News of Friday, 6th June 2025
કાલથી રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રો ટી-૨૦ લીગઃ ભવ્ય ઓપનિંગ સેરેમની
સલીમ-સુલેમાન અને જેકલીન ફર્નાન્ડીઝના શાનદાર પર્ફોમન્સઃ સંગીત પ્રદર્શન-ભવ્ય આતશબાજી : નિરંજન શાહ ક્રિકેટ સહિત કુલ ૨૧ મેચ રમાશેઃ ઉદ્ઘાટન સમારોહમાં મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિઃ દર્શકો માટે ફ્રી એન્ટ્રી

રાજકોટઃ સૌરાષ્ટ્ર પ્રો ટી૨૦ લીગ ૭ થી ૨૦ જૂન દરમિયાન નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. આ પ્રતિષ્ઠિત લીગ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક શ્રેષ્ઠ પ્રતિભાઓને પ્રદર્શિત કરશે, પછી ભલે તે અનુભવી ખેલાડી હોય કે ઉભરતા ખેલાડી, ટ્વેન્ટી૨૦ ક્રિકેટના જીવંત પ્રદર્શનમાં રમતગમત, મનોરંજન અને સમુદાય ભાવનાને એક સાથે લાવશે.
પાંચ ટીમો વચ્ચે કુલ ૨૧ મેચ રમાશે, જેમાં ફાઇનલનો પણ સમાવેશ થશે. ૭ જૂન ના રોજ ટુર્નામેન્ટનો ભવ્ય ઉદ્ધાટન સમારોહ યોજાશે. જેમાં સલીમ -સુલેમાન અને જેકલીન ફર્નાન્ડીઝ જમાવટ કરશે.
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. શ્રી મનસુખભાઈ માંડવિયાએ સૌરાષ્ટ્ર પ્રો ટી૨૦ લીગના ઉદ્ધાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન સમારોહ બપોરે ૩.૪૫ વાગ્યાથી શરૂ થશે.
ઉપરાંત, શરૂઆતની મેચ પછી, સલીમ-સુલેમાન અને જેકલીન ફર્નાન્ડીઝ દ્વારા એક મેગા કોન્સર્ટ યોજાશે. શરૂઆતની મેચ સાંજે ૫ વાગ્યે શરૂ થશે, ત્યારબાદ આકર્ષક સંગીત પ્રદર્શન અને આતશબાજી થશે.
ઉપરોક્ત ઇવેન્ટ માટે અને લીગની બધી મેચો માટે ફ્રી એન્ટ્રી રાખેલ છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર પ્રો ટી૨૦ લીગ ની ટીમો આ મુજબ છે. અનમોલ કિંગ્સ હાલાર, દીતા ગોહિલવાડ ટાઇટન્સ, જેએમડી કચ્છ રાઇડર્સ, આર્યન સોરઠ લાયન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકસ.
(3:52 PM IST)










