News of Monday, 16th June 2025
બોઇલર ફાટતાં આગ લાગવાની ઘટનામાં ફેક્ટરી સંચાલક બાદ કારીગરનું મોતઃ મૃત્યુઆંક બે થયો
શાપર પાસેની ફેક્ટરીમાં ૯મીએ બનેલા બનાવમાં સંચાલકનું મોત થયું હતું: તેમના ભાઇ, ભાગીદાર અને યુપીના કારીગર દાઝી ગયા હતાં: મૃતક ૨૩ વર્ષિય પ્રદ્યુમનના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં

રાજકોટ તા. ૧૬: શાપર ગામથી આગળ ગોલ્ડન ગેઇટ-૨માં આવેલી ડાઇ કાસ્ટીંગની ફેક્ટરીમાં રાતે બોઇલર ફાટતાં આગ ભભૂકતાં ફેક્ટરી સંચાલક રાજકોટ રહેતાં ૨૭ વર્ષના યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જ્યારે તેના ભાઇ, ભાગીદાર અને યુપીના એક કારીગર દાઝી જતાં સારવાર માટે ખસેડાયા હતાં. જે પૈકી યુપીના કારીગરનું મોત થતાં આ ઘટનામાં મૃત્યુઆંક બે થયો છે.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ શાપરથી આળગ ગોલ્ડન ગેઇટ-૨માં આવેલી પ્રિસીઝન એલોયકાસ્ટ નામની ફેક્ટરીમાં નવમીતારીખે રાતે રાતપાળીમાં કારીગરો ડાઇ કાસ્ટીંગનું કામ કરી રહ્યા હતાં. આ વખતે બોઇલરમાં ઓઇલ લીકેજને કારણે કે અન્ય કારણોસર આગ ભભૂકતાં અને બોઇલર ફાટતાં કર્મચારી મુળ યુપીના હાલ શાપર રહેતાં પ્રદ્યુમન રામકુવાલ રજપૂત (ઉ.વ.૨૩) લપેટમાં આવી જતાં દાઝી ગયો હતો. તેની સાથે આ ફેક્ટરીના સંચાલક-ભાગીદાર રાજકોટ મોરબી રોડ શિવમ્ પાર્કમાં રહેતાં ભરતભાઇ ધીરૂભાઇ કાકડીયા (ઉ.વ.૨૭) તેમજ તેના ભાઇ જયેશભાઇ ધીરૂભાઇ કાકડીયા (ઉ.વ.૨૪) અને ભાગીદાર પિયુષભાઇ ગોરધનભાઇ પીપળીયા (ઉ.વ.૩૫) પણ દાઝી ગયા હતાં. ચારેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં ફેક્ટરી સંચાલક ભરતભાઇ કાકડીયાનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેમના ભાઇ જયેશભાઇને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે ભાગીદાર પિયુષભાઇ પીપળીયાને દાખલ કરાયા હતાં.
તેમજ કારીગર યુપીના પ્રદ્યુમન રજપૂતને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. પ્રદ્યુમન બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. શાપર પોલીસે વિશેષ કાર્યવામી કરી હતી.
(12:07 PM IST)










