<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

વૈષ્‍ણવ ટુ વૈષ્‍ણવ બિઝનેસ નેટવર્કની સ્‍થાપનાઃ દેશભરમાં તેના ચેપ્‍ટર શરૂ કરાશે

વૈષ્‍ણવાચાર્ય પૂ.યદુનાથજી મહોદયશ્રી પ્રેરિત આ નેટવર્કમાં અમદાવાદમાં બે ચેપ્‍ટર શરૂઃ ટૂંક સમયમાં રાજકોટ, મોરબી, જામનગરમાં પણ ચેપ્‍ટર શરૂ કરાશે

રાજકોટ, તા.૩: વૈષ્‍ણવ સંપ્રદાય દ્વારા આધ્‍યાત્‍મિકતા સાથેના વ્‍યવસાયની નવી પહેલ કરવામાં આવી છે. જેમાં વૈષ્‍ણવ ટુ વૈષ્‍ણવ બિઝનેસ નેટવર્કની રચના કરવામાં આવી છે. જેના થકી વૈષ્‍ણવ સમુદાય વચ્‍ચે વ્‍યવસાયિક સંબંધો વધુ ગાઢ બનશે.

વૈષ્‍ણવાચાર્ય પૂ.યદુનાથજી મહોદયશ્રી (કડી - અમદાવાદ)એ એક ભાગવત સપ્તાહ દરમિયાન જણાવ્‍યું હતું કે જ્‍યારે લોકો જરૂરિયાતમંદોને દાન આપે છે, ત્‍યારે તે હંમેશા સંબંધોમાં અંતર બનાવે છે.  દાન આપવાને બદલે લોકોને સશક્‍ત બનાવવામાં આવે. જ્‍યારે લોકો સશક્‍ત બને છે, જ્‍યારે તેમના વ્‍યવસાયો ખીલે છે, ત્‍યારે તેમનું ગૌરવ, શિક્ષણ અને મૂલ્‍યો પણ ખીલે છે. ત્‍યારે જ વ્‍યક્‍તિ પોતાના આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક પાસાં પર વધુ ધ્‍યાન આપવાની અપેક્ષા રાખી શકે છે, આ વ્‍યાખ્‍યાન ઉપરથી વૈષ્‍ણવ ટુ વૈષ્‍ણવ બિઝનેસ નેટવર્કનો વિચાર જન્‍મ્‍યો. ૧૦૦ દિવસના સમયગાળામાં, ઉદ્યોગપતિઓની એક નિષ્‍ણાત સમિતિની રચના કરવામાં આવી. જેમણે એક વેબસાઇટ, એક એપ્‍લિકેશન અને એક માળખું તૈયાર કરાવ્‍યું. આ નેટવર્કમાં લગભગ ૧૦૦ વ્‍યવસાયો જોડાયા, અને દરરોજ ઘણા વધુ વ્‍યવસાયો જોડાઈ રહ્યા છે.

હાલમાં, વૈષ્‍ણવ ટુ વૈષ્‍ણવ બિઝનેસ નેટવર્કે અમદાવાદમાં ૨ ચેપ્‍ટર શરૂ કર્યા છે, જેમાં કુલ ૧૦૦થી વધુ સભ્‍યો છે, અને જુલાઈ સુધીમાં બીજા ૩ ચેપ્‍ટર શરૂ કરવાની પ્રક્રિયામાં છે. આ પ્‍લેટફોર્મ નફા માટે નથી પરંતુ વ્‍યવસાયોને વિકસાવવામાં મદદ કરવા માટે છે. પ્‍લેટફોર્મનો પાયાનો સિદ્ધાંત છે કે લોકોને એક કરવા અને ભેદભાવ ન કરવો. ભવિષ્‍યની યોજનાઓ જોઈએ તો આ પ્‍લેટફોર્મ, વિશ્વભરના વૈષ્‍ણવોને જોડવા માંગે છે. જો સુરતનો કોઈ ઉત્‍પાદક આફ્રિકામાં નિકાસ કરવા માંગતો હોય અથવા કોઈ આઈટી કંપનીના માલિક યુકેની કંપની સાથે સહયોગ કરવા માંગતો હોય, તો તેઓ બધા આ પ્‍લેટફોર્મનો લાભ લઈ શકે છે. આગામી થોડા મહિનામાં ભારતના વિવિધ શહેરોમાં ચેપ્‍ટર ખોલવાની યોજના છે જેમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરત, બરોડા, મહેસાણા, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ સહિતના શહેરોનો સમાવેશ થાય છે.

(2:56 PM IST)