<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

પાળ ગામે ટ્રકે બાઇકને ઉલાળતાં રાજકોટના બે બહેનના એકના એક ભાઇ રવિ મુંગરાનું મોત

મુળ કાલાવડનો યુવાન યુનિવર્સિટી રોડ માધવ પાર્કમાં રહી રાવકીમાં સીએનસી ઓપરેટ કરતો હતોઃ ત્‍યાંથી ઘરે આવતી વખતે બનાવઃ પરિવારમાં કલ્‍પાંતઃ લોધીકા પોલીસે ડમ્‍પરચાલક સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૨: લોધીકાના પાળ ગામમાં પાળથી રાજકોટના રસ્‍તે હોટલ પાસે જીવલેણ વાહન અકસ્‍માતની ઘટનામાં મુળ કાલાવડના હાલ રાજકોટ રહેતાં યુવાનનું મોત થયું છે. આ યુવાન રાવકીથી રાજકોટ ઘર તરફ આવી રહ્યો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તે પરિવારનો એકનો એક આધારસ્‍તંભ દિકરો અને બે બહેનનો એક જ ભાઇ હતો.

જાણવા મળ્‍યા મુજબ યુનિવર્સિટી રોડ પર રહેતો રવિભાઇ ચંદ્રેશભાઇ મુંગરા (ઉ.વ.૩૬) પોતાનું સ્‍પ્‍લેન્‍ડર બાઇક જીજે૧૦એઇ-૮૭૮૮ હંકારીને રાવકીથી રાજકોટ તરફ આવવા નીકળ્‍યો ત્‍યારે પાળ ગામમાં રાજકોટના રસ્‍તે દ્વારકાધીશ હોટલ પાસે ડમ્‍પર નં. જીજે૦૩એટી-૨૧૩૭ના ચાલકે બાઇકને ઉલાળી દેતાં રવિભાઇ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં અને  કોઇએ ૧૦૮ બોલાવતાં તેમજ રવિભાઇના મિત્ર રાજીવભાઇ સહિતના પણ પહોંચી જતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડેલ. પરંતુ સારવાર કારગત ન નીવડતાં રવિભાઇએ દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, મહેશભાઇ સહિતે જાણ કરતાં લોધીકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. વી. આર. ગુજરાતીએ રાજકોટ પહોંચી મૃતક રવિભાઇના પિતા ચંદ્રેશભાઇ દામજીભાઇ મુંગરા (ઉ.વ.૬૩-રહે. કાલાવડ, કૃષ્‍ણનગર સોસાયટી પટેલવાડી ધોરાજી રોડ)ની ફરિયાદ પરથી ડમ્‍પરના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. રવિભાઇ બે બહેનનો એકનો નાનો ભાઇ હતો. રવિભાઇના લગ્ન ૨૦૧૪માં મોટી વાવડીના કરસનભાઇ પાનસુરીયાના દિકરી તૃપ્‍તીબેન સાથે થયા હતાં. તેને સંતાનમાં ૧૦ વર્ષનો દિકરો કુશ છે. રવિભાઇ રાવકી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં એક વર્ષની સીએનસી મશીન ઓપરેટ કરતાં હતાં. એકના એક દિકરાના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. પોલીસે ડમ્‍પરચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

(12:34 PM IST)