<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

પ્રાઇમરી માર્કેટ તેજીમાં: ૭ દિવસમાં ૭૦૦૦ કરોડના IPO

૪ મેઇન બોર્ડ અને ૪ એસ.એમ.ઇ આઇ.પી.ઓ એક અઠવાડિયામાં: હોટલ લીલા-એજીસ વોપેક જેવી દિગ્‍ગજ કંપનીઓ મેદાનમાં

રાજકોટ, તા. ર૬: શેરબજારમાં થોડોક સુધારો આવતા અને થોડીક સ્‍થિરતા જળવાતા જ પ્રાયમરી માર્કેટમાં આઈ.પી.ઓની હારમાળા શરૂ થઈ ગઈ છે.સોમવારથી શનિવાર સુધીમાં જ લગભગ ૭૦૦૦ કરોડના આઇ.પી.ઓ આવી રહ્યા છે. જેમાં ચાર તો મેઇન બોર્ડ આઇ.પી.ઓ નો સમાવેશ થાય છે.ઘણા લાંબા સમય પછી આટલા આઇ.પી.ઓ એકી સાથે એક અઠવાડિયામાં જોવા મળી રહ્યા છે. હોટલ લીલાનો આઇ.પી.ઓ ૩,૫૦૦ કરોડનો છે,જે ૨૬ મેથી શરૂ થશે અને ૨૮ મેના રોજ પૂરો થશે. આ કંપનીના શેરોનું લિસ્‍ટિંગ બીજી જૂનના રોજ થશે.

જ્‍યારે એજીસ વોપેક ટર્મિનલ્‍સ લિમિટેડનો આઈ.પી.ઓ પણ ૨૬ મેના રોજ ખુલશે. આ આઇ.પી.ઓની સાઈઝ ૨૮૦૦ કરોડની છે. આઇ.પી.ઓ  ૨૮ મેના રોજ પૂરો થશે. એજીસ વોપેકના શેરોનું લીસ્‍ટીંગ પણ બીજી જૂન સોમવારના રોજ થશે.

ઉપરોક્‍ત બંને આઇ.પી.ઓની સાઈઝ ખૂબ જ મોટી છે. જ્‍યારે બાકીના બે મેઇન બોર્ડ આઇ.પી.ઓમાં પ્રોસ્‍ટ્રમ ઇન્‍ફો સિસ્‍ટમ લિમિટેડનો આઇ.પી.ઓ ૨૭ મે ના રોજ શરૂ થશે અને ૨૯ મેના રોજ પૂરો થશે. આ આઇ.પી.ઓ ખૂબ જ નાનો છે. ૧૬૮ કરોડ રૂપિયાનો આઇ.પી.ઓ છે.

સ્‍કોડા ટયુબ ૨૮ થી ૩૦ મે વચ્‍ચે ખુલ્લો રહેશે અને લિસ્‍ટિંગ ચાર જૂન ના રોજ થશે. આ આઇ.પી.ઓ ની સાઈઝ પણ ફક્‍ત ૨૨૦ કરોડ છે. જ્‍યારે એસ.એમ.ઈ ના પણ ચાર આઇ.પી.ઓ આ અઠવાડિયે નાણા એકઠા કરવા જઈ રહ્યા છે. તેના નામ આ પ્રમાણે છે.

નેપ્‍ચ્‍યુન પેટ્રોકેમિકલ્‍સ લિમિટેડ જે એન.એસ.ઈ આઇ.પી.ઓ છે, જેની સાઈઝ ૭૩ કરોડની છે. બ્‍લુ વોટર લોજિસ્‍ટિક્‍સ લિમિટેડ પણ એન.એસ.ઇ આઇ.પી.ઓ છે, જેની સાઈઝ ફક્‍ત ૪૦ કરોડની છે. એસ્‍ટ્રોનિયા લેબ્‍સ લિમિટેડ કે જે બી.એસ.ઈ આઈ.પી.ઓ છે. તેની સાઈઝ ફક્‍ત ૩૭ કરોડની છે અને નિકિતા પેપર લિમિટેડ એન.એસ.ઈ આઈ.પી.ઓ છે, જેની સાઈઝ ૬૭ કરોડની છે.

આમ કુલ ૪ એસ.એમ.ઇ અને ૪ મેઇન બોર્ડ આઇ.પી.ઓ મળીને કુલ આઠ આઇ.પી.ઓ અને રૂપિયા ૬૯૦૦ કરોડથી વધુ પબ્‍લિક પાસેથી ઉઘરાવશે. આ અઠવાડિયું પ્રાઇમરી માર્કેટમાં સેલિબ્રેશન જેવું રહેશે.

શેરબજારમાં યુદ્ધ વિરામની સ્‍થિતિ સ્‍થપાતા એ જ પ્રાઇમરી માર્કેટ એક્‍ટિવ થયું છે. બેલરાઇઝ ઇન્‍ડસ્‍ટ્રીઝ માં ૬,૫૦૦ કરોડથી વધુની બીડ મળી છે. ૨૧૫૦ કરોડનો આઇ.પી.ઓ ઓવરઓલ ૪૩ ગણા થી વધુ છલકાયો છે. કયૂ.આઈ.બી ક્‍વોટા ૧૧૪ ગણા થી વધારે ભરણું આવતા પ્રાઇમરી માર્કેટમાં ફરી પાછી જાન આવી છે.

શેરબજારના નિષ્‍ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્‍યાનુસાર આ આખુ વીક આઇ.પી.ઓ માટેનું જ છે. મોટી દિગ્‍ગજ કંપની પણ હિંમત કરીને નાણા એકઠા કરવા આવી રહી છે.તે શેર બજાર માટે પોઝિટિવ સમાચાર કહી શકાય. સેકન્‍ડરી માર્કેટમાં થોડીક સ્‍થિરતા આવતા પ્રાઇમરી માર્કેટ પણ એક્‍ટિવ થયું છે. ઘણા વખત પછી મોટી સફળતા મળી હોય તો તે બેલરાઈઝ જેવા આઇ.પી.ઓ ને મળી છે. જેની પાછળ પાછળ ઘણા બધા પ્રમોટરો પોતાની કંપનીઓના આઇ.પી.ઓ લાવીને બજારમાંથી નાણા એકઠ્ઠા કરવા તત્‍પર છે.

(2:23 PM IST)