News of Friday, 16th May 2025
રાજકોટ-સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તંગી નહીં પડેઃ કુંવરજીભાઇ બાવળીયા
ગુજરાત રાજયના પાણી-પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી ‘‘અકિલા''ની શુભેચ્છા મુલાકાતે કુદરતી સૌંદર્ય ધરાવતા આજી-ર અને ન્યારી ડેમની લાંબા સમયથી મરામત થઇ ન હોવાથી અધિકારીઓને સાથે રાખીને નિરીક્ષણ કરીને સુચના અપાઇ

‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની પાણી પુરવઠા રાજયમંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી તે નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ૧૬: ‘‘અકિલા'' કાર્યાલય ખાતે ‘‘અકિલા''નાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાતે ગુજરાત રાજયના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા આજે આવ્યા હતા.
રાજયનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ‘‘અકિલા'' પરીવારના મોભી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં કયાંય પીવાના પાણીની મુશ્કેલી રાજય સરકાર નહીં પડવા દે, રાજકોટમાં આગામી આઠ દિવસમાંજ આજી અને ન્યારી ડેમમાં રાજય સરકાર દ્વારા પાણી છોડવામાં આવશે તેમણે રાશનકાર્ડ ધારકોને ઇ.કે.વાય.સી. પણ કરાવી લેવા અપીલ કરી હતી જો કે.વાય.સી. નહીં કરવામાં આવશે તેવા કાર્ડ ધારકોને રેશનીંગનો પુરવઠો નહીં મળે!
આજે આજી-ર અને ન્યારી-ર ડેમની રૂબરૂ મુલાકાતે આવેલા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ‘‘અકિલા'' કાર્યાલયે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે આજી-ર અને ન્યારી-ર ડેમમાં લાંબા સમયથી મરામતની કામગીરી થઇ નહોતી તેથી અધિકારીઓને ડેમો ઉપર સાથે રાખી સ્થળ ઉપરજ જરૂરી સુચનાઓ આપી ઝડપથી કામગીરી પુરી કરવા જણાવ્યું છે.
આ બંને ડેમો કુદરતી સૌંદર્ય ધરાવતા હોય રાજકોટના લોકો તેમની આજુબાજુનાં ગામના લોકો હરવા-ફરવા જઇ શકે તે માટે રૂડાના માધ્યમથી આ બંને ડેમોનું બ્યુટીફિકેશન થશે જેથી ત્યાં લોકો પરિવાર સાથે હરવા ફરવા જઇ શકે.
હાલ આજી-૧ અને ન્યારી-૧ માં પાણી પુરતું છે. પરંતુ રાજકોટને આવનારા દિવસોમાં પાણીની ઘટ ન પડે તે માટે રાજય સરકાર દ્વારા આગામી આઠ દિવસમાંજ પાણી છોડવામાં આવશે જેથી રાજકોટના પ્રજાજનોને પાણીની મુશ્કેલીનો જરાય સામનો નહીં કરવો પડે તેમણે ખાત્રી પણ આપી હતી કે રાજકોટને પાણીની ઘટ નહીં પડે.
જો કે રાજકોટ કોર્પોરેશને પણ પાણી છોડવા રાજય સરકારને જાણ કરી દીધી છે.કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે રાજયમાં અને પાલિકા કે કોર્પોરેશન પાસે પાણીના પૈસા બાકી હોવા છતાં રાજય સરકાર જરૂર હશે ત્યાં પાણી આપશે જ.
હાલ સૌરાષ્ટ્રમાં સિંચાઇ માટે સૌની યોજના હેઠળ ૪ લીંકમાં પાણી આપવામાં આવે છે જેમાં મોટા ભાગનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં જે વિસ્તારમાં સિંચાઇનું પાણી નથી પહોંચતું ત્યાં પણ પાણી પહોંચાડવામાં આવશે.
હાલ રાજયમાં કેટલી જગ્યાએ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે તેવા પ્રશ્નનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું.
(3:38 PM IST)










