<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

લોકમેળો : અટલ સરોવરની બાજુમાં આવેલ જગ્‍યાનો સર્વે પુરોઃ આ ‘જમીન' ઉપર મેળો યોજવાની શકયતા નથી !!

માર્ગ મકાને સર્વે પુરો કર્યોઃ હવે કલેકટરને રીપોર્ટ આપશેઃ ભારે ઉબડ-ખાબડવાળી જગ્‍યા... તંત્રના સુત્રો કહે છે...જગ્‍યા સમથળ કરવા ટેન્‍ડર અને સમય વીતી જાય તેમ હોય મેળાના ચાન્‍સીસ બહુ ઓછા તો પછી આ વખતે પણ લોકમેળો રેસકોર્ષમાં યોજાય તેવી સંભાવના

 

રાજકોટ, તા., રરઃ તાજેતરમાં કલેકટરના અધ્‍યક્ષપદે યોજાયેલ ર થી ૩ ફરીયાદ સંકલન બેઠકમાં રાજકોટના જગવિખ્‍યાત લોકમેળાનો પ્રશ્‍ન ગાજયો હતો, ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ તથા અન્‍યોએ રેસકોર્ષ મેદાનમાં યોજાતા લોકમેળાનું સ્‍થળ ટ્રાફીક તથા અન્‍ય સુરક્ષા બાબતે ખસેડવા અંગે ડીમાન્‍ડ કરી હતી, આ પછી રાજકોટ કલેકટરે અટલ સરોવરની બાજુમાં આવેલ સરકારી જમીન ઉપર લોકમેળો યોજી શકાય કે નહી તે અંગે રાજકોટના માર્ગ-મકાન ખાતાને સર્વે કરવા સુચના આપી હતી.

કચેરીના ટોચના અધીકારી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ માર્ગ-મકાન વિભાગે ઉપરોકત જમીનનો સર્વે પુરો કરી લીધો છે, હવે કલેકટરને રીપોર્ટ આપશે.

અધીકારી સુત્રોએ પ્રાથમિક બાબતમાં ઉમેર્યુ હતું કે, હાલ આ વર્ષે અટલ સરોવરની બાજુમાં આવેલી જગ્‍યા ઉપર લોકમેળો યોજવો શકય નથી, કારણ કે આ જગ્‍યા ભારે ઉબડ-ખાબડ વાળી છે, જગ્‍યા સમથળ કરવા ટેન્‍ડર બહાર  પાડવા  પડે, કરોડોનો ખર્ચ થાય તેની મંજૂરી લેવી પડે, અને મંજૂરી મળે, ટેન્‍ડરીંગ થાય બાદમાં જગ્‍યા સમથળ કરવાની કામગીરી હાથ ધરાય, અને તેમાં બહુ સમય વીતી  જાય તેમ હોય, આ જમીન ઉપર આ વર્ષે મેળો યોજવાના ‘‘ચાન્‍સીસ'' બહુ ઓછા  છે. જો આ જગ્‍યા ઉપર લોકમેળો ન યોજાય તો પછી આ વખતે પણ લોકમેળો રેસકોર્ષમાં યોજાય તેવી સંભાવના છે, અને તે અંગે તંત્ર દ્વારા જૂન મહિનામાં કાર્યવાહી હાથ ધરાશે.

(3:44 PM IST)