News of Monday, 26th May 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાનું ભવ્ય અભિવાદનઃ ૨૬ વર્ષની અધ્યાપન સેવાને બિરદાવવામાં આવી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર અને પૂર્વ કાર્યકારી કુલપતિ પ્રો. જયદીપસિંહ ડોડિયાની યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની ૨૬ વર્ષની શિક્ષણ સેવા પૂર્ણ થતાં તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કુલપતિ પ્રો.ડો. ઉત્પલ જોશી, રામકળષ્ણ મિશન રાજકોટના પ્રમુખ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી, પૂર્વ કુલપતિઓ પ્રો.ડો. કમલેશ જોશીપુરા અને પ્રો.ડો. પ્રતાપસિંહ ચૌહાણ, તથા કુલસચિવ ડો. રમેશ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં તેમને સન્માનપત્ર અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા.
વ્યાપક શૈક્ષણિક અને વહીવટી અનુભવ
પ્રો. ડોડિયા ૧૯૯૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા તે પહેલા રાજકોટની શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની શ્રી શારદાગ્રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સેવા આપી ચૂકયા છે. માંગરોળ જેવા અલ્પવિકસિત વિસ્તારમાં પણ તેમણે વિલિયમ શેક્સપિયર સોસાયટીની સ્થાપના કરીને અંગ્રેજી ભાષાના પ્રચાર-પ્રસારમાં યોગદાન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમણે સેનેટ સભ્ય, સિન્ડિકેટ સભ્ય અને વિનયન વિદ્યાશાખાના ડીન જેવા મહત્વના પદો પર ફરજ બજાવી છે. ૨૦૧૩માં તેઓ ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડો. કમલા બેનીવાલ દ્વારા કાર્યકારી કુલપતિ તરીકે પણ નિયુક્ત થયા હતા, જ્યાં તેમનો અલ્પ સમયગાળો પણ પોતાની કુનેહ અને કાર્યદક્ષતાને કારણે યશસ્વી રહ્યો હતો.
અધ્યાપક સમાજના ઉત્કર્ષ અને સંશોધનમાં યોગદાન વર્ષ ૨૦૧૨માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી મોટી આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને અધર ધેન ડીન એમ બંને પદે ચૂંટાઈને પ્રો. ડોડિયાએ વિક્રમ સર્જ્યો હતો. તેમણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણની કુલપતિ સર્ચ કમિટીમાં યુ.જી.સી. અને રાજ્યપાલના નોમિની તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે. આ ઉપરાંત, રાજસ્થાનની વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી, કોટાના એકેડેમિક કાઉન્સીલના સભ્ય પણ રહી ચૂકયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના પ્રમુખપદે સતત ત્રણ વખત બિનહરીફ ચૂંટાવવા ઉપરાંત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ તરીકે પણ દસ વર્ષથી જવાબદારી નિભાવી રહ્યા છે.
સંશોધન અને વિદ્યાર્થી કલ્યાણના પ્રણેતા
પ્રો. ડોડિયા સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ્રેજી વિષયના પ્રથમ એવા અધ્યાપક છે, જેમણે આસિસ્ટન્ટ પ્રોફેસરથી કારકિર્દી શરૂ કરીને બઢતી અને સીધી ભરતી એમ બંને રીતે પ્રોફેસર તરીકે નિમણૂંક મેળવી છે. તેમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ૫૦ જેટલા અધ્યાપકોએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે, જે પૈકી ૨૦ જેટલા અધ્યાપકો ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં ગાઈડ તરીકે કાર્યરત છે. અંગ્રેજી ભવનના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે પી.એચ.ડી. પ્રવેશ ઈચ્છતા એક પણ તેજસ્વી વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત ન રહે તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી હતી, જેના પરિણામે ૪૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.માં પ્રવેશ મળ્યો હતો.
એક અધ્યાપક તરીકે પ્રો. ડોડિયા માત્ર અધ્યાપકોની જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓ પ્રત્યે પણ સતત જાગળત રહ્યા છે અને સત્તાધીશો સમક્ષ નિડરતાપૂર્વક રજૂઆતો કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના મહામંત્રી અને પ્રમુખ તરીકેના કાર્યકાળમાં તેમણે અધ્યાપકોના પ્રશ્નોના નિવારણ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં યુ.જી.સી.ના છઠ્ઠા અને સાતમા પગાર ધોરણના અમલીકરણમાં પણ તેમનો સક્રિય ફાળો રહ્યો છે.
પ્રો. જયદીપસિંહ ડોડિયાના આ ભવ્ય અભિવાદન બદલ અનેક શુભેચ્છકો, શિક્ષણવિદો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓએ તેમને (મો.૯૬૮૭૬ ૯૨૯૫૦) શુભેચ્છાઓ પાઠવી છે.
(2:27 PM IST)










