News of Thursday, 15th May 2025
યુવતિ અને ટોળકીએ બ્લેકમેઇલ કરતાં માયાણીનગરના હેર સલૂન સંચાલક કિશોરભાઇએ રેસકોર્ષમાં ઝેર પીધું
પોતાના પાર્લરમાં કામ કરતી વંદના સાથે મૈત્રીકરાર કર્યા હતાં: વંદના પહેલા સંબંધ બનાવે પછી પૈસા પડાવે...વંદના, અમિત, કિરણે મળી ૮ લાખ ૩૫ હજાર પડાવ્યાનો ચિઠ્ઠીમાં આક્ષેપઃ યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૫: માયાણીનગર ક્વાર્ટર ખીજડાવાળા રોડ પર રહેતાં અને જીવરાજ પાર્ક પાસે હેર સલૂન ચલાવતાં કિશોરભાઇ કાંતિભાઇ હિરાણી (ઉ.વ.૪૦) નામના યુવાને રેસકોર્ષ ગ્રાઉન્ડમાં માંકડ મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તેણે ઝેર પીધુ એ પુર્વે એક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં બે યુવતિ સહિત ત્રણ જણા બ્લેકમેઇલ કરતાં હોઇ ધમકી આપતાં હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનો ઉલ્લેખ હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
કિશોરભાઇએ રેસકોર્ષ મેદાનમાં ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં પ્ર.નગરના પીએસઆઇ કે. કે. ચાવડાએ કાર્યવાહી કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ કિશોરભાઇ ચાર બહેનના એકના એક ભાઇ છે. તેણે વંદના નામની યુવતિ સાથે છએક મહિના પહેલા મૈત્રીકરાર કર્યા હતાં. તેણીએ લાખો રૂપિયા કિશોરભાઇ પાસેથી પડાવી લીધા છે, તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.
દરમિયાન કિશોરભાઇ પાસેથી એક ચિઠ્ઠી મળી છે તેમાં લખ્યું છે કે-હું આ બધાની ધમકીથી દવા પીવ છું, આ લોકોને સજા આપજો, મને બહુ હેરાન કરે છે. આમાં મેઇન વંદના, અમિત અને કિરણ છે. આ ત્રણેય બધા સાથે આવુ કરીને રૂપિયા બનાવે છે. ચિઠ્ઠીમાં આગળ લખ્યું છે કે વંદના, અમિત અને કિરણ ત્રણેયએ મને ધમકી આપી પૈસા લીધા છે. વંદના મારા પાર્લરમાં કામ કરતી હતી. વંદનાના કહેવાથી અમિત દુકાને આવીને ધાકધમકી આપી પૈસાની માંગણી કરતો હતો. મારી પાસેથી ૮ લાખ ૩૫ હજાર લઇ ગયેલ છે. મને બ્લેકમેઇલ કરે છે.
વંદના અને અમિતના કહેવાથી મારી દુકાનમાં ચોરી કરાવાઇ હતી તેનો મારી પાસે વિડીયો છે. અમિત મારી પાસેથી થોડા થોડા પૈસા લઇ જતો હતો. અમિત મારી ઘરે આવીને પણ માથાકુટ કરતો હતો. વંદના પહેલા સંબંધ બનાવે પછી તેની પાસે પૈસા માંગે. અમિત ધાકધમકી આપે. મારા પાર્લરમાં વંદના કામ કરતી હતી, મને ત્યાં મારકુટ પણ કરી હતી. ચિઠ્ઠીમાં અમિત, કિરણ, વંદના, હિરેન, મયુરીના નામ અને મોબાઇલ નંબર પણ લખેલા છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. (૧૪.૧૧)
(4:36 PM IST)










