News of Thursday, 15th May 2025
જાતિના-નોનક્રિમીલેંયર દાખલામાં સમાજ કલ્યાણ અને મામલતદાર કચેરીઓ દ્વારા અલગ નિયમોઃ અરજદારો ‘બીસચારા' બની ગયા છે!!
શહેર કોંગ્રેસની કલેકટર-સમાજ કલ્યાણ અધીકારીને વેધક રજૂઆતઃ સંકલન તો સાધો : અરજદારોને કલાકો રઝળાવાય છેઃ દાદા-કાકાનું સ્કૂલ છોડવાનું પ્રમાણપત્ર કયાંથી લાવવું?

રાજકોટ, તા.૧૫: શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અતુલ રાજાણી તથા શભ્યોએ જીલ્લા કલેકટર અને સમાજ કલ્યાણ અધીકારીને આવેદન પત્ર પાઠવી નોન ક્રિમીલેયર દાખલાઓ માટે પડતી મુશ્કેલી તાત્કાલિક દૂર કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકાર હેઠળની નોકરીઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ વખતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર તરીકે અનામતો લાભ મેળવવા માટે હાલ રાજકોટમાં બહુમાળી ભવન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થી અને વાલીઓને ત્રણ-ચાર દિવસ થતા હોય ત્યારે દિવસ ૧ માં પ્રમાણપત્ર આપી દેવામાં આવે એ પ્રકારના પ્રયત્નો કરવા અમારી માંગ છે.
બહુમાળી ભવન ખાતે પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓ/અરજદારો સરળતાથી નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર સમયસર પ્રમાણપત્ર આપી શકાય તે માટે કરેલ સક્ષમ અધિકારીને રાજકોટ શહેરના વિસ્તારના મુજબ મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ), મામલતદાર, રાજકોટ શહેર (પશ્ચિમ) મામલતદાર શહેર (દક્ષીણ) પ્રમાણપત્ર આપવાની કામગીરીની વહેંચણીનો હુકમ કરવામાં તાત્કાલિક આવે અને બહુમાળી ભવન ખાતે અને મામલતદાર કચેરી ખાતે કઈ કઈ જગ્યાએ નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર મળી રહ્યા છે તેના બોર્ડ લગાવવા માં આવે.
કોંગ્રેસ કાર્યાલય ખાતેથી મુલાકાત લેતા અરજદારો તરફથી જાણવા મળ્યું કે ફોર્મ સબમિટ કરાવેલ હોય તેવા વિદ્યાર્થી/અરજદારોને પ્રમાણપત્ર મેળવવા માટે બપોરે ચાર વાગ્યા પછી જ આપવામાં આવે છે તો સવારના આવેલા વિદ્યાર્થીઓ કે અરજદારોને ચાર વાગ્યા સુધી રાહ ન જોવી પડે તેના માટે ઓફિસ સમય દરમિયાન ગમે ત્યારે પ્રમાણપત્ર આપી દેવા એ બાબતનો પ્રબંધ કરવા વિનંતી.
અરજદારો તરફથી મળેલી વિગતો મુજબ મામલતદાર કચેરી એક બે સાક્ષી માગે છે તલાટીની સહી પણ માગે છે એટલે સમાજ કલ્યાણ અધિકારી તરફથી નિયમો અલગ અને મામલતદાર કચેરીના નિયમો વિરોધાભાસ હોવાનું જણાય છે. દાદાનુ, કાકાનું સ્કુલ છોડયાનું પ્રમાણપત્ર માગવામાં આવે છે. વર્ષો પહેલાનુ આ પ્રકારના પ્રમાણપત્ર માંગતા અરજદારોને હેરાનગતિ થાય છે. સરકારનું કોઈ પ્રી પ્લાનિંગ ન હોય અને દર વર્ષે આ રીતે વિદ્યાર્થીઓને અરજદારોને અંધાધુંધી થાય છે અને પારાવાર હેરાનગતિ ભોગવવી પડે છે.
(3:56 PM IST)










