News of Friday, 16th May 2025
તુર્કી અને અઝરબૈજાન દેશોના પ્રવાસનો બહિષ્કાર કરવા વકીલોને બાર કાઉ.નું સુચન
યુધ્ધની સ્થિતિમાં આ બંને દેશોએ પાકિસ્તાનને સપોર્ટ કરતાં બાર કાઉ. ઓફ ગુજરાતનો નિર્ણય

રાજકોટ, તા. ૧૬: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે. પટેલે સમગ્ર ગુજરાતના વકીલ આલમને વિનંતી કરતા જણાવ્યું છે કે તુર્કી અને અઝરબૈજાન દેશોએ યુધ્ધની સ્થિતિમાં પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો.
આ બન્ને દેશોમાં ગુજરાતના વકીલોએ પ્રવાસ નહીં કરીને આર્થિક રીતે પાયમાલ કરીને આ બન્ને દેશોનો બહિષ્કાર કરવો જોઈએ. દુનિયામાં એવા અનેક દેશો છે જેમાં તુર્કી અને અઝરબૈજાન કરતા વધુ સુંદર અને આકર્ષક પ્રવાસના સ્થળો છે. શ્રી જે.જે. પટેલે વધુમાં જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતના વકીલ આલમે તુર્કી અને અઝરબૈજાન માં પ્રવાસ ટાળીને આ બન્ને દેશોનો સખત બહિષ્કાર કરવો જોઈએ.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે. પટેલે સમગ્ર રાજ્યમાં સામાજિક સ્તરે કામ કરતા સંગઠનો અને અન્ય તમામ સામાજિક અને વ્યવસાયિક સંગઠનોને વિનંતી કરી છે કે જે રીતે સમગ્ર ગુજરાતના વકીલો તુર્કી અને અઝરબૈજાન બન્ને દેશોના પ્રવાસનો બહિષ્કાર કરશે તે જ રીતે આપે આપના સંગઠન દ્વારા તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ નહીં કરી સમગ્ર ગુજરાતમાં મોટા પાયે અભિયાન ચલાવવું જોઈએ.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે. પટેલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનશ્રીને તેમજ દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેનશ્રીઓને પત્ર પાઠવીને વિનંતી કરી છે કે સમગ્ર દેશના વકીલોએ તુર્કી અને અઝરબૈજાન નો પ્રવાસ નહીં કરવા સમગ્ર દેશમાં મોટા પાયે અભિયાન ચલાવવું જોઈએ. તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.
(3:00 PM IST)










