News of Friday, 30th May 2025
મનપાના આરોગ્ય અધિકારી ડો. વાંકાણીને ઘરભેગા કરો
સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં ભાજપના તમામ કોર્પોરેટરોનો પદાધિકારીઓ સમક્ષ એક જ સૂર સાથે ઉગ્ર રજૂઆતઃ ટુંક સમયમાં ઓફિસર સિલેકશન કમિટીની બેઠક બોલાવી લેવાશે નિર્ણય

રાજકોટ, તા. ૩૦: મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો.જયેશ વાંકાણીની કામગીરી સામે ખુદ શાસક પક્ષ ભાજપના ૬૬ કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની ગત બેઠકમાં આરોગ્ય અધિકારીને રાજ્ય સરકારમાં પરત મોકલવાનો મુદો ઉઠાવ્યા બાદ આજે સવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વેની ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં તમામ ૬૬ નગરસેવકોએ એક જ સુર વ્યક્ત કર્યો હતો કે આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી ઘર ભેગા કરી દેવામાં આવે.
આ અંગે પ્રાપ્તિ થતી વધુ વિગત મુજબ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીની કામગીરી સામે છેલ્લા ઘણા સમયથી સતત સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની ગત મિટિંગમાં ભાજપના કોર્પોરેટરોએ આરોગ્ય અધિકારીને સરકારમાં પરત મોકલવાની માંગ ઉઠાવી હતી પરંતુ ટેકનિકલી રીતે તે શકય નથી કારણ કે આરોગ્ય અધિકારીની ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી. કોર્પોરેશનની ઓફિસર સિલેક્શન કમિટી દ્વારા ભરતી કરવામાં આવી છે જેને કારણે ઓફિસર સિલેક્શન કમિટી જ તેને ડિસમિસ કરવા અંગેનો નિર્ણય લઈ શકે છે. આરોગ્ય અધિકારી સામે નાણાકીય વહીવટની પણ વ્યાપક ફરિયાદો ઉગતા તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને લેખિતમાં ફરિયાદ કરી હતી જેના આધારે મ્યુનિ. કમિશનર દ્વારા આરોગ્ય અધિકારીની સત્તા પર મોટો કાંપ મૂકી દેવામાં આવ્યો હતો. નાયબ કલેકટરને રોજે રોજની કામગીરીનો રિપોર્ટ કરવા માટે પણ સૂચના સાથે આદેશ આપવામાં આવ્યો હતો.
દરમિયાન આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં ફરી એક વખત શાસક પક્ષના તમામ ૬૬ કોર્પોરેટરો મેયર સમક્ષ એક જ સૂરમાં એવી વાત ઉચ્ચારી હતી કે કોઈપણ ભોગે તાત્કાલિક અસરથી આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીને ધર ભેગા કરી દેવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ઓફિસર સિલેક્શન કમિટીમાં કુલ પાંચ સભ્ય હોય છે જેમાં હોદાની રૂએ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા એમ કુલ પાંચ સભ્યોની આ સમિતિ હોય છે આ સમિતિએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈપણ અધિકારીની ભરતી માટે કે ડિસમિસ કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવે તેના અંગે નિર્ણય લેવામાં આવે છે. ઓફિસર સિલેક્શન કમિટી દ્વારા જે તે સમયે આરોગ્ય અધિકારી તરીકે ડો.જયેશ વકાણી ભરતી કરવામાં આવી હતી હવે જો કોઈ ફરિયાદ કે ગેરરીતિ માલુમ પડે તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓફિસર સિલેક્શન કમિટી સમક્ષ આરોગ્ય અધિકારીને ડીસમિસ કરવા અંગેની દરખાસ્ત મોકલવામાં આવી શકે છે જેના આધારે ઓફિસર સિલેક્શન કમિટીને જો યોગ્ય જણાય તો આરોગ્ય અધિકારીને ડિસ્મિત કરી શકે છે ટેકનિકલ રીતે આ ખૂબ જ અઘરી પ્રક્રિયા છે કારણ કે જો અધિકારી દ્વારા અદાલતના દ્વાર ખખડાવવામાં આવે તો પદ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આ અંગે અદાલતમાં પુરાવા સાથે જવાબ આપવો પડે તમામ પાસાઓ તપાસી ઓફિસર સિલેક્શન કમિટી દ્વારા આરોગ્ય અધિકારી ને બરતરફ કરવા અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. અગાઉ અનેકવાર કડક ભાષામાં ઠપકા અપાયા બાદ પણ આરોગ્ય અધિકારીની કામગીરીમાં કોઈ જ પ્રકારનું સુધારો આવતો નથી ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે પણ ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો સતત ઊઠી રહી છે. સત્તામાં કાપ મુકાયા બાદ પણ આરોગ્ય અધિકારીની કાર્યશૈલીમાં કોઈ જ સુધારો થતો ન હોય હવે ખુદ શાસક પક્ષ ભાજપના ૬૬ કોર્પોરેટરોએ મેયર સમક્ષ એક અવાજે આરોગ્ય અધિકારીને તાત્કાલિક અસરથી ઘર ભેગા કરવાની માગણી કરી છે.
(3:57 PM IST)










