<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

બેડી યાર્ડમાં તલના વેપારીનો ઝેર પી આપઘાત

ધંધામાં મંદી અને આર્થિક ભીંસને કારણે કંટાળીને શશીકાંતભાઇ ચંદારાણાએ ઝેર પી લીધું: સારવારમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટી : મુળ કુવાડવા રફાળાના વેપારી અગાઉ નીકાવા, હળવદમાં કરીયાણાનો વેપાર કરતાં ત્‍યારે દેણામાં આવી ગયા હતાં: સત્તર મહિનાથી રાજકોટ રહી યાર્ડમાં તલનો વેપાર શરૂ કર્યો હતો

રાજકોટ તા. ૧૬: આર્થિક ભીંસ અને ધંધાકીય મંદીને કારણે આપઘાતનો વધુ એક બનાવ બન્‍યો છે. શહેરના મોરબી રોડ પર રહેતાં અને બેડી યાર્ડમાં તલનો વેપાર કરતાં વેપારીએ યાર્ડમાં આવેલી પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. મુળ કુવાડવા રફાળાના વતની આ વેપારી હાલ રાજકોટ રહેતાં હતાં.

જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડ પર ઓમ પાર્ક-૨માં રહેતાં શશિકાંતભાઇ શિવલાલભાઇ ચંદારાણા (ઉ.વ.૫૫) નામના વેપારીએ ગઇકાલે બેડી માર્કેટ યાર્ડમાં પોતાની પેઢી ઓફિસ નં. બી-૭૯માં હતાં ત્‍યારે ઝેરી દવા પી લેતાં ગોકુલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. શશીકાંતભાઇ પેઢી ખાતે હતાં ત્‍યારે પુત્ર નિશાંતભાઇ પણ ત્‍યાં જ હતાં. તેઓ થોડીવારમાં કામ પતાવીને આવે છે તેમ કહીને ગયા બાદ વેપારીએ ઝેરી પદાર્થ પી લીધો હતો. મોડી રાતે સારવારમાં દમ તોડી દેતાં હોસ્‍પિટલ મારફત જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. પ્રશાંતભાઇએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પુત્ર નિશાંતભાઇએ જણાવ્‍યું હતું કે મારા પિતા શશીકાંતભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. અમે બે ભાઇ બહેન છીએ. અમે મુળ કુવાડવાના રફાળાના વતની છીએ. સૌ પહેલા મારા પિતા કાલાવડના નિકાવામાં કરીયાણાનો વેપાર કરતાં હતાં. જ્‍યાં સત્તર વર્ષ વેપાર કર્યો હતો. બાદમાં આઠ વર્ષ સુધી હળવદમાં પણ કરિયાણાનો વેપાર કર્યો હતો. હળવદમાં વેપાર વખતે તેઓ દેણામાં આવી ગયા હતાં. એ પછી સત્તરેક મહિનાથી રાજકોટ ભાડેથી રહેવા આવ્‍યા હતાં. અહિ બેડી યાર્ડમાં તલનો વેપાર ચાલુ કર્યો હતો. છએક મહિનાથી તેઓ ધંધાકીય મંદી અને આર્થિક ભીંસને કારણે ખુબ કંટાળી ગયા હોવાથી આ પગલુ ભરી લીધુ હતું. બનાવથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:58 PM IST)