News of Thursday, 15th May 2025
ટપુ ભવાન પ્લોટના રેલ્વે કર્મચારી જીતેન્દ્રભાઇ મોરબીયાનું શાપર પાસે વાહન અકસ્માતમાં મોત
કેરીની પેટી લઇને આવતી વખતે રેપ્યુટ ગેઇટ પાસે બનાવઃ સારવારમાં દમ તોડયોઃ કોઠારીયા ગેઇટમેન તરીકે ફરજ બજાવતાં હતાં

રાજકોટ તા. ૧૫: શહેરમાં પીડીએમ કોલેજ પાછળ ટપુ ભવાન પ્લોટ-૧ સ્વામિનારાયણ ચોકમાં રહેતાં રેલ્વે કર્મચારી જીતેન્દ્રભાઇ રામજીભાઇ મોરબીયા (ઉ.વ.૪૪) શાપરના રેપ્યુટ ગેઇટ પાસે રાતે બેભાન ઇજાગ્રસ્ત મળતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવ વાહન અકસ્માતનો છે કે હાર્ટએટેક આવતાં તેઓ ઢળી પડયા? તે અંગે શાપર પોલીસ તપાસ કરે છે.
જાણવા મળ્યા મુજબ જીતેન્દ્રભાઇ મોરબીયા રાતે પોણા અગિયારેક વાગ્યે શાપરના રેપ્યુટ ગેઇટ પાસેથી બેભાન જેવી હાલતમાં મળતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મોડી રાતે મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, તોૈફિકભાઇ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી. સગાના કહેવા મુજબ જીતેન્દ્રભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને રાજકોટ કોઠારીયા રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વેના ગેઇટમેન તરીકે નોકરી કરતાં હતાં. રાતે નોકરી પુરી કર્યા બાદ કદાચ તે શાપર કેરી લેવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે બનાવ બન્યો હતો. બનાવ વખતે તેમના વાહન પાસેથી કેરીની પેટી મળી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. શાપર પોલીસે ઘટના ખરેખર શું બની? તેની તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(1:20 PM IST)










