News of Wednesday, 4th June 2025
રાજકોટમાં વ્યસનમૂકત સમાજ બનાવોઃ પ્રજાને સલામતી પૂરી પાડોઃ કાયદાનો ચૂસ્તપણે અમલ કરાવો
અમુક ટકા લોકો દારૂ-ગાંજો-સિગારેટ-ગુટકા-ડ્રગ્સથી પીડાય છે અનેક ડોકટરો પ્રતિબંધિત થયેલી દવાઓ આડેધડ વેચે છેઃ કલેકટરને આવેદન

રાજકોટ, તા.૪: ભારતના સામ્યવાદી પક્ષે કલેકટરને આવેદન પત્ર પાઠવી વ્યસન મુકત સમાજ બનાવવા માટે પગલા ભરવા અને રાજકોટની સ્થાનિક પ્રજાને જીવન જીવવા માટે સલામતી પુરી પાડવી અને બંધારણીય મુજબ કાયદાકીય વ્યવસ્થાનો ચુસ્ત અમલ કરાવવાની માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે રાજકોટ શહેરમાં રહેવાસીમાં અમુક ટકા લોકો આર્થિક રીતે સધ્ધર છે તેમાં અમુક ટકા પ્રજાજનો વ્યસનથી પીડાય છે. જેમાં વિદેશી દારૂ, ગાંજો, સિગારેટ, ગુટકા તેમજ ડ્રગ્સ વિગેરે પ્રકારના સમાવેશ થાય છે. તેના કારણે અનેક પ્રકારની બિમારીઓનો ભોગ બની રહ્યા છે.
ખાનગી દવાખાનાઓ ડિગ્રી વગરના ડોકટરો પ્રતિબંધિત થયેલી દવાઓ આડેધડ વેચે છે જેમાં અમુક દવાઓ ડોકટરની માલિકીના મેડીકલ સ્ટોરમાંથી જ મળે છે. આમ આરોગ્યની દ્રષ્ટિએ આવનાર સમયમાં બહુ મોટુ નુકશાન સમાજને થનાર છે.
ગુજરાત રાજયમાં નશાબંધી હોવા છતા આ કેમ બને છે? આના માટે કોણ જવાબદાર છે? રોજ દિવસ રાત કામ કરતા મજુર અને કામદાર વર્ગમાં ડ્રગ્સ, દેશીદારૂ, ગાંજો અફીણ જેવા નશીલા પદાર્થોનું વ્યાપક પ્રમાણમાં ઉપયોગ શેરી-ગલીમાં પછાત વિસ્તારમાં ભરપુર ઉપયોગ થાય છે. નશો કરેલા વ્યકિતઓ ધીરે-ધીરે તમામ શરમ છોડીને લૂંટ-ગુંડાગીરી તરફ વળી રહ્યા છે. આથી ઉપરોકત તમામ બાબતે ચૂસ્ત કાયદાકીય વ્યવસ્થા ગોઠવાય તેવી માગણી છે.
(3:38 PM IST)










