News of Thursday, 15th May 2025
ટેનામેન્ટ માફક હાઇરાઇઝ બિલ્ડીંગ ધારકોને બીજુ નળ કનેકશન આપવા વિચારણા
સંપ કનેકશન દ્વારા અઢી અને ૩ ની લાઇનમાંથી પાણી આપવામાં આવતા ઓછુ પાણી મળવાની ફરિયાદઃ વધુ પાણી માટે પોલીસી તૈયાર કરવા મનપા તંત્ર સજ્જ

રાજકોટ, તા. ૧૫: મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદાજી ૫.૩૦ લાખ મિલ્કતોમાં દરરોજ ૨૦ મીનીટ પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટેનામેન્ટને અડધાની લાઈનનું કનેક્શન આપવાનો નિયમ છે તેવી જ રીતે ટેનામેન્ટમાં મોટો પરિવાર હોય તો ડબલ કનેક્શન મળવા પાત્ર છે. પરંતુ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં કે એક બિલ્ડીંગમાં ૪૦ ફલેટ હોય તો તેઓને ૪૦ ટેનામેન્ટ મુજબનું કનેક્શન આપવાના બદલે સંપ કનેક્શન મારફત ઓછુ પાણી આપવામાં આવી રહ્યું છે. જેની સામે પાણી વેરો વધારે વસુલવામાં આવે છે. જેનો ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વોટરવર્કસ વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ જ્યારે હવે હાઈરાઈઝ બિલ્ડીંગોને જરૂરિયાત મુંજબ વધારાનું પાણી મળી શકશે અને તે મુજબનું નવુ કનેક્શન આપવામાં આવશે. પરંતુ આ કનેક્શન માટે પાણી વેરો પણ વધારે ચુકવવો પડશે તેવી વિચારણા ચાલી રહી છે.
શહેરમાં ટેનામેન્ટની સામે હાઈરાઇઝ બિલ્ડીંગોમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ આ બિલ્ડીંગોમાં પીવાના પાણીની સમસ્યાનો અંત આજ સુધી આવ્યો નથી. વર્ષો પહેલા બિલ્ડીંગો ન હતી ત્યારે ટેનામેન્ટને અડધાની લાઈનનું નળ કનેક્શન આપવાનો નિયમ અમલમાં મુકયો હતો. જે આજ સુધી ચાલુ છે. આથી હાઈરાઈઝ બિલ્ડીંગોમાં વસવાટ કરતા લોકો દ્વારા ઓછુ પાણી મળવાથી દર વર્ષે ઉનાળા દરમિયાન વેચાતુ પાણી લેવાની ફરજ પડી રહી છે. બિલ્ડીંગ એસોસીએશન દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી રહી છે. જે અંગે તંત્ર દ્વારા ફરી વખત વિચારણા હાથ ધવામાં આવી છે.
બિલ્ડર એસોસીએશનના જણાવ્યા મુજબ એક સોસાયટીમાં ૪૦ ટેનામેન્ટ હોય અને તમામને અડધાની લાઈનનુ કનેક્શન અપાય છે તો એક વીંગમાં ૪૦ ફલેટ હોય તેને સંપ કનેક્શનની વ્યાખ્યામાં ૨૦ની લાઈનનું કનેક્શન મળવું જોઈએ તેની સામે ફક્ત અઢી અને ૩ની લાઈન માંથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેના લીધે ટેનામેન્ટ કરતા એપાર્ટમેન્ટના લોકોને અંદાજે ૬૦ ટકા ઓછુ પાણી મળી રહ્યું છે. છતાં તંત્ર પાણીવેરો પુરેપુરો ઉઘરાવે છે. આ અન્યાય વર્ષોથી ચાલ્યો આવતો હોય હવે ટેનામેન્ટની સંખ્યા વધવા લાગતા વિરોધ પણ વધવા લાગ્યો છે. આથી તંત્ર દ્વારા હવે એપાર્ટમેન્ટના ફલેટ ધારકોની જરૂરિયાત મુજબ હાલમાં અપાયેલ સંપ કનેક્શનમાં વધારો થઈ શકે તેવો નિયમ અમલમાં મુકવાની તૈયારીઓ આરંભી છે. જેની ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને એસોસીએશન દ્વારા અરજી કર્યા બાદ સ્થળ તપાસના અંતે વધારાનું નળ કનેક્શન મળશે તેમ જાણવા મળેલ છે
(4:30 PM IST)










