર જાદુગર મંગલ. એ વખતે ૧૮ વર્ષ સુધી હું સ્‍ટેજ પરથી મિમિક્રી કલાકાર તરીકે કામ કરતો હતો. મારું પોતાનું ગામ ગોંડલ. એ વખતે ગોંડલ તાલુકા શાળાના ગ્રાઉન્‍ડમાં મારા કાકા સિનિયર જાદુગર મંગલના પ્રોગ્રામ ચાલતા હતા ત્‍યારે ચાલુ શોમાં કાકાને હાર્ટ એટેક આવ્‍યો. તેમણે અચાનક મને બોલાવ્‍યો અને મારા માથે પાઘડી મૂકી કહ્યું, શો મસ્‍ટ ગો ઓન.. એ વખતે મારી ઉંમર ૨૨ વર્ષ હતી અને મેં જાદુનો પહેલો શો કર્યો. મિકેનિઝમ મેજિકનો શો આસિસ્‍ટન્‍ટના માધ્‍યમથી કર્યો. બસ ત્‍યારથી લઇ અત્‍યાર સુધી જુનિયર જાદુગર સમ્રાટે ૨૬,૦૦૦ થી વધુ જાદુના શો કર્યા છે. ૯૦ ના દાયકાથી તેઓ રાજકોટમાં શો કરતા આવ્‍યા છે. દેશ બહાર ૪૫૦ થી વધુ શો તેમણે કર્યા છે. જેમાં ન્‍યૂઝીલેન્‍ડ, ઓસ્‍ટ્રેલિયા, અમેરિકા, યુ.કે. સહિતના દેશોનો સમાવેશ થાય છે. લગભગ ૧૪ વખત તેઓ દેશની બહાર મેજીક શો માટે જઈ આવ્‍યા છે. ડિજિટલ સમયમાં જાદુના શોમાં કેવી ચેલેન્‍જનો સામનો કરવો પડે છે? જાદુગર યુવરાજે જણાવ્‍યું હતું કે, જાદુના શોમાં ખૂબ ચેલેન્‍જ છે. આ ચેલેન્‍જમાં કંઈક નવું શોધી આગળ વધવું એ જ અમારો પ્રયત્‍ન રહે છે. મેજિક શો તો એક દરિયો છે તેમાં જેટલું ડૂબીએ તેટલું કંઈક ને કંઈક નવું મળતું રહે છે. અમે જૂની જાદુની આઈટમમાં નવું ડેવલપ કરી આખું નવું જ જાદુ રજૂ કરીએ છીએ. જોકે મોબાઈલ આવતા જાદુને ઘણો ધક્કો લાગ્‍યો છે. જોકે લાઈવ શો જોવાની અને માણવાની મજા જ અલગ હોય છે. આમ પણ અત્‍યારે જાદુમાં સ્‍ટંટ પબ્‍લિસિટી વધી ગઈ છે જ્‍યારે અમે રિયાલિટી શોમાં પણ જતા નથી. માત્રને માત્ર લોકો સામે લાઈવ જાદુનાશોથીજ તેઓનું મનોરંજન કરીએ છીએ.

 જુનિયર જાદુ સમ્રાટ મંગલે જણાવ્‍યું હતું કે, આજે અઘરામાં અઘરો વિષય જાદુ છે. મેજિક માટે સારો સ્‍ટાફ તૈયાર કરવો પડે. યુનિફોર્મ, પડદા, લાઇટિંગ, સાઉન્‍ડ વગેરેને આવરી લઈ જાદુનો શો કરવો પડે છે. જો તેમાં ભૂલ થઈ તો તમારો શો ખરાબ થઈ શકે છે. મેજિકમાં ચિતા જેવી ચપળતા ખૂબ જ જરૂરી છે. દરેક શોમાં જુનિયર જાદુ સમ્રાટ મેજિક આઈટમ બદલાવે છે જેથી લોકોને દર વખતે કંઈક ને કંઈક નવું જોવા મળે છે.

બંને જાદુગરઓએ જણાવ્‍યું હતું કે, જાદુ એ માત્ર એક કલા છે, તંત્રવિદ્યા નથી. સામાન્‍ય વ્‍યક્‍તિ પણ જે જાદુ માં રસ ધરાવતી હોય તો જાદુ શીખી શકે છે અને કારકિર્દી પણ બનાવી શકે છે. જો કે તેમાં ઘણો સમય અને ધીરજ રાખવા પડે છે. અમારો તો પ્રયત્‍ન છે કે લોકો જાદુ શીખે કારણ જાદુ એ કળષ્‍ણ ભગવાનની દેન છે. જાદુ શબ્‍દનો કોઈ અર્થ નથી. યદુનંદનમાં યદુ એટલે જ જાદુ.

જુનિયર જાદુ સમ્રાટ મંગલ અને જાદુગર યુવરાજ મંગલે કહ્યું હતું કે, જાદુ એટલે ઝડપ, જાદુ એ કલ્‍પના છે. રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલમાં જુનિયર જાદુ સમ્રાટ મંગલ અને જાદુગર યુવરાજ આヘર્યચકિત થઈ જાય તેવા ખતરનાક અને વીજળીની ઝડપ કરતાં પણ વધુ ઝડપી જાદુના ખેલ દર્શાવી રહ્યા છે. આર્ટ ઇન્‍ડિયાના મહેન્‍દ્રભાઈ શાહ, ધીરેનભાઈ શાહ અને મધુભાઈ બલર દ્વારા આયોજિત જાદુગર મંગલના મેજીક વર્લ્‍ડની જાદુઈ સફરના શો દરરોજ રાત્રે ૯.૩૦ કલાકે તેમજ શનિ-રવિ સાંજે ૬ અને રાતના ૯.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે યોજાઇ રહ્યા છે. અચંબો, આતુરતા, હેરતભર્યા, અકલ્‍પનીય જાદુના ખેલ તદ્દન નવાજ પ્રયોગો સાથે માણવાનું ચૂકવા જેવું નથી.

અકિલાના આંગણે જુનિયર જાદુગર મંગલ, જાદુગર યુવરાજ મંગલ, આયોજક મહેન્‍દ્રભાઈ શાહ તથા ગ્રુપ મેનેજર સંજયભાઈ ગોહિલ ઉપસ્‍થિત રહ્યા હતા.

વધુ માહિતી માટે અને શો બુકિંગ માટે ૭૯૯૦૫ ૫૫૬૩૬ પર સંપર્ક કરી શકાય છે.

શું જોવા મળશે મેજિક શોમાં?

રાજકોટઃ હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે દરરોજ રાત્રે ૯:૩૦ કલાકે જાદુ સમ્રાટ જુનિયર મંગલ સ્‍વર્ગને ધરતી ઉપર ઉતારતો જાજરમાન શો કરી રહ્યા છે. અચંબો, આતુરતા, ઇન્‍તેઝારી, હેરતભર્યા પ્રયોગોની હારમાળા સર્જતા આ જાદુઈ શોમાં કદી ન જોયા હોય તેવા તદ્દન નવા પ્રયોગો જાદુગર મંગલ અને જાદુગર યુવરાજ રજૂ કરી રહ્યા છે. જેમાં ગોરિલો ગાયબ થઈ જવો, સ્‍ટેજ પર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પ્રગટ કરવું, ક્‍વીક બોક્‍સ કલા જે જાદુગર યુવરાજે બનાવી છે જેમાં સેકન્‍ડના છઠ્ઠા ભાગમાં પારદર્શક બોક્‍સમાં નજર સામે મેજિક થાય છે. આ ઉપરાંત જુનિયર જાદુ સમ્રાટ શરીરમાંથી પાવર જનરેટ કરી એલઈડી બલ્‍બ સળગાવે છે તેમજ ક્રોસ મિસ્‍ટ્રીની આઈટમ પણ જોવા જેવી છે. સાથે સાથે લોકોના દાગીના ભેગા કરી ગાયબ કરી વિવિધ જગ્‍યાએથી પાછા લાવી લોકોને અચંબામાં પાડી દે છે. તેમજ અરીસાની આરપાર નીકળવા જેવા અચંબા ભર્યા પ્રયોગો આ મેજિક શોમાં જોવા મળે છે. આ અને આ ઉપરાંત અનેક અવનવા પ્રયોગો રજુ થઈ રહ્યા છે અને થવાના છે.

શોટ સર્કિટ ન થયો હોત તો મારા બે ટુકડા થઈ ગયા હોતઃ જુનિયર જાદુગર મંગલ

રાજકોટઃ એક પ્રસંગ યાદ કરતાં જુનિયર જાદુ સમ્રાટ મંગલે જણાવ્‍યું હતું કે, ૯૦ ના દાયકામાં રાજકોટમાં શો ચાલી રહ્યો હતો. શો નો સાતમો દિવસ હતો. એ વખતે માર્બલ કટરથી શરીરના બે ટુકડા થાય એવી જાદુની આઈટમ હું દર્શાવી રહ્યો હતો. એ વખતે ટેબલ પર હું સુઈ ગયો અને પાંચ ફૂટના વ્‍યાસની માર્બલ કાપવાની કટરથી મારા ટુકડા થાય તેવું દર્શાવવાનું હતું. શો ચાલુ હતો ત્‍યાં જ અચાનક માર્બલ કટરની મોટરમાં શોટ સર્કિટ થયો અને કટર બંધ થઈ ગયું. જો કટર મારા માથે પડી ગયું હોત તો મારા બે ટુકડા થઈ ગયા હોત. એ વખતે સાત આઠ લોકો આ કરતબ જોઈને જ બેભાન થઈ ગયા હતા. કલેકટરશ્રી એ આઈટમ દેખાડવાની બંધ કરાવી હતી. જોકે મધ્‍યપ્રદેશના રતલામ શહેરમાં છ મહિના એ જ આઈટમને દર્શાવી હતી. જેને અનેક અધિકારીઓ સહિત અસંખ્‍ય લોકોએ ખૂબ વખાણી હતી.

 

જાદુની કલાને પ્રોત્‍સાહન માટે સરકારનો સહયોગ જરૂરી

રાજકોટઃ જુનિયર જાદુગર મંગલનું કહેવું હતું કે, જાદુની કલાને પ્રોત્‍સાહન મળવું ખૂબ જરૂરી છે. આંધ્રપ્રદેશ અને કેરળની સરકારે તો જાદુની કલાને અભ્‍યાસક્રમમાં સામેલ કરી છે. ત્‍યાંના જાદુગરોને સરકારે ખૂબ પ્રોત્‍સાહન આપ્‍યું છે. જાદુથી બાળક અંધશ્રદ્ધા મુક્‍ત બની જાય છે. બાળકોમાં જાગળતતા આવે છે, તેનો આઇકયુ ખૂબ વધે છે. બાળક પ્રભાવિત થાય છે. જાદુથી ઘણા વાલીઓ પણ તેના બાળકોને જાદુ શીખવાડવાનો આગ્રહ કરે છે. જુનિયર મંગલ પણ બાળકોને અમુક જાદુ સ્‍ટેજ પર શીખવે છે ત્‍યારે તેમનું કહેવું છે કે, અમારી પાંચ પેઢીથી આ કલા ચાલી આવી છે ત્‍યારે જાદુની સંસ્‍કળતિને જીવંત રાખવા સરકાર જાદુગરોને પ્રોત્‍સાહન આપે તે ખૂબ જરૂરી છે. સરકારનો સહયોગ મળે તો આ જાદુની કલા વધુ દીપી ઊઠશે. સાથે સાથે ઘણા શહેરોમાં ટાઉનહોલ ૨૪ દિવસ સુધી મળે તો આવા જાદુને લોકો સુધી વધુને વધુ પહોંચાડી શકાય તેવી વિનંતી પણ તેઓએ સરકારને કરી હતી

(3:15 PM IST)