News of Monday, 12th May 2025
જિલ્લા પંચાયતમાં આવતા પખવાડિએ વિવિધ સમિતિઓની બેઠકોઃ જુન પ્રારંભે સામાન્ય સભા

રાજકોટ, તા. ૧રઃ જિલ્લા પંચાયતમાં વધુ એક વખત ચુંટાયેલી પાંખને લાગુ પડતી બેઠકોનો દોર આવી રહયો છે. સામાન્ય ચુંટણી આડે હવે ૮ મહિના બાકી રહયા છે ત્યારે શાસક પાંખ લોકોને ઉડીને આંખે વળગે તેવા કાર્યો કરવા માંગે છે. ચોમાસુ પણ એકદમ નજીક છે. પંચાયતની વિવિધ સમિતિઓની બેઠક તા. ર૦ થી ૩૧ મે વચ્ચે યોજવાનું શાસક પાંખે પ્રાથમિક રીતે નકકી કર્યુ છે. પ્રશ્નોતરી સાથેની સામાન્ય સભા જુનના પ્રારંભે મળે તેવા સંજોગો છે. ચુંટણીની આચારસંહિતા પહેલા હવે બે થી ત્રણ સામાન્ય સભા મળશે સામાન્ય સભા સામાન્ય રીતે દર ૩ મહિને મળે છે. છેલ્લી સામાન્ય સભા માર્ચમાં બજેટ માટે મળી હતી.
જિલ્લા પંચાયતમાં કારોબારી, આરોગ્ય, સિંચાઇ, મહિલા બાળ કલ્યાણ, બાંધકામ વગેરે સમિતિઓ કાર્યરત છે. પહેલા અન્ય સમિતિઓની બેઠક મળે પછી કારોબારી સમિતિ અને ત્યારબાદ સામાન્ય સભા મળે તેવી પ્રણાલિકા છે. સામાન્ય સભામાં વિકાસકાર્યોની ચર્ચા થશે ઉપરાંત ચોમાસાને અનુલક્ષીને સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવાના આયોજનનો મુદો આવરી લેવામાં આવશે. પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવીણાબેન રંગાણી જુનના પહેલા કે બીજા અઠવાડિયામાં સામાન્ય સભા બોલાવે તેવી શકયતા છે.
(4:13 PM IST)










