<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ભારતની સૌથી નાની વયની ક્રાંતિકારી કિશોરીઓ શાંતિ ઘોષ - સુનિતી ચૌધરી

ભગતસિંહની ફાંસીનો બદલો લેનાર : સત્તાવનના વિપ્‍લવ પછી આ પહેલી એવી ઘટના હતી કે જેમાં કોઈ મહીલાએ મોટા અંગ્રેજ અધિકારીની રાજનૈતિક હત્‍યા કરી હોય. : બહાદુર છોકરીઓએ તેમના યુવાનીના સપનાઓનું બલિદાન આપ્‍યું અને ક્રાંતિકારીઓના અપમાનનો બદલો લીધો. : સુનીતિ ચૌધરીની મહિલા સ્‍વયંસેવક કોર્પ્‍સના કેપ્‍ટન તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ સમય દરમિયાન તેઓ મીરા દેવી ના ઉપનામથી જાણીતા હતા. : કેનેડિયન લેખિકા ગેરાલ્‍ડિન ફોર્બ્‍સે તેમના પુસ્‍તક ‘ઇન્‍ડિયન વુમન એન્‍ડ ધ ફ્રીડમ મૂવમેન્‍ટ'માં શાંતિ ઘોષ અને સુનિતિ ચૌધરી સાથેની વાતચીતનું વર્ણન કર્યું છે. શાંતિ ઘોષ અને સુનિતિ ચૌધરી પર વર્ષ ૨૦૧૦ માં ‘યે મધર્સ' નામની એક ફિલ્‍મ પણ બનાવવામાં આવી હતી

તારીખ હતી ૧૪ ડીસેમ્‍બર, ૧૯૩૧. ડીસ્‍ટ્રીક્‍ટ મેજીસ્‍ટ્રેટ ચાર્લ્‍સ જેફરી બકલેંડ સ્‍ટીવન્‍સના બંગલા પર ૧૪ વર્ષની બે કિશોરીઓએ નાતાલ પર્વને અનુંલક્ષી ઉપહાર તરીકે ચોકલેટ અને કેન્‍ડી આપી. ચોકલેટ ખાઈને સ્‍ટીવન્‍સે કહયું... ‘ધીસ આર ડીલીસીયસ' .. બંને કિશોરીઓએ ત્‍વરિત ગતિએ પોતાની પાસે રહેલી પિસ્‍તોલ કાઢી અને તેની છાતીમાં ગોળી ધરબી દીધી અને કહ્યું ‘વેલ, હાઉ અબાઉટ ધીસ વન મીસ્‍ટર મેજીસ્‍ટ્રેટ?'  મેજીસ્‍ટ્રેટ સ્‍ટીવન્‍સે હંમેશાને માટે દુનિયાને અલવિદા કહી દીધું. સત્તાવનના વિપ્‍લવ પછી આ પહેલી એવી ધટના હતી કે જેમાં કોઈ મહીલાએ મોટા અંગ્રેજ અધિકારીની રાજનૈતિક હત્‍યા કરી હોય.  આ બંને હતી ફૈઝુનિશા ગર્લ્‍સ વિધાલયની આઠમાં ધોરણમાં ભણતી વિધાર્થીનીઓ શાંતિ ઘોષ અને સુનિતિ ચૌધરી. આ બંને કિશોરીઓ બંગાળના ક્રાંતિકારી દળ યુગાન્‍તર ની સદસ્‍ય હતી. તેમને હથિયાર ચલાવવાનું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્‍યું હતું. કોર્ટમાં પણ બંને ખુશ મિજાજમાં ગાતી અને હસતી રહેતી હતી. તેમને એક શહીદ તરીકે મરવાની ઈચ્‍છા હતી પણ કિશોરવયના કારણે તેમને આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી.

એ સાચું કહેવાયુ છે કે સ્‍વતંત્રતા મફતમાં મળી નહોતી, તેની કિંમત ચૂકવવી પડી છે. દેશની પરાધીનતા દરમિયાન જયારે બ્રિટિશ સરકારના અત્‍યાચારો ભારતીય લોકોની ધીરજની હદ વટાવી ગયા ત્‍યારે ક્રાંતિકારીઓએ બ્રિટિશ શાસકોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. ત્‍યારે ૧૫ વર્ષની ક્રાંતિકારી છોકરીઓ શાંતિ ઘોષ અને સુનિતિ ચૌધરીએ ભગતસિંહ અને તેમના સાથીઓની ફાંસીનો બદલો લેવા માટે એક જિલ્લા મેજિસ્‍ટ્રેટની હત્‍યા કરી હતી.

ત્રિપુરા ભારતનું એક રાજય છે પરંતુ આઝાદી પહેલા તે બંગાળનો એક જિલ્લો હતો અને તેનું મુખ્‍ય મથક કોમિલા હતું. ક્રૂર મેજિસ્‍ટ્રેટ સ્‍ટીવન્‍સના અત્‍યાચારોથી આખો જિલ્લો ધ્રૂજી રહ્યો હતો. તે ક્રાંતિકારીઓને ખૂબ જ કઠોર સજા આપતો હતો. તેથી ક્રાંતિકારીઓએ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. આ કાર્ય સરળ નહોતું કારણ કે તે ખૂબ જ કડક બે-સ્‍તરીય સુરક્ષા હેઠળ રહેતો હતો. સુરક્ષાના કારણોસર તે ઓફિસનું મોટાભાગનું કામ ઘરે જ કરતો હતો. તેમને મળવા આવનાર દરેક વ્‍યક્‍તિની ખૂબ જ સારી રીતે તપાસ કરવામાં આવતી. તે દિવસોમાં કોમિલાની ફૈઝાનુસ્‍સા ગર્લ્‍સ હાઇસ્‍કૂલના પ્રિન્‍સિપાલ કલ્‍યાણી દેવી હતા. તે સુભાષચંદ્ર બોઝના ગુરુ વેણીમાધવ દાસની પુત્રી હતા. તેમની નાની બહેન વીણા દાસ બંગાળના ગવર્નર સ્‍ટેનલી જેક્‍સનની હત્‍યાના આરોપમાં ૧૩ વર્ષની જેલની સજા ભોગવી રહ્યા હતા. કલ્‍યાણી દેવીના વિચારો મજબૂત ક્રાંતિકારી હતા અને તેઓ વિદ્યાર્થીનીઓના મનમાં સ્‍વતંત્રતાની આગ પ્રજવલિત કરતા રહ્યા હતા.

એક દિવસ કલ્‍યાણી દેવીએ આઠમા ધોરણની વિદ્યાર્થિનીઓ શાંતિ ઘોષ અને સુનિતી ચૌધરીને પોતાની પાસે બોલાવી. પછી ત્રણેયે સાથે મળીને સ્‍ટીવન્‍સને મારવાની સંપૂર્ણ યોજના બનાવી. આ પહેલા યુગાંતર પાર્ટીમાં મહિલાઓ પડદા પાછળ રહીને ક્રાંતિકારીઓને મદદ કરતી હતી. પહેલીવાર એવું નક્કી થયું કે મહિલાઓ પડદા પાછળથી બહાર આવશે અને સામેથી અંગ્રેજો સામે લડશે. તેમનું મિશન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતનો બદલો લેવાનું હતું જેમને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ફાંસી આપવામાં આવી હતી. ૧૪ ડિસેમ્‍બર, ૧૯૩૧ના રોજ શાંતિ અને સુનિતિ તેમના સ્‍કૂલ યુનિફોર્મમાં સ્‍ટીવન્‍સના ઘરે પહોંચ્‍યા. બંનેએ પોતાના કપડાંમાં લોડેડ પિસ્‍તોલ છુપાવી હતી. ગેટ પર તૈનાત સંત્રી દ્વારા પૂછવામાં આવતા તેમણે કહ્યું કે અમારી શાળા દ્વારા ત્રણ માઇલની સ્‍વિમિંગ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને અમને આમાં જિલ્લા મેજિસ્‍ટ્રેટના સહયોગની જરૂર છે. તેમણે જિલ્લા મેજિસ્‍ટ્રેટને એક અરજી પણ આપી. સંત્રીએ તેમને રોક્‍યા અને અંદર ગયા અને સ્‍ટીવન્‍સને પત્ર આપ્‍યો. સ્‍ટીવન્‍સે તેમને મળવાની પરવાનગી આપી. તેમના સામાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી, પરંતુ તેઓ છોકરીઓ હોવાથી તેમના શરીરની તપાસ કરવામાં આવી ન હતી. અંદર ગયા પછી બંનેએ જિલ્લા મેજિસ્‍ટ્રેટ સ્‍ટીવન્‍સને વિનંતી કરી કે તેઓ એવો આદેશ જારી કરે કે સ્‍વિમિંગ સ્‍પર્ધા દરમિયાન બોટ, સ્‍ટીમર, મોટરબોટ વગેરે નદીમાં ન નાખવા જોઈએ જેથી સ્‍પર્ધા યોગ્‍ય રીતે યોજાઈ શકે. સ્‍ટીવન્‍સે કહ્યું, ‘અરજી ફોર્મમાં તમારી શાળાના આચાર્યની સહી નથી.'  પહેલા તેમની સહી કરાવો, પછી હું પરવાનગી આપીશ.'  દરમિયાન નાતાલ પર્વ નજીક હોય તેણીએ સ્‍ટીવન્‍સને ચોકલેટ આપી. શાંતિ અને સુનિતિ તકની રાહ જોઈ રહ્યા હતા. બંનેએ સ્‍ટીવન્‍સને આ લેખિતમાં લખવા કહ્યું. સ્‍ટીવન્‍સે પેન ઉપાડી અને લખવાનું શરૂ કર્યું. તે જ સમયે શાંતિ અને સુનિતિ બંનેએ પોતાના કપડાંમાં છુપાયેલી પિસ્‍તોલ કાઢી અને સ્‍ટીવન્‍સ પર ગોળીબાર કર્યો. ગોળીનો અવાજ સાંભળીને બહાર ઉભેલા સંત્રીઓ અંદર દોડી ગયા પરંતુ ત્‍યાં સુધીમાં સ્‍ટીવન્‍સ માર્યો ગયો હતો.

 બધાએ સાથે મળીને બંને છોકરીઓને પકડી લીધી. બધા ડરથી ધ્રૂજી રહ્યા હતા પણ શાંતિ અને સુનીતિના ચહેરા પર વિજયનો આનંદ ચમકી રહ્યો હતો. શાંતિ ઘોષ અને સુનિતિ ચૌધરી પોતાના ધ્‍યેયની સફળતાથી ખુશ હતા. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા હતા. તે સમયે શાંતિ ચૌદ વર્ષની હતી અને સુનિતિ સાડા ચૌદ વર્ષની હતી. તે સગીર હોવાથી તેને ફાંસી આપી શકાય નહીં તેથી તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી અને બંનેને આંદામાન મોકલવામાં આવ્‍યા. આ રીતે બંને બહાદુર છોકરીઓએ તેમના યુવાનીના સપનાઓનું બલિદાન આપ્‍યું અને ક્રાંતિકારીઓના અપમાનનો બદલો લીધો. પરંતુ શાંતિના પરિવારને તેના પ્રતિકૂળ પરિણામો ભોગવવા પડ્‍યા. શાંતિના પિતાનું સરકારી પેન્‍શન બંધ થઈ ગયું. મોટા ભાઈઓને કોઈ પણ કારણ વગર કોઈ પણ કેસ ચલાવ્‍યા વિના કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા. નાના ભાઈનું કુપોષણથી મૃત્‍યુ થયું.

બંને વિરાંગનાઓની વાત કરીએ તો, શાંતિ ઘોષનો જન્‍મ ૨૨ નવેમ્‍બર ૧૯૧૬ના રોજ બંગાળના કલકત્તા (હવે કોલકાતા) માં થયો હતો. શાંતિના પિતા દેબેન્‍દ્રનાથ ઘોષ વિક્‍ટોરિયા કોલેજ, કોમિલામાં ફિલોસોફીના પ્રોફેસર હતા. માતૃભૂમિ પ્રત્‍યે સમર્પણની ભાવના શાંતિમાં ઘરેથીજ જાગૃત થઈ. ઘરે પ્રાથમિક શિક્ષણ મેળવ્‍યા પછી તેણીને ફૈઝુનિશા ગર્લ્‍સ સ્‍કૂલમાં દાખલ કરવામાં આવી. ત્‍યાં તેની મુલાકાત પ્રફુલ્લ નલિની બ્રહ્મા સાથે થઈ. શાંતિ ઘોષે નાની ઉંમરે વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો. ૧૯૩૧માં, તેણી ગર્લ્‍સ સ્‍ટુડન્‍ટ્‍સ એસોસિએશનના સેક્રેટરી તેમજ સ્‍થાપક સભ્‍ય તરીકે ચૂંટાઈ આવ્‍યા હતા. પ્રફુલ્લ નલિની બ્રહ્મા દ્વારા જ તેઓ યુગાંતર પાર્ટીમાં જોડાયા. તે ફક્‍ત નામનો પક્ષ હતો પરંતુ તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો હતો. નેતાજી સુભાષચંદ્ર બોઝના નિવેદનોએ યુવાન શાંતિ ઘોષને ક્રાંતિકારી બનવાની પ્રેરણા આપી. યુગાંતર પાર્ટીમાં જોડાયા પછી, શાંતિ ઘોષએ તલવારબાજી, લાકડી લડાઈ અને અન્‍ય શષાોની તાલીમ મેળવી હતી.

દેશ માટે સર્વસ્‍વનું બલિદાન આપનાર આ બહાદુર મહિલા પોતાના જીવનના લગભગ ૭૩ વર્ષ માતૃભૂમિની સેવામાં વિતાવ્‍યા પછી ૨૮ માર્ચ ૧૯૮૯ ના રોજ શાશ્વત નિદ્રામાં પોઢી ગયા. શાંતિ ઘોષના શૌર્યપૂર્ણ કાર્યને ભારતીય લોકો સુધી પહોંચાડવા માટે વર્ષ ૨૦૧૦ માં ‘યે મધર્સ'  નામની એક ફિલ્‍મ પણ બનાવવામાં આવી હતી. કેનેડિયન લેખિકા ગેરાલ્‍ડિન ફોર્બ્‍સે તેમના પુસ્‍તક ‘ઇન્‍ડિયન વુમન એન્‍ડ ધ ફ્રીડમ મૂવમેન્‍ટ'  માં શાંતિ ઘોષ અને સુનિતિ ચૌધરી સાથેની વાતચીતનું વર્ણન કર્યું છે અને ક્રાંતિની બંને પુત્રીઓના ફોટા સાથે ‘તમે હવે મુક્‍ત અને પ્રખ્‍યાત છો'  નામની એક કવિતા પણ પ્રકાશિત કરી છે.

જયારે ઉમાચરણ ચૌધરીની પુત્રી સુનિતિનો જન્‍મ અવિભાજિત બંગાળના કોમિલામાં થયો હતો. શહેરની ફૈજુનિસા સ્‍કૂલમાં આઠમા ધોરણની વિદ્યાર્થીની તરીકે અભ્‍યાસ ચાલુ હતો ત્‍યારે પ્રફુલ્લનાલિની બ્રહ્મા નામની એક બીજી વિદ્યાર્થીની દ્વારા સુનીતિને યુગાંતર પાર્ટીમાં ભરતી કરવામાં આવ્‍યા હતા. તેઓ ત્રિપુરા જિલ્લા છત્રી સંગઠના સભ્‍ય પણ હતા. ૬ મે ૧૯૩૧ ના દિવસે યોજાયેલ ત્રિપુરા જીલ્લા છત્રી સંગઠનના વાર્ષિક સંમેલનમાં સુનીતિ ચૌધરીની મહિલા સ્‍વયંસેવક કોર્પ્‍સના કેપ્‍ટન તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ સમય દરમિયાન તેઓ મીરા દેવીના ઉપનામથી જાણીતા હતા. તેઓની ‘શષાોના રક્ષક' તરીકે પસંદ કરવામાં આવી હતી અને તેઓએ છત્રી સંગઠનની મહિલા સભ્‍યોને લાઠી, તલવાર અને કટારોની તાલીમ આપવાની જવાબદારી સંભાળી હતી. તેમની મુક્‍તિ પછી સુનિતિ ચૌધરીએ એમ.બી.બી.એસ. નો અભ્‍યાસ કર્યો અને ડોક્‍ટર બન્‍યા હતા. ઈ.સ. ૧૯૪૭માં ચૌધરીએ ટ્રેડ યુનિયનના નેતા પ્રદ્યોતકુમાર ઘોષ સાથે લગ્ન કર્યા હતા. ૧૨ જાન્‍યુઆરી ૧૯૮૮ના દિવસે સુનિતિ ચૌધરીનું અવસાન થયું હતું. દેશની આઝાદીમાં યોગદાન આપવા બદલ આપણે ભારતીયો હંમેશા શાંતિ ઘોષ અને સુનિતી ચૌધરીનાં ઋણી રહીશું.

શાંતિ ઘોષે બંગાળી ભાષામાં પોતાની આત્‍મકથા ‘અરૂણ બાહની' લખી હતી

શાંતિ ઘોષને ૧૯૩૯માં જેલમાંથી મુક્‍ત કરવામાં આવ્‍યા હતા. તેમની મુક્‍તિ ગાંધીજી અને બ્રિટિશ સરકાર વચ્‍ચે થયેલી માફીની વાટાઘાટોનું પરિણામ હતું. જેલમાંથી મુક્‍ત થયા પછી શાંતિ ઘોષે પોતાના અસ્‍તવ્‍યસ્‍ત જીવનને ગોઠવવા માટે ફરીથી અભ્‍યાસ શરૂ કર્યો. આ સાથે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્‍ય પણ બન્‍યા. આ પછી ૧૯૪૨ માં તેણીએ ચિત્તાગોંગ (હવે બાંગ્‍લાદેશમાં) ના રહેવાસી ક્રાંતિકારી પ્રોફેસર ચિત્તરંજન દાસ સાથે લગ્ન કર્યા. દેશની આઝાદી પછી તેઓ સતત રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા. પરિણામે તેઓ અનુક્રમે ૧૯૫૨-૬૨ અને ૧૯૬૭-૬૮ સુધી બંગાળ વિધાનસભા અને વિધાનસભા પરિષદના સભ્‍ય રહ્યા. શાંતિ ઘોષે બંગાળી ભાષામાં પોતાની આત્‍મકથા ‘અરુણ બાહની'  પણ લખી હતી.

કોણ હતો મેજિસ્‍ટ્રેટ ચાર્લ્‍સ જયોફ્રી બકલેન્‍ડ સ્‍ટીવન્‍સ?

મેજિસ્‍ટ્રેટ ચાર્લ્‍સ જયોફ્રી બકલેન્‍ડ સ્‍ટીવન્‍સ એક એવો માણસ હતો જે સત્‍યાગ્રહનો નાશ કરવા માટે બધી હદો ઓળંગી શકતો હતો. તેણે બધા સત્‍યાગ્રહીઓને જેલમાં ધકેલી દીધા અને અવાજ ઉઠાવનારા દરેક અહિંસક ભારતીયને હેરાન કર્યા. આ સમય સુધીમાં બંગાળમાં સ્‍વતંત્રતા ચળવળ ખૂબ જ ગંભીર વળાંક લઈ ચૂકી હતી.

ખુલ્લેઆમ બળવો કરવાથી લઈને કુખ્‍યાત બ્રિટિશ પોલીસ અધિકારીઓની હત્‍યા કરનારની ધરપકડ કરી અને માર માર્યો, બેદરકારી, શેરીઓમાં મહિલા સત્‍યાગ્રહીઓ પર બળાત્‍કાર અને કપડાં ઉતારવા સુધીના કૃત્‍યો સ્‍ટીવન્‍સે કર્યા હતા. ફ્રીમેન થોમસ, ધ અર્લ ઓફ વિલિંગ્‍ડન તે સમયે બ્રિટિશ ભારતના ૨૨મા વાઇસરોય અને ગવર્નર-જનરલ હતા. તેમણે ભારતમાં એક વટહુકમ પસાર કર્યો જેણે ભારતીયોના નાગરિક અધિકારોને દબાવી દીધા. બ્રિટિશ જિલ્લા મેજિસ્‍ટ્રેટ અને પોલીસ અધિકારીઓએ ભારતીયોને ખાસ કરીને ધરપકડ કરાયેલા લોકોને હેરાન કર્યા અને ભારતીય મહિલાઓ પર બળાત્‍કાર ગુજાર્યો. રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવને ફાંસી આપવાના આઘાતજનક સમાચાર પછી બંગાળમાં રોષ વધ્‍યો! સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષની સાથે ઘણા યુવાન સ્‍વાતંત્ર્ય સેનાનીઓ સ્‍ટીવન્‍સ પર હુમલો કરવા તૈયાર હતા.

પહેલી ગોળી સુનિતિ ચૌધરીની બંદૂકમાંથી નીકળી હતી જેના કારણે બ્રિટિશ અધિકારીનું ઘટનાસ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. બીજા રાઉન્‍ડના શાંતિ ઘોષે ગોળીબાર કર્યો જેમાં મેજિસ્‍ટ્રેટ માટે બચવાનો કોઈ અવકાશ નહોતો.

Õþåë_Ö ÚZëí

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

[email protected]

 

(3:12 PM IST)