તા. ૨૭ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 24th May 2025
શહેરમાં છેલ્લા છ માસમાં ૨૦૭૮ પશુ પકડાયાઃ ૧૪૦ ઢોર પરતઃ રૂ.૧૧.૬૫ લાખનો દંડ વસુલાયો
મનપા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૨૪: સરકાર દ્વારા પ્રાણી સંજાડ અંકુશ નિયમ હેઠળ મનપાને શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવાનો આદેશ કરી પ્રાણી રંજાડ અંકુશના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેના લીધે ઢોર પકડાયા બાદ પશુ પાલક પાસેથી આકરો દંડ તેમજ વિરોધ કરનાર પશુ પાલકો સામે ફોજદારી ગુનો સહિતની કામગીરી શરૂ થતાં શહેરભરમાંથી ઢોર અચાનક ગાયબ થઈ ગયા હતાં.
પરંતુ નિયમોની અમલવારી ઢીલી પડી હોય તેમ છેલ્લા છ માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૨૦૭૮ ઢોર પકડાયા હતાં. જે પૈકી ૧૪૦ પશુઓ પશુમાલીકોને પરત કરી તેમની પાસેથી રૂા. ૧૧.૬૫ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ઢોર રંજાડ છેલ્લા છ માસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી ૨૦૭૮ પશુઓ પકડ્યા હતાં જે પૈકી ૧૬૯૫ પશુઓને ગૌશાળા અને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં.
પકડાયેલા ઢોર પૈકી ૧૪૦ ઢોર પરત આપી પશુપાલકો પાસેથી રૂા. ૧૧.૬૫ લાખનો દંડ વસુલાયો હતો. મનપાના પ્રાણી રંજાડ વિભાગ દ્વારા ૪૬૪ નવા પશુઓની નોંધણી કરવામાં આવી હતી.જ્યારે એનિમલ હોસ્ટેલમાં ઢોર રાખવામાં આવેલ છે. તેની ફીની આવક રૂા. ૯.૭૩ લાખ થઈ છે.
તેવી જ રીતે ૧૮૩૫ પશુઓનું વિજ્યુઅલ ટેગીંગ કરવામાં આવ્યું છે. તેમજ ૧૬૬૬ પશુઓને આર.એફ. આઈડી ટેગીંગ કરવામાં આવે છે. હાલ એનિમલ હોસ્ટેલના નવા ૧૨૭ પશુઓ નોંધાયા છે. પ્રાણી રંજાડ અંકુશ વિભાગ દ્વારા નવેમ્બર ૨૦૨૪થી એપ્રિલ૨૦૨૫ દરમિયાન આ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી છે.(૨.૩૧)
(3:50 PM IST)










