News of Friday, 23rd May 2025
રાજકોટના ત્રણ પોલીસ સ્ટેશનના ઠગાઇના ગુનાઓમાં ૧૨ વર્ષથી ફરાર રજનીશ ઝડપાયો
પેરોલ ફરલો સ્ક્વોડે સુરત ગ્રામ્યના ફ્રોડના ગુનાના એક આરોપી તેમજ હત્યા-ઠગાઇના ગુનાના બે આરોપીઓને પણ પકડયાઃ પીઆઇ બી. એમ. ઝણકાત અને ટીમોની કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: શહેરના અલગ અલગ ત્રણ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં ૧૨ વર્ષથી ફરાર વડોદરાના શખ્સને તથા સુરત ગ્રામ્યના છેતરપીંડીના ગુનાના આરોપીને રાજકોટથી તેમજ સુરત ગ્રામ્યના છેતરપીંડી, મારામારી, હત્યાના ગુનામાં ફરાર બે શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમોએ રાજકોટથી દબોચી લીધા છે.
શહેરના એ-ડિવીઝન, ગાંધીગ્રામ અને માલવીયાનગર પોલીસ સ્ટેશનોમાં વર્ષ ૨૦૧૫માં નોંધાયેલા ઠગાઇના ગુનામાં રાજકુમાર ઉર્ફ રજનીશ કિશનભાઇ ઉર્ફ કૃષ્ણકાંતભાઇ ખોડા-ઠક્કર (ઉ.વ.૫૪) બાર વર્ષથી ફરાર હોઇ આ શખ્સ હાલ વડોદરા ગુણાતીત રેસીડેન્સી ફલેટ નં. એ-૫૦૨ ઓશીયા મોલ પાછળ ગોત્રીમાં રહેતો હોવાની બાતમી મળતાં તેને પકડી એ-ડિવીઝન પોલીસને સોંપાયો હતો.
જ્યારે સુરત ગ્રામ્ય કામરેજ પોલીસના ઠગાઇ-કાવત્રાના ગુનામાં ફરાર મુળ જુનાગઢ ભેંસાણનો શખ્સ દિપક ચંદુભાઇ સોલંકી (ઉ.વ.૨૫) હાલ રાજકોટ ઇસ્કોન મદિર પાછળ પરિવાર સોસાયટી ઇ-વીંગ ૧૪૦૩માં રહેતો હોઇ તેને પણ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી કામરેજ પોલીસને સોંપ્યો હતો.
આ ઉપરાંત સુરત ગ્રામ્ય કામરેજ પોલીસના ઠગાઇ, મારામારી, હત્યાના ગુનામાં ચાર માસથી ફરાર બે શખ્સો મયુરસિંહ ઇશ્વરસિંહ સોલંકી (ઉ.વ૩૧-રહે. શાંતિવન રેસીડેન્સી બ્લોક નં. ૬૫, સનરાઇઝ સ્કૂલ પાછળ રેલનગર) તથા બીલાલ દિલાવરભાઇ ઉઠમણા (ઉ.વ.૨૫-રહે. દુધસાગર રોડ હૈદરી ચોક ભગવતી સોસાયટી)ને પકડી સુરત ગ્રામ્ય પોલીસને સોંપાયા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચનાથી પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. સામતભાઇ ગઢવી, રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરીઓ કરી હતી. (૧૪.૧૦)
(3:45 PM IST)










