News of Thursday, 15th May 2025
રાજકોટની છઠ્ઠા ધોરણની છાત્રા ભારતી વિરડાનું અમરાપરમાં વિજકરંટથી મોત
વેકેશન હોઇ મવડી સ્વામિનારાયણ પાર્કની બાળા માતા સાથે વતન ગઇ હતીઃ પંખો ચાલુ કરવા જતાં બનાવઃ રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૫: મવડી ગુરૂકુળ નજીક સ્વામિનારાયણ પાર્ક-૩માં રહેતાં પરિવારની ૧૧ વર્ષની દિકરીનું જામનગરના અમરાપર ગામે પંખો ચાલુ કરવા જતાં વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ સ્વામિનારાયણ પાર્ક-૩માં રહેતાં અશોકભાઇ તેજાભાઇ વિરડાના પત્નિ જયશ્રીબેન દિકરી ભારતી (ઉ.વ.૧૧)ને લઇને હાલ વેકેશન હોવાથી મુળ વતન જામનગરના અમરાપર ગામના મકાને રોકાવા માટે ગયા હતાં. જ્યાં ગઇકાલે સવારે ભારતી પંખો ચાલુ કરવા પીન ભરાવવા જતાં વિજકરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડી હતી.
તેણીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. બનાવ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ભારતી એક ભાઇથી નાની હતી અને રાજકોટ ક્રિષ્ના સ્કૂલમાં ભણતી હતી. તેણે આ વર્ષે ધોરણ-૫મું પાસ કર્યુ હતું અને છઠ્ઠામાં આવી હતી. તેના પિતા અશોકભાઇ ડમ્પર, ગાડીનો ધંધો કરે છે. બનાવ વખતે તે બહારગામ હોઇ જાણ કરવામાં આવતાં રાજકોટ આવવા રવાના થયા હતા. લાડકવાયી દિકરીના મોતથી વિરડા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(1:42 PM IST)










