<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

રૈયાના અમનને સમાધાનની વાત કરવા બોલાવી રીયાન, કામીલે ધોકાથી ફટકાર્યો

બીજા ત્રણ અજાણ્‍યાએ આવીને પણ માર માર્યોઃ વચ્‍ચે પડેલા મિત્રોને પણ ધોલધપાટઃ જુની માથાકુટ કારણભુતઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૨: રૈયામાં રહેતાં અમનને ગામના જ બે શખ્‍સો સાથે માથાકુટ થઇ હોઇ બંનેએ તેને સમાધાનની વાત કરવા જેકે પાર્ક પાછળ પટમાં બોલાવતાં અમન તેના મિત્રોને લઇને ત્‍યાં જતાં આ બંને શખ્‍સોએ ગાળો દઇ ધોકા, ઢીકાપાટુનો માર માર્યા બાદ બીજા ત્રણ શખ્‍સોએ આવીને પણ મારકુટ કરી ધમકી આપતાં અને વચ્‍ચે પડેલા અમનના બે મિત્રોને પણ ધોલધપાટ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.  આ અંગે યુનિવર્સિટી પોલીસે  રૈયા ગામ શેરી નં. ૧માં રહેતાં અને નાણાવટી ચોક ધરમનગર મેઇન રોડ પર ભંગારનો ડેલો ચલાવતાં ફરીદભાઇ ઓસમાણભાઇ નોયડા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી રીયાન, કામીલ અને ત્રણ અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ફરીદભાઇએ જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને ગુજરાત પસ્‍તી ભંડાર નામે ભંગાર લે-વેંચનું કામ કરુ છું. હું ધરમનગર રોડ નાણાવટી ચોકમાં મારી દૂકાને હતો ત્‍યારે ભત્રીજા અમન સલીમભાઇ નોયડાએ ફોન કરી કહેલું કે હું અત્‍યારે જેકે પાર્ક રૈયા ગામ પાછળ મેદાનમાં છું અને અહિ મને રીયાન, કામીલે અગાઉના ઝઘડાનો ખાર રાખી ફોન કરી સમાધાન માટે બોલાવ્‍યા બાદ બંનેએ માર માર્યો છે, હવે હું ઘરે આવું છું તેવી વાત કરી હતી.

જેથી હું તેના ઘરે ગયો હતો. અમન આવતાં તેને બનાવ વિશે પુછતાં તેણે કહેલુ  કે મારે રીયાન, અમન સાથે માથાકુટ થઇ હોઇ આ બંનેએ મને સમાધાનની વાત કરવા જેકે પાર્ક રૈયા ગામ પાછળ મેદાનમાં બોલાવતાં હું અને મારા મિત્રો અરમાન, રેહાન સહિતના ત્‍યાં જતાંરીયાન, કામીલે મને ગાળો દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં રીયાને ધોકાનો ઘા મારા ખભા પર મારી દીધો હતો.

બાદમાં રીયાન અને કામીલે મને ઢીકાપાટુ પણ માર્યા હતાં. અરમાન અને રેહાન મને છોડાવવા વચ્‍ચે પડતાં તેને પણ આ લોકોએ ઢીકાપાટુ માર્યા હતાં. એટલીવારમાં અજાણ્‍યા ત્રણ શખ્‍સો રિક્ષા, બાઇકમાં આવ્‍યા હતાં. આ લોકોએ પણ અમારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જેમાં એક અજાણ્‍યા પાસે તલવાર હતી હું રાડારાડી કરવા માંડતા આ લોકો ભાગી ગયા હતાં. જતાં જતાં કામીલ અને રીયાને જો ઝઘડાની કોઇને વાત કરીશ તો મારી નાખશું તેવી ધમકી પણ આપી હતી. આથી મેં આ બાબતે ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ફરીદભાઇએ કહેતાં એએસઆઇ જે .એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:25 PM IST)