<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણને બદલે બાંધકામ ઉદ્યોગ પૂરબહારમાં

મુખ્‍યમંત્રીશ્રીના પરિપત્રનો ઉલાળ્‍યો કરી નિવૃતો પાસે ચલાવાતો વહીવટઃ અગાઉ ૩ર કર્મચારીઓને છૂટા કર્યા હતાઃ કુલપતિ સહિતના સતાધીશોની મહેરબાનીથી ગેસ્‍ટ હાઉસમાં ફ્રી રહેવાનું અને પૂર્વ પરીક્ષા નિયામક નિલેશ સોની પાસે ૩૬ હજારની કડકાઇથી ઉઘરાણી!

રાજકોટ તા. પઃ અગાઉ ખરા શિક્ષણશાસ્‍ત્રીઓ અને સંશોધકોના પ્રખર પુરૂષાર્થથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ફોર સ્‍ટાર અને ઉચ્‍ચ ગુણથી પ્રકાશીત થતી હતી પરંતુ પૂર્વ કુલપતિ કનુભાઇ માવાણી સેવા નિવૃત થતા ક્રમશઃ શિક્ષણને બદલે ભૌતિક સુવિધામાં કુલપતિઓ અને સત્તા મંડળના સભ્‍યોએ ઉત્‍સાહ દર્શાવ્‍યો પરિણામે આજે ૩૬૩ એકરની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ સાવ નિરસ છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાન કુલપતિ જોશી અને સત્તા મંડળના સભ્‍યો દ્વારા શ્રેષ્‍ઠ ગુણવત્તાયુકત શિક્ષણના ‘મહાયજ્ઞ'ને બદલે બાંધકામ ઉદ્યોગમાં ઓતપોત હોય તેવું જાણવા મળે છે.

રાજય સરકાર અને કેન્‍દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ૧૦૦ કરોડની ગ્રાંટ આવી છે ત્‍યારે આ ગ્રાંટનો ઉપયોગ કરવા સત્તા મંડળના સભ્‍યો જયાં ખાલી જગ્‍યા છે ત્‍યાં સિમેન્‍ટના બીલ્‍ડીંગ બનાવવા નવા પ્રોજેકટો બનાવી રહ્યા છે. મુખ્‍યમંત્રી કાર્યાલય દ્વારા અગાઉ પરિપત્ર કરેલ કે નિવૃત થતા કર્મચારી કે અધિકારીઓને જો ફરી ફરજ સોંપતા પહેલા મંજૂરી લેવી પડશે. પરંતુ હાલના નિવૃતોની મંજૂરી ન હોવાનું જાણવા મળે છે. અગાઉ મુખ્‍યમંત્રી કાર્યાલયની મંજૂરી વગરના ૩ર કર્મચારી-અધિકારીઓને છૂટા કરવામાં આવ્‍યા હતા.

રાજય સરકારના આ નિર્ણયની હાલ યુનિવર્સિટીમાં સત્તાધીશોના માનીતાઓને ચોકકસ પ્રોજેકટ તેમજ કામ સબબ જવાબદારી સોંપી છે. બાંધકામ ક્ષેત્રે શંકાસ્‍પદ વહીવટની ચર્ચા પૂર બહારમાં ચાલી રહી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ખાસ ઓફીસ, માભો તેમજ ગેસ્‍ટ હાઉસમાં ‘ફ્રી' રહેવું તેવી અનેક સુવિધા ઉચ્‍ચ પદાધિકારીઓની સુચનાથી આપવામાં આવી રહી છે. જયારે યુનિવર્સિટીના (ઓલ ટાઇમ અવેલેબલ) ગણાતા પૂર્વ પરીક્ષા નિયામક નિલેશ સોની પાસે બંગલામાં રહેવા બદલ રૂા. ૩૬ હજારની કડકાઇથી ઉઘરાણી કરીને અપમાનીત કરવામાં આવી રહ્યા છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિશાળકાય ભવનો પૈકી કેટલાક ભવનોમાં તો વિદ્યાર્થીઓ કરતા પ્રોફેસર અને સ્‍ટાફની સંખ્‍યા ડબલ નહીં ત્રણ ગણી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો નિયમ વિરૂધ્‍ધ ચાલતો બાંધકામ ઉદ્યોગ થોડા સમય બાદ રાજય સરકાર અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશો માટે માથાનો દુઃખાવો ન બને તો નવાઇ નહીં. 

(3:32 PM IST)