News of Wednesday, 21st May 2025
હવે બારકોડ રાશનકાર્ડને બદલે ઇ-સાઇન બેઇઝડ QR કોડવાળુ ‘‘સ્માર્ટ રેશન કાર્ડ'' ઇસ્યુ કરાશેઃ વહિવટી મંજૂરી મળી
રાજયના પુરવઠા વિભાગે પરિપત્ર બહાર પાડયોઃ નવું રેશનકાર્ડ અને NFSA કાર્ડ માટે અરજી ફોર્મ જાહેર કરાયા... : તમામ કલેકટરો-ને કરાતી જાણઃ હાલ મે મહિનાનો રાજકોટમાં ૩પ દુકાને માલ પહોંચ્યો નથીઃ ભારે દેકારો

હવે આગામી દિવસોમાં બારકોડ રેશનકાર્ડને બદલે NFSA અને અન્ય રેશનકાર્ડ ધારકોને ઇ-લાઇન બેઇઝડ QR કોડવાળુ સ્માર્ટ રેશનકાર્ડ અપાશે જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા.૨૧: રાજયનું પૂરવઠા ખાતુ ઇ-કેવાયસી ફરજીયાત કરાયા બાદ હવે નવુ સ્માર્ટ રાશનકાર્ડ અમલમાં મૂકવા જઇ રહયું છે, જેમાં NFSA કાર્ડ ધારકો માટે અને અન્ય રેશનકાર્ડ ધારકો માટે અરજી ફોર્મના નમૂના પણ ખાસ જાહેર કરાયેલા પરિપત્રમાં અપાયા છે, તેમજ અન્ય રેશનકાર્ડ અને NFSA કાર્ડ ધારકોનો ઇ-સાઇનવાળુ (બેઇઝડ) અને QR કોડ ધરાવતુ સ્માર્ટ રેશનકાર્ડ કેવુ હશે તેના પણ નમુના આ પરિપત્રમાં ઇસ્યુ કરી રાજકોટ જીલ્લા પૂરવઠા અધીકારી, રાજકોટ કલેકટર સહિત રાજયભરના DSO અને કલેકટરોને આની જાણ કરી દિધી છે, હવે નવા સ્માર્ટ રેશનકાર્ડની બાબત ધમધમશે તેમ રાજકોટ પૂરવઠાના ટોચના અધીકારી સુત્રો ઉમેરી રહયા છે.
આ ઉપરાંત સ્માર્ટ રેશનકાર્ડના ફોર્મ, ફોર્મેટ તેમજ ટેમ્પલેટ બહાર પાડવા અંગે પણ સૂચના અપાઇ છે.
પૂરવઠાના પરિપત્રમાં ઉમેરાયું છે કે, સમગ્ર રાજયમાં હયાત જૂના રેશનકાર્ડના બદલે નવા બારકોડેડ રેશનકાર્ડ આપવાનું નકકી કરવામાં આવેલ છે. જે અન્વયે રેશનકાર્ડ સંબંધિત ફોર્મ્સ બહાર પાડવામાં આવેલ વર્ષ ૨૦૨૪-૨૫માં અરજદારોના સમય અને નાણાની બચત થાય તેમજ ઘરે બેઠા સ્માર્ટકાર્ડ મેળવી શકે તે માટે બારકોડેડ રેશનકાર્ડના સ્થાને e-sign Based તેમજ QR Code વાળું "SMART Ration Card" ઇસ્યુ કરવાની નવી બાબતને વહીવટી મંજુરી મળે છે. જે ધ્યાને લઇ રેશનકાર્ડના ફોર્મ તેમજ ફોર્મેટમાં સુધારો કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
કાળજીપૂર્વકની વિચારણાના અંતે નીચેની વિગત રેશનકાર્ડ અંગેના હાલના ફોર્મ તેમજ ફોર્મેટમાં સુધારો કરી નવેસરથી બહાર પાડવામાં આવે છે. (૧) ‘‘નવું રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોમ'' (૨) ‘‘ રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩માં સમાવેશ કરવા અંગે અરજી ફોર્મ'' (૩) ‘‘અરજદાર અરજી કરે ત્યારે જે રેશનકાર્ડ આપવામાં તેનું ટેમ્પલેટ'' (૪) "SMART Ration Card" નું ફોર્મેટ આ સાથે સામેલ જોડાણ-૪ મુજબનું તેમ પરિપત્રમાં કહેવાયું છે.
દરમિયાન સસ્તા અનાજના દુકાનદાર અગ્રણીઓમાંથી મળતી વિગતો મુજબ આજની તારીખે મે મહિનાનો ઘઉં-ચોખા-સહિતનો જથ્થો રાજકોટની ૩૫ દુકાને હજુ પહોંચ્યો નથી, તેમજ જૂન મહિનાનો જથ્થો પણ સાથે આપવાનો છે, પરંતુ તે અંગે તથા જથ્થો આપવા અંગે હાલ કોઇ કાર્યવાહી નથી, કારણ કે જૂના મહિનાનો હજુ જથ્થો અપાયો જ નથી, રાશનકાર્ડ ધારકોની હાલત હાલ ભારે કફોડી છે.(૯.૩ર)
(2:47 PM IST)










