પુરવઠાએ પુરવઠો બંધ કરતા e-KYC માટે પડાપડી દરરોજ સેંકડો લોકોની લાઇનોઃ કાર્ડ ધારકો હેરાન-પરેશાન
પુરવઠાની ચારેય ઝોનલ કચેરીમાં સ્થિતિ ખરાબઃ ઉચ્ચ અધિકારીઓ દરમિયાનગીરી કરે તેવી માંગણી

રાજકોટ, તા., ર૩: પુરવઠા ખાતે ઇ-કેવાયસી જેમણે નથી કરાવ્યુ઼ તેમને રાશનકાર્ડ ઉપર રાશન આપવાનું બંધ કરતા ઇ-કેવાયસી માટે દરરોજ પુરવઠાની ઝોનલ કચેરીમાં પડાપડી થાય છે.
આજે સવારથી જ રાજકોટની જૂની કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં આવેલી ઝોનલ કચેરી ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. e-KYC કરાવવા અને રેશનકાર્ડમાં સુધારા-વધારા કરાવવા માટે મોટી લાઈનો લાગી હતી.
તાજેતરમાં, જે લોકોએ e-KYC કરાવ્યું નથી, તેમનું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકો e-KYC કરાવવા માટે ઉમટી પડ્યા હતા. રાશન મળતું બંધ થતા, ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આ એક તાતી જરૂરિયાત બની ગઈ છે. એક તરફ e-KYC કરાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી, તો બીજી તરફ રેશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા કે સરનામું બદલવા જેવા સુધારા-વધારા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
દરરોજ દરેક ઝોનલ કચેરીમાં રાશનકાર્ડ ધારકોની ભીડ હોય, લોકો કલાકો હેરાન થતા હોય છે. છતા પુરવઠા તંત્ર વધારાની બારી ખોલતુ નથી. લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ બાબતે હવે ઉચ્ચ અધિકારીઓ દરમિયાનગીરી કરે તે જરૂરી બન્યું છે.










