<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

તું કેમ તારા ગામની છોકરી સાથે વાત નથી કરતો? કુવાડવાના હોટેલ સંચાલક પર ચાર શખ્‍સોનો હુમલો

અનિલ ગમારાએ પહેલા ઉમંગ બાહુકીયાને ફોન કરી ગાળો દીધીઃ પછી સાંજે વાંકાનેર ચોકડીએ આવી બેફામ માર માર્યોઃ કુવાડવા પોલીસે અનિલ, નિલેષ અને બે અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૬: કુવાડવા રહેતાં હોટલ સંચાલક યુવાનને બામણબોરના શખ્‍સે તું કેમ કુવાડવાની છોકરી સાથે વાત નથી કરતો? કહી ગાળો દીધા બાદ સાંજે આ શખ્‍સ સહિત ચાર જણાએ હોટલ સંચાલક પર પાઇપથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

કુવાડવા  ગામમાં રાધે હોટલ પાછળ રહેતાં ઉમંગ સુરેશભાઇ બાહુકીયા પર વાંકાનેર ચોકડીએ હુમલો કરવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. ઉમંગ બાહુકીયા પરિવાર સાથે રહે છે અને રાંગણીમા ટી-સ્‍ટોલ નામે હોટલ ચલાવે છે. તે બેભાઇમાં નાનો છે. તેની ફરિયાદ પરથી પોલીસે બામણબોરના અનિલ ગમારા, નિલેષ ગમારા અને બે અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે. ઉમંગે વધુમાં કહ્યું હતું કે રવિવારે બપોરે સાડા ત્રણેક વાગ્‍યે મને બામણબોરના અનિલ ગમારાએ ફોન કર્યો હતો અને તું કુવાડવાની છોકરી સાથે કેમ વાત કરતો નથી? તેમ કહી મને ગાળો દીધી હતી. જેથી મેં મારા મોટા બાપુ જયંતિભાઇના દિકરા સચીનને આ વાત કરી હતી. જેથી સચીને અનિલના કાકા અજીતભાઇ ગમારાને ફોન કર્યો હતો અને વાત કરી હતી. જેથી અજીતભાઇએ કહેલું કે હવે પછી અનિલ ઉમંગને ફોન નહિ કરે.

ત્‍યારબાદ સાંજે સાઠા આઠેક વાગ્‍યે હું મારા મિત્ર રાયધન સાથે વાંકાને ચોકડીએ ગયો હતો. ત્‍યાંથી હુ મિત્રની સ્‍કોર્પિયોમાં બેસવા જતો હતો ત્‍યારે જ બે બાઇક પર અનિલ, નિલેષ, બે અજાણ્‍યા હાથમાં લોખંડના પાઇપ સાથે આવ્‍યા હતાં અને મારી સાથે ઝઘડો કરી ગાળો દીધી હતી. બાદમાં  અનિલે પાઇપથી હુમલો કરી જમણા પગ,માં માર માર્યો હતો. એ પછી નિલેષ અને બે અજાણ્‍યાએ પણ મને પાઇપના ઘા માારતાં હાથ, પગ, વાંસામાં ઇજા થઇ હતી. આ પછી ચારમાંથી કોઇએ મને છાતી, હોઠના ભાગે હાથમાં પહેરવાના કડાથી માર માર્યો હતો. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં આ ચારેય ભાગી ગયા હતાં. મેં મારા ભાઇને ફોન કરતાં તે મને કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્રમાં લઇ ગયો હતો. ત્‍યાંથી અમને વધુ સારવાર માટે રાજકોટ જવા કહેવાયું હતું.આ બનાવનું કારણ એ છે કે એક છોકરી સાથે મારે વાત કરવી ન હોવા છતાં અનિલે તેણીનું ઉપરાણું લઇ મને ફોન કરી તું શું કામ છોકરી સાથે વાત કરતો નથી તેમ કહી ગાળો દેતાં આ અંગે તેના કાકાને ફરિયાદ કરતાં ખાર રાખી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવાના હેડકોન્‍સ. અલ્‍પેશભાઇ અવાડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હોસ્‍પિટલના બિછાનેથી ઉમંગે કહ્યું હતું કે મારે છોકરી સાથે વાત કરવી નથી આમ છતાં મને તેની સાથે વાત કરવાનું કહી હેરાન કરવામાં આવતો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:09 PM IST)