તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Friday, 16th May 2025
વોર્ડ નં.૭ના કોર્પોરેટરો શું કરે છે ? જાગનાથ-ન્યુ જાગનાથના ગારાકિચડ દૂર કરવા મોરમ તો પથરાવો
પાણીની પાઈપલાઈન નાખ્યા પછી તરત જ ડામરકામ થવું જોઈએ તેને : બદલે તમામ શેરીઓને રામભરોસે છોડી દેવાતા લોકોમાં ઉગ્ર રોષ ખુદ કોર્પોરેટરની શેરી જ ગંદી ગોબરીઃ રહીશો-વાહન ચાલકોને ભારે મુશ્કેલીઃ અધુરામાં પુરુ ટ્રાફીક જામઃ લોકોની પિડા સમજવી જરૂરી

રાજકોટ,તા.૧૬: રાજકોટ સ્માર્ટ સીટી કહેવાય છે અને ત્યાં સ્માર્ટ વર્ક થવું જોઈએ તેના બદલે કદરૂપુ કામ થઈ રહ્યું હોવાનું વોર્ડ નં.૭માં આવેલ જાગનાથ અને ન્યુ જાગનાથમાં રહેતા લોકો અનુભવી રહ્યાં છે. મ્યુ.કોર્પો.દ્વારા પાણીની નવી લાઈન નાખવા માટે વિવિધ શેરીઓ ખોદી કાઢવામાં આવી છે પરંતુ તે પછી તરત જ ડામર કામ થવું જોઈએ તે નથી થયુ અને તેના કારણે તમામ શેરીઓમાં ગારા કિચડનું સામ્રાજય સર્જાયું હોવાનું ચિત્ર ઉપસી રહયું છે. લોકોની માંગણી છે કે આ વિસ્તારના કોર્પોરેટરોએ ઘોર નિંદ્રામાંથી જાગી આ વિસ્તારમાં હાલ પ્રવર્તતી નર્કાગારની સ્થિતિમાંથી બહાર કાઢવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. આ વિસ્તારમાં રહેતાં લોકોએ ફરિયાદ કરી છે કે છેલ્લાં બે મહીનાથી રાજકોટના પોપ વિસ્તારમાં આવેલ જાગનાથ અને ન્યુ જાગનાથની તમામ શેરીઓમાં પાણીની નવી પાઈપલાઈન નાખવાનું કાર્ય થયું છે. આ કાર્ય સારું છે પરંતુ તે પછી સતાધિશો દ્વારા જે પછીની કાર્યવાહી થવી જોઈએ તે હજુ સુધી નહી થતાં અને વરસાદ પડી જતાં તમામ શેરીઓમાં ચાલવાની માત્ર વચ્ચે ચાર કે પાંચ ફુટ જગ્યા જ વધી છે અધુરામાં પુરું યાજ્ઞીક રોડ બંધ હોવાથી વિવિધ શેરીઓમાં વાહનોની અવર જવર વધી છે આ સંજોગોમાં ત્રાસદાયક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોની માંગણી છે કે આ બન્ને વિસ્તારોમાં મહાપાલિકાએ ત્વરીત મોરમ પાથરી કાદવ કિચડ અને ગંદગી દૂર કરવી જોઈએ નહીતર મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ થઈ શકે છે. આ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે આ વિસ્તારના કોર્પોરેટર રહે છે તે શેરી જ ખાડાઓથી ભરેલી છે અને કાદવ કિચડ જણાય રહ્યાં છે. કોર્પોરેટરની શેરીમાં જ ગંદગી પણ જોવા મળે છે. આમ છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી કે જે લોકો બહારથી કચરા ફેંકી જાય છે તે લોકોને બંધ કરી દેવાતા નથી. કોર્પોરેટરે અંગત રસ લઈ આ વિસ્તારની શેરીઓને ચોખ્ખી ચણાક બનાવવી જોઈએ તેવી લોકોની માંગણી છે. ડામરકામ તો જયારે થવાનું હશે ત્યારે થશે પરંતુ હાલ મોરમ પાથરી શેરીને સમથળ કરી શકાય તેમ છે.
(3:15 PM IST)










