<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ગયા વર્ષે ઝડપાયેલા સવા બે કરોડના દારૂ-બીયરની ૧ લાખથી વધુ બોટલો ઉપર રોડરોલર ફેરવી દેવાયું

સૌથી વધુ દારૂ ક્રાઇમ બ્રાંચે ૧ કરોડ ૩૭ લાખથી વધુનો પકડયો હતો

રાજકોટ તા. ૮: રાજ્‍ય સરકારના ગૃહ વિભાગના ઠરાવ અનુસંધાને રાજકોટ શહેર વિસ્‍તારના જુદા જુદા પોલીસ સ્‍ટેશનોના વિસ્‍તારમાંથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના મોટા જથ્‍થાનો આજે સવારે રાજકોટની ભાગોળે સોખડા ડમ્‍પ યાર્ડ ખાતે ઉચ્‍ચ અધિકારીઓની હાજરીમાં વિધીવત રીતે નાશ કરવામાં આવ્‍યો હતો.

આ કામગીરી માટે ખાસ સમિતીની રચના કરવામાં આવતી હોય છે. જેના અધ્‍યક્ષ સભ્‍યો અને સભ્‍ય સચિવની હાજરીમાં સાત હનુમાન મંદિર પાછળ નાકરાવાડી ખાતે આ જથ્‍થાનો નાશ કરવામાં આવ્‍યો હતો. શહેરના ઝોન-૧ વિસ્‍તારમાં ૯૫ કેસમાં ઝડપાયેલી દારૂ-બીયરની ૮૦૩૪ બોટલો જેની કિમત ૨૧,૦૯,૧૬૦ આંકવામાં આવી હતી. જ્‍યારે ઝોન-૨માં જુદા જુદા ૭૦ કેસમાં ઝડપાયેલી ૧૦૨૪૮ બોટલની કિંમત રૂા. ૫૬,૦૦,૯૬૦ તથા રાજકોટ ક્રાઇમ બ્રાંચે ૨૦ કેસમાં ઝડપી લીધેલી ૯૧૦૩૨ બોટલો જેની કિમત ૧,૩૭,૬૨,૦૭૬ આંકવામાં આવી હતી.

આ તમામ જથ્‍થો કુલ ૨,૧૪,૭૨,૧૯૬ની કિંમતનો દારૂ-બીયરના જથ્‍થાનો સવારે સાત વાગ્‍યે નાશ કરવામાં આવ્‍યો હતો. ઉલ્લેખનિય છે કે કુલ કિમતની મહત્તમ કિંમતનો દારૂ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. ઉચ્‍ચ અધિકારીઓએ પીઆઇ એમ.આર. ગોંડલીયા અને ટીમની પીઠ થાબડી હતી. આ દારૂ-બીયરના જથ્‍થા-બોટલો-ટીન પર રોડરોલર ફેરવી દેવાયુ હતું.

(3:36 PM IST)