News of Friday, 16th May 2025
રાજકોટની ૧૭ વર્ષની દીકરીનું હિમાચલના મનાલી ખાતે અકસ્માતમાં બ્રેઈનડેડ થતાં કરૂણ મૃત્યુ

મનાલી (હિમાચલ) તા.૧૬: પરમ દિવસે હિમાચલના પર્યટન સ્થળ મનાલી ખાતે રાજકોટની ૧૭ વર્ષની મૈત્રીનું બાઈક સ્લીપ થતાં મગજમાં ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં ડોકટરોએ બ્રેઈનડેડ જાહેર કરેલ. યુવતીના પિતા રાજકોટના (મુળ જામકંડોરણાના) કલ્પેશભાઈ બાલધાએ અકિલાને જણાવેલ કે મૈત્રી ધોળકીયા સ્કુલમાં ૧૨માં ધોરણની એક્ઝામ આપી હતી અને ૯૦% ઉપર તેને માર્ક આવ્યા હતા. મૈત્રીએ પરિવાર સાથે જો સારા માર્ક આવે તો ટ્રેકીંગ કેમ્પમાં જવા દેવાની પરિવાર સાથે બાંધણી કરી હતી તે મુજબ પરિવારે સારા માર્ક આવતા મૈત્રીને ટ્રેકીંગમાં જવા દીધેલ. રાજકોટની ખાનગી ટ્રેકીંગ કંપની તેમની સાથે સંખ્યાબંધ યુવક - યુવતીઓને લઈને મનાલી આવી હતી. સાંજેકના ટ્રેકરોને બજારમાં ખરીદી માટે જવા બે કલાકની છુટ્ટી આપવામાં આવેલ ત્યારે મૈત્રી બાઈક ઉપર જવા નીકળી હતી અને રસ્તામાં બાઈક સ્લીપ થતાં તે ફંગોળાઈ ગયેલ અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. મૈત્રીના પિતા લેઉવા પટેલ પરિવારના કલ્પેશભાઈએ અકિલાને વિશેષમાં કહેલ કે, ટ્રેકીંગમાં લઈ જનાર આયોજકો ફરકયા જ ન હતા અને દિલ્હી ચાલ્યા ગયા હતા. મોટાભાગે આયોજકો પાસે ટ્રેકીંગનું લાયસન્સ પણ ન હતું. જો કે એમનો સ્ટાફ સતત હાજર રહ્યો હતો. કુલુ મનાલી ખાતે જાણીતા ટુરીસ્ટ અને પ્રવાસ આયોજક શ્રી યોગેશકુમાર જોશી તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામ બંદોબસ્ત કરવામાં બાલધા પરિવારની બાજુમાં ખડેપગે રહ્યા હતા તેમ કલ્પેશભાઈએ જણાવેલ. આજે દીકરીના પાર્થિવ શરીરને લઈને તેઓ રાજકોટ મોડી સાંજે પહોંચશે તેમ જાણવા મળે છે. કલ્પેશભાઈ બાલધા બાંધકામ અને કન્સ્ટ્રકશનનું કાર્ય કરે છે. તેઓ આલાપ એવન્યુમાં રહે છે. તેમનો પરિવાર અને સ્વજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. કલ્પેશભાઈને બે દીકરીઓ છે તેમાં મૈત્રી સૌથી મોટી હતી. ૐ શાંતિ.... શાંતિ.... શાંતિ....
(2:07 PM IST)










