<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ગાયકવાડીમાંથી શાહરૂખ ઉર્ફ ડોનુને ૩.૬૭ લાખના હેરોઇન સાથે એસઓજીની ટીમે દબોચ્‍યોઃ પડીકી બનાવી વેંચતો

રાજસ્‍થાની શખ્‍સ આપી જતો અને અગાઉ પણ બે વખત પદાર્થ મંગાવ્‍યાનું રટણઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ ધાસુરાની ટીમની કામગીરીઃ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, અનોપસિંહ ઝાલાની બાતમી

રાજકોટ તા. ૨૧: શહેરમાં માદક પદાર્થની હેરાફેરી કરતાં પેડલરોને શોધી કાઢવા સક્રિય રહેતી શહેર એસઓજીની ટીમે આ વખતે હેરોઇન સાથે એક શખ્‍સને પકડી લીધો છે. જંકશન પ્‍લોટના ગાયકવાડી વિસ્‍તારમાં એક શખ્‍સ ડ્રગ્‍સ સાથે આવ્‍યો હોવાની માહિતી પરથી તેને સકંજામાં લઇ તલાસી લેતાં ૭૩.૫૨૦ ગ્રામ હેરોઇન મળી આવતાં પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાવ્‍યો હતો.

શહેરમાં યુવધાન નશાના રવાડે ન ચડે અને માદક પદાર્થનું વેંચાણ, સેવન થતું અટકે તે માટે ‘સે નો ટુ ડ્રગ્‍સ' ઝુંબેશ અંતર્ગત શહેર એસઓજીની ટીમ આવા પદાર્થનું ખરીદ વેંચાણ કે સેવન કરતાં શખ્‍સોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને કોન્‍સ. અનોપસિંહ ઝાલાને બાતમી મળતાં જંકશન પ્‍લોટ  ગાયકવાડી-૪ના ખુણેથી શાહરૂખ ઉર્ફ ડોનુ અમીનભાઇ વિકયાણી (ઉ.વ.૩૦-રહે. અયાન મંઝીલ, ગાયકવાડી-૪ના ખુણે વોંકળા કાંઠે)ને દબોચી લીધો હતો.

આ શખ્‍સ પાસેથી શંકાસ્‍પદ માદક પદાર્થ મળતાં એફએસએલ અધિકારી ફરદીનબેન કાદરીને બોલાવી પ્રાથમિક પરિક્ષણ કરાવતાં આ પદાર્થ હેરોઇન હોવાનું સ્‍પષ્‍ટ થયું હતું. રૂા. ૩,૬૭,૦૦૦નો ૭૩.૨૫૦ ગ્રામ પદાર્થ કબ્‍જે કરી શાહરૂખ ઉર્ફ ડોનુની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછતાછમાં શાહરૂખે રટણ કર્યુ હતું કે પોતે છુટક મજૂરી કરે છે. પૈસા કમાવવા માટે તે આ પદાર્થ વેંચવાના રવાડે ચડયો હતો. કોઇ રાજસ્‍થાની શખ્‍સ આ પદાર્થ તેને આપી જાય છે. અગાઉ પણ બે વખત આ રીતે પદાર્થ મંગાવ્‍યો હતો. પોતે પડીકી બનાવી બંધાણીઓને વેંચતો હોવાનું પણ રટણ કર્યુ હતું. જો કે આ વિગતો કેટલી સાચી છે? તે જાણવા પ્ર.નગર પોલીસ રિમાન્‍ડ મેળવી વિશેષ તપાસ કરશે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ વિરેન્‍દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચોૈહાણ, હરદેવસિંહ વાળા, કોન્‍સ. અનોપસિંહ ઝાલા, મહિલા કોન્‍સ. મોનાબેન બુસા, ડ્રા.હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(2:46 PM IST)