News of Monday, 12th May 2025
યાજ્ઞિક રોડ ઉપર ગેરકાયદે રવિવારી બજારઃ ફેરીયાઓ દ્વારા બંધ કરાયેલ રસ્તા ઉપર પણ અડીંગોઃ વેપારીઓમાં રોષ
હિરાપન્ના કોમ્પલેક્ષથી ઇમ્પીરીયલ પેલેસ સુધી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો : દબાણ હટાવ શાખામાં ફરિયાદ કરવા છતા કોઇ કાર્યવાહી ન થતા દુકાન માલીકોમાં નારાજગીઃ લાઉડ સ્પીકર વગાડતા રહેવાસીઓ પણ પરેશાન

રાજકોટ, તા. ૧રઃ શહેરના જુના વિસ્તાર ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ માર્કેટ આસપાસ ફેરિયાઓ દુકાનોની બહાર બેસી જતા હોવાની ફરિયાદો બાદ રાજકોટના હાર્દસમા યાજ્ઞિક રોડ ઉપર પણ પાથરણાવાળાના ત્રાસની રાવ ઉઠી છે.
ગઇકાલે રવિવારે યાજ્ઞિક રોડ ઉપર ગેરકાયદે રાત્રી બજાર ધમધમી ઉઠતા સાંજે ૭ થી ૧ર દરમિયાન હિરાપન્ના કોમ્પલેક્ષથી ઇમ્પીરીયલ પેલેસ હોટલ સુધીના રસ્તા ઉપર ટ્રાફિક દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત સર્વેશ્વર ચોકના વોકળાના કલસ્ટર કામ ચાલુ હોવાથી તે યાજ્ઞિક રોડનો ભાગ બંધ કરાયો હોવા છતા ફેરીયાઓ હિરાપન્ના કોમ્પલેક્ષ આગળ બેસી જતા વેપારીઓ-શોરૂમ માલીકોમાં ભારે નારાજગી પ્રવર્તી હતી. સાથે અન્ય ભાગોમાં ગ્રાહકો દુકાનમાં પ્રવેશી શકે તેટલી જગ્યા પણ ન હોવાથી રોષ ફાટી નીકળ્યો હતો.
સ્થાનીક વેપારીઓ મુજબ દબાણ હટાવ શાખામાં ફરિયાદ કરી હોવા છતા કોઇ પગલા લેવાયા ન હતા. ફેરીયાઓ મોટેથી માઇકમાં જાહેરાત કરતા હોય આસપાસના રહેણાંક વિસ્તારોના લોકો પણ પરેશાન થઇ ઉઠયા હતા.
ટુંક સમયમાં રહેણાંક વિસ્તારોના લોકો પણ પરેશાન થઇ ઉઠયા હતા. ટુંક સમયમાં વેપારીઓની મીટીંગ કરી મ્યુ. કમિશનરને આવેદન પાઠવવા અને આ ત્રાસમાંથી મુકત કરાવવા રજુઆતનો તખ્તો ગોઠવવામાં આવનાર છે.(૬.૧૯)
(3:25 PM IST)










