<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

રાજકોટ યાર્ડમાં કમિશન એજન્‍ટોની હડતાલ સમેટાઇ

યાર્ડના ચેરમેન સાથે કમિશન એજન્‍ટ એસોસીએશનની મીટીંગમાં ૭માં દિવસે : સુખદ સમાધાન : છેતરપીંડી કરનાર પેઢી દ્વારા બાકી પેમેન્‍ટ ચુકવવા ખાત્રી અપાઇ આવતીકાલે પડતર માલની હરરાજી કરાશે : વિવિધ જણસીઓની આવક માટે યાર્ડ દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરાશે

 રાજકોટ, તા., ૧૨: રાજકોટ માર્કેટ યાર્ડમાં કમીશન એજન્‍ટોની હડતાલના સાતમાં  દિવસે  સુખદ સમાધાન થયું છે. છેતરપીંડી કરનાર પેઢી દ્વારા બાકી પેમેન્‍ટ ચુકવવાની ખાત્રી અપાતા યાર્ડના ચેરમેનની હાજરીમાં કમિશન એજન્‍ટ એસોસીએશનની મળેલ મીટીંગ માં હડતાલ સમેટવાનું નક્કી કરાયું હતું. આવતીકાલથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ થઇ જશે.

મળતી વિગતો મુજબ રાજકોટ યાર્ડમાં આવેલ જે.કે.ટ્રેડીંગ કાૂં. નામની પેઢી દ્વારા યાર્ડના ૧૦૦ થી ૧રપ કમીશન એજન્‍ટોને બાકી રહેતા ૧૭ કરોડ ન ચુકવાતા આ બાકી પેમેન્‍ટ  કમીશન એજન્‍ટોને ન ચુકવાઇ ત્‍યાં સુધી  કમીશન એજન્‍ટ એસોસીએશન દ્વારા અચોક્કસ મુદત સુધી રાજકોટ યાર્ડ બંધનું એલાન આપ્‍યું હતું.  અને આ અંગે કુવાડવા પોલીસ મથકમાં છેતરપીંડી કરનાર પેઢીના સંચાલકો સામે પોલીસમાં ફરીયાદ પણ થઇ હતી.

દરમિયાન આજે કમિશન એજન્‍ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણી તથા યાર્ડના ચેરમેન જયેશ બોઘરાની ઉપસ્‍થિતિમાં યાર્ડના કમિશન એજન્‍ટોની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં છેતરપીંડી કરનાર પેઢી દ્વારા કમિશન એજન્‍ટોને બાકી નાણા ચુકવવાની ખાત્રી મળતા હડતાલ સમેટવાનો નિર્ણય કરાયો હતો. આ અંગે કમીશન એજન્‍ટ એસોસીએશને યાર્ડના સતાધીશોને લેખીત જાણ કરી આવતીકાલથી યાર્ડ ચાલુ કરવા જણાવ્‍યું હતું.

માર્કેટ યાર્ડ દ્વારા પણ આવતીકાલથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેનાર હોવાની જાહેરાત કરાઇ છે. આવતીકાલે પડતર માલની હરરાજી કરવામાં આવશે. આવકનો મેસેજ  તથા જાહેરાત મુજબ આવક  કરવા દેવામાં આવશે. યાર્ડ દ્વારા આવકની જાહેરાત ન થાય ત્‍યાં સુધી તમામ જણસીની આવક બંધ કરવામાં આવેલ છે. તેમ યાર્ડની યાદીમાં જણાવાયું છે.

(4:10 PM IST)