<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

પેડક રોડ પર રહેતી શેરબાનુબેન ઘરમાંથી બેભાન મળ્‍યા બાદ મોતઃ સાસુ અને જેઠ વિરૂધ્‍ધ આક્ષેપ

મૃતકે પંકજ બાવરીયા સાથે લવમેરેજ કર્યા હતાં: પંકજના મોત પછી તેણીને ઘરમાં જ પુરી રખાતી હોવાનો અને દારૂ કે દવા પીવડાવવામાં આવતાં હોવાનો મૃતકના બહેન ઝરીનાબેનનો આક્ષેપઃ ફોરેન્‍સ્‍કિ પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૧૪: શહેરના પેડક રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે રહેતી શેરબાનુબેન પંકજ બાવરીયા (ઉ.વ.૨૭) નામની મહિલા ગત ૯/૬ના રોજ પોતાના જ ઘરમાંથી બેભાન, બિમાર જેવી હાલતમાં મળી આવતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. તેનું સારવાર દરમિયાન મોત થતાં માવતર પક્ષે આક્ષેપો કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. પતિના અવસાન બાદ તેણીને ઘરમાં સાસુ, જેઠ સહિતના ત્રાસ આપતાં હોવાનો અને તેણીને દવા કે દારૂ પીવડાવવામાં આવતો હોવાનો આક્ષેપ તેણીના બહેન ઝરીનાબેને કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ પેડક રોડ પર મેલડી માતાના મંદિર પાસે રહેતી શેરબાનુ પંકજભાઈ બાવરીયાને ગત ૯મીએ સવારે અગિયાર આસપાસ ઘરેથી બેભાન હાલતમાં ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી ૧૧મીએ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેણીના મોટા બહેન ઝરીનાબેને શંકા દર્શાવી હતી કે તેની બહેન શેરબાનુબેનને તેના સાસુ શાંતુબેન અને જેઠ યોગેશભાઇએ કોઇ દવા કે દારૂ પીવડાવી દીધા છે. તેમજ તેને મારકુટ કરી છે. આ શંકાને આધારે સિવિલના તબિબે રીટ્રોગેટ એમએલસી કેસ એટલે કે પોલીસ કેસ જાહેર કર્યો હતો અને રામશીભાઇ વરૂ તથા ધર્મેન્‍દ્રભાઇ હુદડે બી-ડિવીઝનમાં નોંધ કરાવી હતી.

 ઝરીનાબેને આક્ષેપ કરી જણાવ્‍યું હતું કે શેરબાનુંના પિતાનું નામ મુસાભાઇ હમીરભાઈ કુંઢા છે. તે ગંજીવાડામાં રહેતા હતાં, હાલ હયાત નથી. પાંચેક વર્ષથી શેરબાનુ પંકજ સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. દરમિયાન દિકરીને જન્‍મ આપ્‍યો હતો. એકાદ વર્ષ પહેલા પંકજનું મળત્‍યુ નીપજ્‍યું હતું. આ પછીથી શેરબાનુને સાસુ અને જેઠ ત્રાસ આપતા હતા. તેણીને ઘરમાં જ પુરી રાખતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી ઝરીનાબેનનું નિવેદન લીધું હતું. આજે શનિવારે શેરબાનુબેનનું મૃત્‍યુ થતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું હતું.

(4:09 PM IST)