<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

મોકાજી સર્કલ પાસે જીમના કર્મચારી યુવતિને ગઠીયો છુટ્ટા પૈસા આપવાના બહાને છેતરી ગયો

અહિ નજીકમાં જ મારી દુકાન છે, હું અવાર-નવાર અહિ છુટ્ટા પૈસા આપવા આવુ છું, તમે ૫૦૦વાળી આપો હું ૨૦૦ વાળી નોટ આપુ... : યુવતિએ વિશ્વાસ મુકી ૫૦૦ વાળી ૨૦ હજારની નોટો આપીઃ સામે બાઇકમાંથી છુટ્ટા લઇને આવે છે કહી નજર સામે જ બાઇક ચાલુ કરી ભાગી ગયોઃ તાલુકા પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૨૩: શહેરમાં છેતરપીંડીનો એક નવીનત્તમ કિસ્‍સો નોંધાયો છે. કાલાવડ રોડથી મોકાજી સર્કલના રોડ પર આવેલા ફીજીયોફીટ જીમ ખાતે ગઠીયો કર્મચારી યુવતિને ૫૦૦ની નોટની સામે ૨૦૦ની નોટોના છુટ્ટા આપવાના નામે છેતરી ગયો હતો. પોતે અહિ નજીકમાં જ દુકાન ધરાવે છે અને અવાર-નવાર છુટ્ટા આપવા છે તેમ કહી વિશ્વાસ આપતાં યુવતિએ ૨૦ હજારના દરની ૫૦૦વાળી નોટ આપતાં આ શખ્‍સ સામે જ મારુ બાઇક છે, તેમાંથી છુટ્ટા લઇને આવું તેમ કહી નંબર વગરનું બાઇક ચાલુ કરી ભાગી ગયો હતો.

આ બારામાં તાલુકા પોલીસે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાછળ આર્યશ્રી સોસાયટી બ્‍લોક નં. ૨૭ શૈલેષભાઇ રાણાના મકાનમાં ભાડેથી રહેતાં હીમાબેન રજનીશભાઇ રાઠોડ (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધ્‍યો છે.

હીમાબેન રાઠોડે જણાવ્‍યું હતું કે પોતે પરિવાર સાથે રહે છે અને કાલાવડ રોડથી મોકાજી સર્કલ્‍ તરફ જતાં રોડ પર સાયજી હોટલ સામે ફીજીયોફીટ જીમ ખાતે આઠેક મહિનાથી સેલ્‍સ વિભાગમાં  નોકરી કરે છે. તેમની નોકરીનો સમય બપોરના ત્રણથી રાતના નવ સુધીનો છે. ફીજીયોફીટ જીમ ખાતે છ માણસોનો સ્‍ટાફ નોકરી કરે છે. જે પૈકી કોઇ રજા પર જાય કે ગેરહાજર રહે તો શીફટનો સમય બદાલતો રહે છે.

હીમાબેને પોલીસને જણાવ્‍યુ હતું કે ૧૨/૫ના રોજ મારી નોકરી સવાના છથી બપોરના એક સુધીની શીફટમાં હતી. અમારા સેલ્‍સહેડ રવિન્‍દ્રભાઇ પરમાર પણ  હાજર હતાં. તેમને જરૂરી કામે અગિયારેક વાગ્‍યે બહાર જવાનું થયું હતું. બપોરે બારેક વાગ્‍યે અમારી જીમ ખાતે એક અજાણ્‍યો શખ્‍સ આવ્‍યો હતો અને મને કહ્યું હતું કે-અહિ નજીકમાં જ મારી દુકાન છે, હું અવારઅન્‍વાર અહિથી ૫૦૦વાળી નોટો લઇ જતો હોઉ છું, મને ૫૦૦વાળી નોટો આપો એટલે હું તમને ૨૦૦વાળી નોટો આપી જાવ.

આ શખ્‍સે આવી વાત કરતાં અમારે છુટ્ટા પૈસાની જરૂર રહેતી હોઇ અને એ શખ્‍સે પોતે જીમના સ્‍ટાફના બધાને ઓળખે છે તેવી વાત કરતાં મે તેને કહેલુ કે તમે મને છુટ્ટા આપો એટલે તમને  પ૦૦વાળી નોટ આપી દઉ. પણ તેણે કહેલુ કે મારુ બાઇક સામે જ પાર્ક કર્યુ છે, છુટ્ટા પૈસા મારા બાઇકમાં છે. એવુ હોય તો તમે અહિ ગેઇટ પાસે  ઉભા રહો, હું બાઇકમાંથી પૈસા લઇને આપી જાવ. આથી મેં તેના પર વિશ્વાસ મુકી ૫૦૦ના દરની ૪૦ નોટો એટલે કે રૂા. ૨૦ હજાર છુટ્ટા કરાવવા માટે આપ્‍યા હતાં.

ત્‍યારબાદ એ શખ્‍સ મારી પાસેથી પૈસા લઇ બહાર પડેલા પોતાના બાઇક તરફ ગયો હતો. હું અમારા જીમના ગેઇટ નજીક જ ઉભી હતી. એ દરમિયાન એ શખ્‍સ નંબર વગરનું બાઇક ચાલુ કરી ભાગી ગયો હતો. મેં અમારા સિક્‍યુરીટી બહાદુરભાઇને તથા બીજા સ્‍ટાફને જાણ કરતાં બધાએ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ તે મળી આવ્‍યો નહોતો. એ શખ્‍સ શ્‍યામ વર્ણનો અને આશરે ૩૦થી ૩૫ વર્ષનો હતો. આ બનાવ બન્‍યા બાદ હું બહારગામ હોઇ હવે પરત આવ્‍યા બાદ જીમના સ્‍ટાફ સાથે ચર્ચા કરી ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં તેણીએ કહેતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્‍સ. ભોજભાઇ મોભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(1:54 PM IST)